ભાજપના આક્ષેપ બાદ EDની મોટી કાર્યવાહી, ‘બિટકૉઈન’ મામલે ગૌરવ મહેતાના ઘરે દરોડા
ED Raids Premises Of Gaurav Mehta As Links To Bitcoin Case : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું આજે મતદાન ચાલી રહ્યું છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી (BJP)એ ગઈકાલે ‘બિટકૉઈન’ મુદ્દે ગંભીર આક્ષેપ કર્યા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી કરી છે. ઈડીની ટીમે બિટકોઈન વિવાદ મામલે રાયપુરમાં ગૌરવ મહેતાના ઘરે દરોડો પાડ્યો છે. આ પહેલા મહારાષ્ટ્રમાં ગઈકાલે બહુજન વિકાસ ઉઘાડીએ વિનોદ તાવડે વિરુદ્ધ ‘કેશ ફોર વોટ’નો આક્ષેપ કર્યો હતો, તો બીજીતરફ ભાજપે તાત્કાલીક પ્રેસ કોન્ફરન્સ યોજી ‘બિટકૉઈન કૌભાંડ’ મામલો ઉછાળી સુપ્રિયા સુલે અને નાના પટોલે પર ગંભીર આક્ષેપ કર્યા હતા. ત્યારબાદ ઈડીએ આ કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે.
સુલે અને પટોલે પર બિટકૉઈનના બદલે રોકડ લેવાનો આક્ષેપ
ગૌરવ મહેતા તે કન્સલ્ટન્સી માટે કામ કરતા હતા જે અમિત ભારદ્વાજના રૂ. 6600 કરોડના ક્રિપ્ટોકરન્સી કૌભાંડમાં પુણે પોલીસને મદદ કરી રહી હતી. પૂર્વ આઈપીએસ અધિકારી રવિન્દ્રનાથ પાટિલે મંગળવારે દાવો કર્યો હતો કે, ‘NCPSPના નેતા સુપ્રિયા સુલે અને મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ નાના પટોલેએ બિટકૉઈનના બદલે રોકડ મેળવવા માટે ગૌરવ મહેતાનો સંપર્ક કર્યો હતો અને આ નાણાં ઉપયોગ મહારાષ્ટ્રની ચૂંટણીમાં કરાયો હતો.
‘કેશ ફોર વોટ’ અને ‘બિટકૉઈન કૌભાંડ’ મામલે રાજકીય ગરમાવો
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં મતદાનના એક દિવસ પહેલા એટલે કે મંગળવારે (19 નવેમ્બર) બે રાજકીય ઘટના ‘કેશ ફોર વોટ’ અને ‘બિટકૉઈન કૌભાંડ’ મામલો ઉછળ્યો હતો, ત્યારબાદ સત્તાધારી પાર્ટીના નેતાઓ અને વિપક્ષી પાર્ટીના નેતાઓ એકબીજા પર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે. ગઈકાલે બહુજન વિકાસ અઘાડીના નેતાએ ભાજપ (BJP)ના રાષ્ટ્રીય મહા સચિવ વિનોદ તાવડે (Vinod Tawde) પર પૈસા વહેંચવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો અને તેમને એક હોટલમાંથી રોકડ સાથે પકડી પાડ્યા હતા. તો બીજીતરફ ભાજપે ‘બિટકૉઈન કૌભાંડ’નો ઉલ્લેખ કરી એક ઑડિયો ક્લિપ વાયરલ કરી, તેમાં નાના પટોલે (Nana Patole) અને સુપ્રિયા સુલે (Supriya Sule)નો અવાજ હોવાનો દાવો કર્યો હતો.
સુધાંશુ ત્રિવેદીએ ‘બિટકૉઈન કૌભાંડ’નો મામલો ઉછાળ્યો
વિનોદ તાવડે પર ‘કેશ ફોર વોટ’નો આક્ષેપ લાગ્યા બાદ ભાજપ નેતા સુધાંશુ ત્રિવેદી મેદાનમાં આવ્યા હતા. તેમણે ગઈકાલે તાત્કાલિક બે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે પ્રથમ કોન્ફરન્સ યોજી તાવડે સામેના આરોપોને અફવા ગણાવ્યા છે. જ્યારે બીજી કોન્ફરન્સમાં મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ નાના પટોલે અને સુપ્રિયા સુલે પર ગંભીર આક્ષેપો કરી પ્રશ્નોનો મારો કર્યો હતો.
ભાજપની બીજી પ્રેસ કોન્ફરન્સમાં બે ઑડિયો ક્લિપ ચલાવવામાં આવી અને કેટલાક ચેટ્સ દેખાડી આક્ષેપ કરાયો હતો કે, પૈસા આપવામાં આવી રહ્યા છે. આમાં નાના પટોલે અને પોલીસ કમિશનર અમિતાભ ગુપ્તા વચ્ચે તેમજ સુપ્રિયા સુલે અને ગૌરવ મહેતા વચ્ચેની થયેલી વાતચીતનો ઑડિયો ક્લિપ ચલાવાઈ હતી.
‘બિટકૉઈનના બદલે લીધેલી રોકડનો ઉપયોગ ચૂંટણીમાં કરાયો’
સુધાંશુએ કહ્યું કે, ‘આ ક્લિપ અને ચેટ્સમાં જેલ ભોગવી ચુકેલા એક પૂર્વ પોલીસ અધિકારી એક આરોપી ડીલરનો સંપર્ક કરે છે અને તે કહે છે કે, બિટકૉઈનના કેટલાક નાણાં રોકડમાં ટ્રાન્જેક્શન કરવા છે. તેઓ સુપ્રિયા સુલે અને નાના પટોલનું નામ લે છે. ડીલર અધિકારીને ઓડિયો ક્લિપ મોકલે છે અને દાવો કરે છે કે, ચૂંટણી માટે...’
તેમણે રાહુલ પર નિશાન સાધી કહ્યું કે, ‘મોહબ્બતની દુકાનનો સામાન દુબઈથી તો આવતો નથી ને ? આજે ચૂંટણી પહેલાની છેલ્લી રાત છે, જો આ પ્રશ્નોનો જવાબ નહીં આપ્યો તો... મુગલે આઝમ ફિલ્મનો ડાયલૉગ યાદ છે ને - યે રાત સાહિબે આલમ કે મંસૂબો પર બહુત ભારી ગુજરને વાલી હૈ.’
આ પણ વાંચો : બિટકોઇન કાંડ: અજિત પવારે કહ્યું- ઓડિયોમાં મારી બહેનનો જ અવાજ, સુપ્રિયાએ પણ આપ્યો જવાબ