મહારાષ્ટ્રઃ શિંદેના વિશ્વાસુ આઉટ, હવે CM ફડણવીસના નજીકના સાથી સંભાળશે આ જવાબદારી
Maharashtra News : મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી બદલાયા બાદ હવે સરકારમાં પણ અનેક ફેરફાર થવાના શરૂ થઈ ગયા છે. આ જ ક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદેના નજીકના સાથી મંગેશ ચિવટેને ‘મુખ્યમંત્રી આરોગ્ય સહાય ડેસ્ક (મુખ્યમંત્રી રાહત ફંડ વિભાગ)’માંથી હટાવી દેવાયા છે. હવે તેમના સ્થાને ડૉ.રામેશ્વર નાઈક જવાબદારી સંભાળશે. નાઈક અગાઉ દેવેન્દ્ર ફડણવીસના મુખ્યમંત્રી આરોગ્ય સહાય ડેસ્કના પ્રમુખ હતા.
મંગેશ ચિવટે કોણ છે ?
પૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદેને કાર્યકાળ મુખ્યમંત્રી આરોગ્ય સહાય ડેસ્કથી લોકોને આરોગ્ય સુવિધાની સહાયતા આપવા માટે જાણીતો હતો. આ યોજનાની ઘણી ચર્ચા થઈ હતી. ચિવટેએ કોરોના મહામારી વખતે અનેક દર્દીઓની મદદ કરી હતી, ત્યારબાદ તેઓ ખૂબ ચર્ચામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમણે આરક્ષણ વિરોધ-પ્રદર્શનો દરમિયાન રાજ્ય સરકાર અને મરાઠા આરક્ષણ નેતા મનોજ જરાંગે વચ્ચે સંમતી સાધવાનું પણ કામ કર્યું હતું.
આ પણ વાંચો : ભારતમાં મહિલાઓ કરતાં પુરુષોની સ્થિતિ ચિંતાજનક, એક વર્ષમાં 1.22 લાખ આત્મહત્યા
CMનું કોકડું ઉકેલાયું, હવે કેબિનેટનો વારો
મહાયુતિ ગઠબંધનના સાથી પક્ષો વચ્ચે લાંબી કમઠાણ અને મહામુશ્કેલી બાદ રાજ્યમાં મહાયુતિની નવી સરકાર રચાઈ ગઈ છે અને હવે કેબિનેટનું કોકડું ઉકેલવાની તૈયારી છે. લાંબા મંથન બાદ ભાજપ, શિવસેના અને એનસીપીમાં મંત્રીમંડળની વહેંચણીની ફોર્મ્યૂલા લગભગ નક્કી થઈ ગઈ છે. 14 ડિસેમ્બરે મંત્રીમંડળનું વિસ્તરણ થવાની સંભાવના છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 288 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. મહાયુતિના સાથી પક્ષો ભાજપે 132, શિવસેનાએ 57, એનસીપીએ 41, JSS બે અને RSJPએ એક બેઠક જીતી હતી. આમ ગઠબંધને કુલ 233 બેઠકો જીતી છે.