મહારાષ્ટ્રમાં બેઠકો માટે 'મહાભારત': અઘાડીની ગાડી ફરી અટકી, કોંગ્રેસ અને ઠાકરેનું વધશે ટેન્શન

MVA ગઠબંધનના સીટ શેયરિંગના મામલાનો નિવેડો લાવવા આજે શરદ પવારના નિવાસસ્થાને બેઠક યોજાઈ

બેઠક બાદ કોંગ્રેસે કહ્યું, ‘તમામ પક્ષો સાથે વાતચીત કર્યા બાદ એક-બે દિવસમાં ફાઈનલ યાદી જારી કરીશું’

Updated: Mar 21st, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્રમાં બેઠકો માટે 'મહાભારત': અઘાડીની ગાડી ફરી અટકી, કોંગ્રેસ અને ઠાકરેનું વધશે ટેન્શન 1 - image


Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ હોવા છતાં મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી ગઢબંધન (MVA) વચ્ચે સીટ શેયરિંગ અંગે મહાભારત યથાવત્ છે. સૂત્રોના જણાવ્યા મુજબ સીટ શેયરિંગ અંગે આજે એમવીએની બેઠક યોજાઈ હતી, જોકે હજુ પણ આ મામલે અઘાડીની ગાડી પાટા પર આવી નથી. 

સીટ શેયરિંગ અંગે શરદ પવારના ઘરે બેઠક યોજાઈ

ગઠબંધન વચ્ચે સીટ શેયરિંગના મામલાનો નિવેડો લાવવા આજે શરદ પવાર (Sharad Pawar)ના નિવાસસ્થાને બેઠક યોજાઈ હતી. બેઠક અગાઉ એવું કહેવાતું હતું કે, ગઠબંધન વચ્ચે આજે બેઠક વહેંચણીના મુદ્દાનો નિવેડો આવી જશે, ત્યારબાદ એમવીએ સીટ શેયરિંગ ફૉર્મૂલા (Seat Sharing Formula)ની જાહેરાત કરી શકે છે. જોકે હવે સૂત્રો તરફથી માહિતી મળી છે કે, મહાવિકાસ અઘાડીમાં સીટ શેયરિંગનો મુદ્દો હજુ પણ અટકેલો છે.

બેઠક બાદ કોંગ્રેસે આપી માહિતી

મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલે (Nana Patole)એ બેઠકની માહિતી આપતા કહ્યું કે, ‘મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં સામેલ તમામ પક્ષો સાથે વાતચીત કર્યા બાદ એક-બે દિવસમાં ફાઈનલ યાદી જારી કરીશું.’ બેઠકમાં નાના પટોલે, કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા બાલાસાહેબ થોરાટ (Balasaheb Thorat), સંજય રાઉત (Sanjay Raut) સહિત ઘણા દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત હતા. એમવીએ ગઠબંધનમાં શિવસેના-ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે (Shiv Sena-Uddhav Balasaheb Thackeray) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર-પવાર) સામેલ છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં કુલ 48 લોકસભા બેઠકો છે.

ચૂંટણી પંચે 16 માર્ચે ચૂંટણીની તારીખો જાહેર કરી હતી

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે શનિવારે 16 માર્ચે દેશમાં લોકસભાની ચૂંટણીઓની તારીખો (Lok Sabha Election 2024 Date) જાહેર કરવા ઉપરાંત કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ અને પેટા-ચૂંટણીની પણ તારીખનો કાર્યક્રમ જાહેર કરી છે. દેશમાં લોકસભા ચૂંટણી માટે 19 એપ્રિલથી શરૂ થનાર મતદાન કુલ સાત તબક્કમાં યોજાશે, જ્યારે ચાર જૂને પરિણામ જાહેર કરાશે. આ ઉપરાંત ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાવાની છે, તેમાં આંધ્રપ્રદેશમાં 13 મે, સિક્કમ અને અરૂણાચલ પ્રદેશમાં 19 એપ્રિલે, જ્યારે ઓડિશામાં ચાર તબક્કામાં 13 મે, 20 મે, 25 મે અને પહેલી જૂને મતદાન યોજાશે. જ્યારે ગુજરાતમાં પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી (Gujarat By Election Date) પણ 7 મેના રોજ જ મતદાન થશે. આ વખતની ચૂંટણીમાં દેશમાં કુલ 96.88 કરોડ મતદારો રજીસ્ટર્ડ (Total Voters Registered) થયા છે. ચૂંટણી પંચે આ તમામ ચૂંટણીઓનું પરિણામ ચાર જૂને જાહેર કરવાનો નિર્ણય લીધો હતો, જો કે બાદમાં સિક્કમ અને અરૂણાચલ પ્રદેશની તારીખોમાં ફેરફાર કરી બીજી જૂને પરિણામ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.


Google NewsGoogle News