શરદ પવારનો PM મોદી પર સમાજમાં ભાગલા પાડવાનો આરોપ, અજિત પવાર સાથે સમાધાન અંગે પણ સ્પષ્ટતા
Maharashtra Election 2024 : વિપક્ષના વરિષ્ઠ નેતા શરદ પવારે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સમાજમાં ભાગલા પાડવાનો આરોપ લગાવ્યો છે. તેમણે વડાપ્રધાન મોદીના ચૂંટણી ભાષણોની નિંદા કરી. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે શું ચૂંટણી બાદ તેમના અને તેમના ભત્રીજા અજિત પવાર વચ્ચે સમાધાન થઈ શકે છે, તો તેમણે કહ્યું કે, અમે ભાજપની સાથે ગઠબંધન કરનારા કોઈ સાથે સંબંધ નહીં રાખીએ.
PTIની સાથે એક ઈન્ટરવ્યુમાં શરદ પવારે કહ્યું કે, 'સત્તાધારી મહાયુતિ લોકસભા ચૂંટણીમાં પોતાના ખરાબ પ્રદર્શન બાદ ચૂંટણી ઉપર અસર કરવા માટે ભારે માત્રામાં પૈસાનો ઉપયોગ કરી રહી છે. પરંતુ લોકો તેનો સ્વીકાર નહીં કરે.'
આ પણ વાંચો: ‘હા, અદાણીના ઘરે અમિત શાહને મળ્યો હતો’, શરદ પવારની કબૂલાતથી રાજકીય ગરમાવો
યોગી આદિત્યનાથ પર કર્યા પ્રહાર
મહારાષ્ટ્રના ચાર વખતના મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પવારે 'બટેંગે તો કટેંગે'ના નારા મુદ્દે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પણ ટીકા કરી હતી. આ નારાને કેટલાક ભાજપના નેતાઓ અને નાયબ મુખ્યમંત્રી અજિત પવાર જેવા સહયોગીઓએ વખોડી કાઢ્યો છે. આ મુદ્દે પવારે કહ્યું કે, 'યોગી સાંપ્રદાયિક નિવેદનો માટે જાણીતા છે. તેમને એટલું મહત્ત્વ શા માટે આપવું જોઈએ? હું તેમના અંગે એક વાક્ય પણ બોલવા નથી માગતો. આ તે લોકો છે, જે ભગવા વસ્ત્ર પહેરે છે અને સાંપ્રદાયિકતા ફેલાવે છે. તેઓ દેશનું અહિત કરી રહ્યા છે.'
વડાપ્રધાન મોદીના ચૂંટણી અભિયાન પર કહી આ વાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ વિપક્ષ પર સમાજને જાતિના આધાર પર વહેંચવાનો આરોપ લગાવ્યો છે અને સત્તાધારી મહાયુતિના સમર્થનમાં 'એક હૈ તો સેફ હૈ'નો નારો આપ્યો. વડાપ્રધાનના ચૂંટણી અભિયાન અંગે પૂછવા પર શરદ પવારે કહ્યું કે, 'તેઓ વડાપ્રધાન છે. તેમણે અનેક વાતો કહી છે. તેઓ અમારા સાથીપક્ષો અંગે જે કહી રહ્યા છે, તે અયોગ્ય છે. તેઓ ખુદ સમાજમાં ભાગલા પાડી રહ્યા છે. તમે છેલ્લા કેટલાક દિવસોથી તેમના ભાષણો અને મુદ્દાઓને જોઈ શકો છો, તેઓ પોતાના રાજકીય હિતો માટે બોલી રહ્યા છે. પોતાના ચૂંટણી અભિયાન દરમિયાન લોકોમાં ખૂબ અશાંતિ જોવા મળી છે.'
વડાપ્રધાન પોતાના ચૂંટણી અભિયાન દરમિયાન કોંગ્રેસ અને ભાજપના પૂર્વ સહયોગી ઉદ્ધ ઠાકરેના નેતૃત્વ વાળી શિવસેના (યૂબીટી) પર પ્રહાર કરી રહ્યા છે. મહા વિકાસ અઘાડીના ચૂંટણી અભિયાનનું નેતૃત્વ કરતા અને 2023માં પાર્ટીમાં ભાગલા બાદ પશ્ચિમ મહારાષ્ટ્રમાં NCP(શરદચંદ્ર પવાર)ની સ્થિતિને ફરીથી મજબૂત કરવાનો પ્રયાસ કરતા 83 વર્ષીય નેતા પવારે ચૂંટણીમાં જનતાનું સમર્થ મળવાનો ભરોસો વ્યક્ત કર્યો.