મોદી-શાહની જોડી ભાજપ ઉપરાંત આ પાર્ટી માટે પણ કરશે પ્રચાર, સ્ટાર પ્રચારકોની યાદીમાં મળ્યું સ્થાન
Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ સહિત ઘણા પક્ષોએ પોતાના ઉમેદવાર જાહેર કરવાની કામગીરી સાથે સ્ટાર પ્રચારકની પણ યાદી જાહેર કરવાનું શરૂ કરી દીધું છે, ત્યારે શિવસેનાએ પણ 40 સ્ટાર પ્રચારકોની યાદી (Shiv Sena Star Campaigner) જાહેર કરી છે. શિવસેનાની યાદીમાં કેટલાક એવા નામો છે, જેમણે આજ સુધી શિવસેના માટે ચૂંટણી પ્રચાર કર્યો નથી. વાસ્તવમાં પાર્ટીએ સ્ટાર પ્રચારકોની યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) અને અમિત શાહ (Amit Shah)નું નામ પણ સામેલ કર્યું છે. જ્યારે યાદીમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) અને અજિત પવાર (Ajit Pawar)નું પણ નામ સામેલ છે.
વર્ષ 2022માં શિવસેના જૂથના બે ભાગલા
વર્ષ 2022માં એકનાથ શિંદે સહિતના નેતાઓએ બળવો કર્યા બાદ શિવસેના જૂથના બે ભાગલા પડી ગયા હતા. ત્યારબાદ તેમણે ભાજપ સાથે ગઠબંધન કરી રાજ્યના મુખ્યમંત્રી બન્યા બાદ શિવસેનાના ચિન્હ પર દાવો ઠોક્યો હતો, જેમાં સુપ્રીમ કોર્ટે એકનાથ શિંદે (Eknath Shinde) જૂથને અસીલ શિવસેના જાહેર કર્યા છે. ત્યાબાદ ઉદ્ધવ જૂથની શિવસેનાએ પક્ષનું નામ બદલી શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે) રાખવું પડ્યું હતું.
શિવસેના યુબીટીએ ઉમેદવારોની યાદી જાહેર કરી
અગાઉ બુધવારે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેના (યુબીટી)એ લોકસભા ચૂંટણી માટેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પક્ષના નેતા સંજય રાઉતે કુલ 17 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. મુંબઈ દક્ષિણ મધ્ય લોકસભા બેઠક પરથી અનિલ દેસાઈને ટિકિટ અપાઈ છે. આ ઉપરાંત મુંબઈ દક્ષિણથી અરવિંદ સાવંતને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રની 48 લોકસભા બેઠકો માટે 19 એપ્રિલથી પાંચ તબક્કામાં ચૂંટણી શરૂ થશે.