ચૂંટણી પહેલા ભાજપ અમારા સમર્થકોના નામ મતદાર યાદીમાંથી ડિલીટ કરાવે છે, કોંગ્રેસના ગંભીર આરોપો
Maharashtra Elections: મુંબઈના નરીમાન પોઇન્ટમાં શિવસેના (UBT) મુખ્ય કાર્યાલય શિવાલય ખાતે શુક્રવારે MVA નેતાઓની એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ દરમિયાન કોંગ્રેસ પ્રદેશ એકમના અધ્યક્ષ નાના પટોલેએ ભાજપ પર ગંભીર આરોપો લગાવતા કહ્યું હતું કે, 'ભાજપ એમવીએ સમર્થકોના નામ મતદાર યાદીમાંથી હટાવવાનું કાવતરું કરી રહ્યું છે. અમને અમારા સમર્થકો તરફથી કેટલીક ફરિયાદો મળી છે. એવું નોંધવામાં આવ્યું હતું કે સત્તાધારી ગઠબંધન સ્થાનિક ચૂંટણી અધિકારીઓની મદદથી એમવીએને સમર્થન આપતાં મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરી રહ્યું છે.'
આ અંગે મુખ્ય ચૂંટણી અધિકારીને ફરિયાદ કરવામાં આવશે
એમવીએ નેતાઓએ કહ્યું હતું કે, 'ચૂંટણી પંચના ફોર્મ નંબર 7નો ઉપયોગ અન્ય મતદારો અથવા પોતાના મતદારોના નામ દૂર કરવા માટે થાય છે. હવે આ ફોર્મનો ઉપયોગ એમવીએનું સમર્થન કરતાં મતદારોના નામ દૂર કરવા માટે કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવારે NCP સાથે જોડાયેલા સંતોષ પવારનું વોટર આઇડી કાર્ડ બતાવ્યું. આ કાર્ડ પર તેના નામ સાથે અન્ય કોઈનો ફોટો છપાયેલો દેખાય છે. તેમણે કહ્યું કે MVA નેતાઓ આ ફરિયાદો અંગે મુખ્ય ચૂંટણી અધિકારીને મળવા જઈ રહ્યા છે. આ ગંભીર બાબત છે અને તેના પર કાર્યવાહી થવી જોઈએ.
સોશિયલ મીડિયા પર કોંગ્રેસ ઉમેદવારની યાદી નકલી
મહારાષ્ટ્ર કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે સોશિયલ મીડિયા પર ફરતી પાર્ટી ઉમેદવારોની પ્રથમ યાદીને નકલી ગણાવી છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ દ્વારા સહી કરાયેલી યાદીમાં કોંગ્રેસના 15 અગ્રણી નેતાઓના નામ સામેલ છે. પાર્ટીએ સ્પષ્ટતા કરી કે આ યાદી નકલી છે. નેતાઓએ કહ્યું કે યાદી કેવી રીતે બહાર પાડવામાં આવી તે સ્પષ્ટ નથી, પરંતુ તે સત્તાવાર નથી. પાર્ટીએ મતદારોને ઉમેદવારોની યાદીની સત્તાવાર જાહેરાતની રાહ જોવા અને અફવાઓ પર વિશ્વાસ ન કરવા વિનંતી કરી છે. કોંગ્રેસ શનિવારે મહારાષ્ટ્ર ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરે તેવી અપેક્ષા છે.