શિંદે જ નહીં અજિત પવારને પણ ઝટકો આપવાની તૈયારીમાં BJP! છીનવાઈ જશે મનગમતું પદ?
Maharashtra Chief Minister : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પરિણામ આવ્યા બાદ આજે પાંચમો દિવસ છે, તેમ છતાં મહાયુતિમાં મુખ્યમંત્રીના ચહેરા અંગે સસ્પેન્સ યથાવત્ છે. રાજ્યના નવા મુખ્યમંત્રી ભાજપમાંથી જ બનવાના હોવાનું નક્કી છે, જોકે ફડણવીસને આ પદ સોંપશે કે નહીં, તે અંગે હાલ કંઈ કહી શકાય તેમ નથી. સૌ કોઈની નજર મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ પર જોવા મળી રહી છે. આ ઉરાંત રાજ્યની કેબિનેટમાં મહત્ત્વના મંત્રાલયો પર પણ સૌ કોઈ નજર રાખીને બેઠું છે. જોકે ભાજપે જે યોજના ઘડી છે, તે ચોંકાવનારી છે.
મહાયુતિ ગઠબંધને કેબિનેટ માટે યોજના બનાવી
સૂત્રોના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રની કેબિનેટમાં કયા પક્ષના કેટલા નેતાઓને સમાવવા? તે અંગે સત્તાધારી મહાયુતિ ગઠબંધને 21-12-10 ફૉર્મ્યુલા તૈયાર કરી છે. આ મુજબ ભાજપ સૌથી મોટી પાર્ટી હોવાના કારણે તેને 21 પદ મળશે, જ્યારે એકનાથ શિંદેની શિવસેનાને 12 અને અજિત પવાર જૂથને 10 મંત્રી પદ મળશે.
આ પણ વાંચો : CM નહીં પણ આ મહત્વનું પદ પોતાની પાસે રાખી શકે છે શિંદે, કેસરકર બનશે ડેપ્યુટી CM!
ત્રણ વિભાગોના કારણે મહાયુતિમાં ડખાં ?
મહાયુતિના સાથી પક્ષો વચ્ચે ફૉર્મ્યુલા તૈયાર થઈ ગઈ છે, જોકે સૌથી મોટો પ્રશ્ન એવો છે કે, નાણા મંત્રાલય, ગૃહ અને સામાન્ય વહીવટ મંત્રાલય જેવા પ્રભાવશાળી વિભાગ કોને મળશે ? મીડિયા રિપોર્ટ મુજબ ભાજપે આ ત્રણેય વિભાગો પર પોતાનો દાવો ઠોકી દીધો છે. આ કારણે મહાયુતિના સાથી પક્ષોમાં આંતરિક વિવાદ ઊભો થવાની સંભાવના છે. મહાયુતિ સરકારના ગત કાર્યકાળમાં નાણાં મંત્રાલય અજિત પવાર પાસે હતું. સૂત્રોના જણાવ્યા મુજબ અજિત પવારે આ પદનો ઉપયોગ એનસીપી ધારાસભ્યોને મોટી આર્થિક મદદ પહોંચાડવા માટે કર્યો હતો, જેના કારણે ભાજપ અને શિવસેના નારાજ હતું.
શિંદેએ CM પદ ગુમાવ્યું, અજિત નાણાં મંત્રાલય ગુમાવશે ?
સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપ નવા કાર્યકાળમાં નાણાં મંત્રાલય (Finance Home Ministry) પોતાની પાસે રાખવા માંગે છે. આ નિર્ણયથી ભાજપ રાજ્યના ખજાનાને મેનેજ કરી શકશે. આ ઉપરાંત લાડકી બહન યોજના જેવી મોટી યોજનાઓ પણ લાગુ કરી શકશે. આ યોજનાએ ચૂંટણીમાં મહાયુતિને સફળતા અપાવી છે. આ જ કારણે નાણાંકીય પડકારોને અસરકારક રીત પહોંચી વળવા માટે મજબૂત નાણાં મંત્રાલયની જરૂર છે. તેથી ભાજપ નાણાં મંત્રાલય પોતાની પાસે રાખવા મથી રહી છે. અજિત પવારના દાદાને નાણાં મંત્રાલય ખૂબ પ્રિય છે, જોકે તેમની પાર્ટીને મહેસૂલ અથવા જાહેર બાંધકામ વિભાગ આપવામાં આવી શકે છે. આમ નવી સરકારમાં એકનાથ શિંદેએ મુખ્યમંત્રી પદ ગુમાવી દીધું છે, તો અજિત પવાર નાણાં મંત્રાલય ગુમાવી શકે છે.
આ પણ વાંચો : વક્ફ બિલથી મુસ્લિમોના અધિકારો પર હુમલો થશે: કેન્દ્રના વિરોધમાં ઉતર્યા મમતા બેનરજી