Get The App

મહારાષ્ટ્રમાં ભાજપ બહુમતીની નજીક છતાં CMનું નામ નક્કી કરવામાં તકલીફ, જાણો કારણ

Updated: Nov 27th, 2024


Google NewsGoogle News
Maharashtra CM Face


Maharashtra CM Face: મહારાષ્ટ્રમાં હજુ સુધી મુખ્યમંત્રીનો ચહેરો નક્કી થયો નથી. સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે કે એકલા ભાજપ બહુમતીની નજીક છે અને અજિત પવાર પણ મુખ્યમંત્રીની રેસથી દૂર છે. તેમ છતાં મહાયુતિ મુખ્યમંત્રી પદ અંગે નિર્ણય કેમ લઈ શકતી નથી? એવું માનવામાં આવે છે કે ભાજપ હાઈકમાન્ડ જાતિ સમીકરણના આધારે અને એનડીએના સહયોગીઓને વિશ્વાસમાં લઈને નિર્ણય લેવા માંગે છે. આ જ કારણ છે કે છેલ્લા ચાર દિવસથી મુંબઈથી દિલ્હી સુધી બેઠકોનો દોર ચાલી રહ્યો છે. 

એક તરફ મરાઠા ચહેરા એકનાથ શિંદેનું નામ ચાલી રહ્યું છે તો બીજી તરફ દેવેન્દ્ર ફડણવીસ છે. ભાજપને OBC વર્ગને પણ આકર્ષવાનો પડકાર છે. વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે પૂરો થયો. એકનાથ શિંદેએ પણ સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. નવી સરકારની રચના સુધી તેઓ કાર્યકારી મુખ્યમંત્રી છે. આખરે, મહાયુતિ મુખ્યમંત્રી અંગે નિર્ણય કેમ લઈ શકતી નથી?

ભાજપના નિરીક્ષકો પહેલા સાથી પક્ષો સાથે અને પછી ધારાસભ્યો સાથે વાત કરશે

નવા સીએમ અંગે નિર્ણય લેતા પહેલા ભાજપ તેના સહયોગી અને ધારાસભ્યો પાસેથી ઓપિનિયન પોલ લેશે. જેમાં પહેલા સહયોગી પક્ષોના નેતાઓ સાથે વાત કરવામાં આવશે અને  ત્યારપછી ભાજપના ધારાસભ્યો પાર્ટીની બેઠકમાં ભાગ લેશે અને પાર્ટીના ધારાસભ્યો સાથે વાત કર્યા બાદ સર્વસંમતિ સાધવામાં આવશે અને નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે. 

ભાજપ શું ઈચ્છે છે?

સૂત્રોનું કહેવું છે કે આટલી મોટી જીત બાદ ભાજપના કાર્યકરો ઈચ્છે છે કે મહારાષ્ટ્રમાં ભાજપમાંથી મુખ્યમંત્રી બનાવી શકે છે. ભાજપ પણ માને છે કે મુખ્યમંત્રીની પસંદગી કરતી વખતે કાર્યકરોની આ ભાવનાને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. 

સૂત્રોના જણાવ્યા અનુસાર, કઈ પાર્ટીના સીએમ હશે તે નક્કી કરવામાં કોઈ વિવાદ નથી. ભાજપ તરફથી દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી પદના મુખ્ય દાવેદાર છે. સૂત્રો એ પણ જણાવી રહ્યા છે કે ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ પણ ફડણવીસના નામ પર લગભગ સહમત થઈ ગયું છે. પરંતુ એકનાથ શિંદે અને અજિત પવારને કયું મંત્રી પદ આપવું તે અંગે પણ સમસ્યા છે.

ભાજપ કોઈપણ પ્રકારના સંકલન વગર નિર્ણય લેવા નથી ઇચ્છતું 

ભાજપ નથી ઈચ્છતું કે સંકલન વગર કોઈ નિર્ણય લેવામાં આવે, આથી છેલ્લા ચાર દિવસથી સાથી પક્ષો સાથે સતત વાતચીત ચાલી રહી છે. અત્યાર સુધી સૌથી મોટો પડકાર એકનાથ શિંદે અને તેમની પાર્ટી શિવસેનાને સંતુષ્ટ કરવાનો રહ્યો છે. એનસીપીએ પહેલાથી જ સંકેત આપ્યો છે કે તે ફડણવીસને તેની પ્રથમ પસંદગી માની રહી છે.

નિર્ણય લેવામાં ભાજપ કઈ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે?

બે વર્ષ પહેલા મહારાષ્ટ્રમાં થયેલા ગજગ્રાહ બાદ આ ચૂંટણીમાં ખરી કસોટી એકનાથ શિંદે અને અજિત પવારના જૂથોની હતી અને બંને આ કસોટીમાંથી પાસ થયા છે. બંનેએ બમ્પર જીત મેળવી અને તેમના ગઢ પર નિયંત્રણ જાળવી રાખ્યું. ભાજપ પણ આ બંને પક્ષોની સુસંગતતાને સારી રીતે સમજે છે, તેમજ હવે BMCની ચૂંટણી પણ આવશે એટલે ભાજપ કોઈ નવા વિવાદ ઉભા થાય તેવું નથી ઈચ્છતી. 

