મહારાષ્ટ્રમાં વિભાગોની વહેંચણી, જાણો CM ફડણવીસ, અજિત પવાર અને શિંદેને કયા-કયા ખાતા મળ્યા
Maharashtra Minister Portfolio Allocation: મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં મંત્રીઓને વિભાગની વહેંચણી કરી દેવાઈ છે. મુખ્યમંત્રી ફડણવીસની પાસે ગૃહ વિભાગ રહેશે. રાજ્યની કાયદો અને વ્યવસ્થા અને વહીવટ માટે આ વિભાગ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેની સાથે જ મુખ્યમંત્રી પાસે કાયદા અને ન્યાય વિભાગ, સામાન્ય વહીવટ વિભાગ તેમજ માહિતી અને પ્રચાર વિભાગની જવાબદારી પણ રહેશે.
જ્યારે ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેને શહેરી વિકાસ, આવાસ અને જાહેર બાંધકામ (જાહેર સાહસો) જેવા વિભાગો સોંપવામાં આવ્યા છે. મુંબઈ અને અન્ય શહેરી વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત મહત્ત્વના નિર્ણયોમાં શહેરી વિકાસ વિભાગ ભૂમિકા ભજવશે.
આ સાથે ડેપ્યુટી સીએમ અજિત પવારને નાણા વિભાગ અને આયોજન વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. જે રાજ્યની આર્થિક નીતિ અને બજેટ સાથે સંબંધિત છે. આ ઉપરાંત તેમને આબકારી વિભાગની જવાબદારી પણ સોંપવામાં આવી છે.
જ્યારે ચંદ્રશેખર બાવનકુળેને મહેસૂલ વિભાગની જવાબદારી મળી છે. રાધાકૃષ્ણ વિખે પાટીલને જળ સંસાધન, હસન મુશ્રીફને તબીબી શિક્ષણ ખાતું મળ્યું.
ફડણવીસે 5 ડિસેમ્બરે મુખ્યમંત્રી તરીકે, એકનાથ શિંદે અને અજિત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. 15 ડિસેમ્બરે શિયાળુ સત્ર પહેલાં 39 મંત્રીઓને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા હતા. ભાજપ, શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ગઠબંધન 'મહાયુતિ'એ 20 નવેમ્બરે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં 288માંથી 230 બેઠકો જીતી હતી.