જ્યારે રાજ્યમાં મરાઠા vs OBC અનામતની લડાઈ ચાલી રહી હતી ત્યારે એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે કમાન સંભાળી હતી. કારણ કે, શિંદે પોતે મહાયુતિમાં એક મોટો મરાઠા ચહેરો છે. તેમણે આ વિવાદોનો અંત લાવવાનો પૂરતો પ્રયત્ત્ન કર્યો અને પરિણામે જ તેમને આ ચૂંટણીમાં ભારે સમર્થન મળ્યું. આથી શિંદેના નામને સંપૂર્ણપણે બાજુ પર મૂકવું સરળ નથી.

મહારાષ્ટ્રનું રાજકારણ મરાઠા સમુદાયનું પ્રભુત્વ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 18 મુખ્યમંત્રીઓમાંથી 10 મરાઠા છે. આમાં એકનાથ શિંદેનું નામ પણ સામેલ છે. રાજ્યમાં કુલ 288 વિધાનસભા અને 48 લોકસભા બેઠકો છે. મરાઠા સમુદાયની 150 થી વધુ વિધાનસભા બેઠકો અને 25 લોકસભા બેઠકો પર મજબૂત પકડ છે. જેના કારણે પણ એકનાથ શિંદેની અવગણના ન કરી શકાય.

2019ની ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હોવા છતાં ઉદ્ધવ ઠાકરે સાથેના ગઠબંધનના કારણે તે સત્તામાં આવી શકી નથી. પરંતુ, અઢી વર્ષ પછી એકનાથ શિંદેએ શિવસેનામાં બળવો કર્યો અને ભાજપ સાથે હાથ મિલાવ્યા અને આમ એનડીએની સરકાર બની. એટલે કે શિંદેના કારણે જ 2022માં મહારાષ્ટ્રમાં એનડીએની સરકાર બની હતી.

આ પણ વાંચો: અદાણી-સંભલ હિંસા મુદ્દે સંસદના બંને ગૃહોમાં જોરદાર હોબાળો, રાહુલે કરી ધરપકડની માગ

આ વખતે એકનાથ શિંદે જૂથ બિહાર મોડલનો હવાલો આપી રહ્યું છે. બિહારમાં ભાજપ સૌથી મોટી પાર્ટી હોવા છતાં જેડીયુ પ્રમુખ નીતિશ કુમાર ત્યાંના સીએમ છે. 2025ની ચૂંટણીમાં પણ નીતિશ કુમાર NDAનો ચહેરો છે. શિંદે જૂથની એવી પણ દલીલ છે કે આ ચૂંટણી શિંદેના ચહેરા પર લડવામાં આવી હતી અને તેમને રેકોર્ડ જીત મળી હતી.

શિંદે મરાઠા ચહેરો હોવાથી. ભાજપ પાસે તેમને હટાવીને OBC પર દાવ લગાવવાનો વિકલ્પ પણ છે. પરંતુ આનાથી મરાઠા વર્ગમાં અસંતોષ પણ થઈ શકે છે. એટલે કે સંતુલન જાળવવું પણ એક પડકાર છે.

દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્ર ભાજપના સૌથી મોટા નેતા છે. આ ચૂંટણીમાં પણ ભાજપે ફડણવીસને આગળ કર્યા અને તેમને મોટા ચહેરા તરીકે રજૂ કર્યા. કારણ કે ફડણવીસ ઉચ્ચ વર્ગના છે. એટલે કે, તે ઓબીસી કેટેગરીમાં ફિટ નથી અને ભાજપ માટે તેમને બાજુ પર મૂકવું મુશ્કેલ બનશે, કારણ કે તેમના પોતાના સમર્થકો છે અને સાથી એનસીપી પણ ઈચ્છશે નહીં કે ભાજપ ફડણવીસને બદલે નવા ચહેરાને સીએમ બનાવે.

આ કવાયત વચ્ચે NDAના સહયોગી અને કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેનું નિવેદન પણ મહત્વનું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ચૂંટણી પહેલા શિંદેને તે ફરીથી મુખ્યમંત્રી બનશે એવું કોઈ વચન આપવામાં આવ્યું ન હતું. આથી તેમણે મુખ્યમંત્રી પદની માંગ ન કરવી જોઈએ. જો તેઓ ડેપ્યુટી સીએમ માટે તૈયાર ન હોય તો તેમણે દિલ્હી આવવું જોઈએ. તેમને દિલ્હીમાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવી શકે છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે એકનાથ શિંદે આગળ કઈ નવી ભૂમિકા ભજવશે.


Google NewsGoogle News