'400 પારના નારાથી જ નુકસાન થયું...', NDAના સાથીએ જ ભાજપની બેઠકો ઘટવાનું જણાવ્યું કારણ
Image : IANS |
Lok Sabha Elections results 2024: લોકસભા 2024ની ચૂંટણીના પરિણામ જાહેર થઈ ચૂક્યાં છે અને તેમાં ભાજપને પૂર્ણ બહુમતી મળી નથી. પાર્ટીને ઘણા રાજ્યોમાં ધાર્યું પરિણામ મળ્યું નથી. જેમાં મહારાષ્ટ્રનો પણ સમાવેશ થાય છે. ત્યારે હવે મહારાષ્ટ્રમાં ભાજપની બેઠકો ઘટવાને લઈને NDAના સાથીએ ચોંકાવનારું નિવેદન આપતા કહ્યું હતું કે '400 પારના નારાથી જ પાર્ટીને રાજ્યમાં નુકસાન થયું છે.'
આ મુદ્દો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde)એ લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં ભાજપના ખરાબ પ્રદર્શન પર ટિપ્પણી કરી છે. સીએમ શિંદેએ કહ્યું કે આ વખતે '400 પારના નારાથી જ પાર્ટીને નુક્સાન થયું છે'. તો વિપક્ષે લોકો સમક્ષ ખોટો પ્રચાર કર્યો હતો કે જો NDA 400થી વધુ બેઠકો જીતશે તો બંધારણમાં ફેરફાર જોવા મળશે. આ મુદ્દો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ વાત કેટલાક લોકોના મનમાં અટવાઈ ગઈ અને મહારાષ્ટ્રમાં પાર્ટીને આનો માર સહન કરવો પડ્યો હતો.
ખેડૂતો નાખુશ હોય તો કોઈ ખુશ ન રહી શકે: શિંદે
મુખ્યમંત્રી શિંદેએ મુંબઈમાં કમીશન ફોર એગ્રીકલ્ચરલ કોસ્ટ્સ એન્ડ પ્રાઈસ (CACP)ની બેઠકમાં કહ્યું કે લોકોને લાગે છે કે NDAને 400થી વધુ બેઠકો મળે તો બંધારણ સાથે છેડછાડ થઈ શકે છે. સીએસીપીની બેઠકમાં સીએમ શિંદેએ કહ્યું કે જો ખેડૂતો નાખુશ હોય તો કોઈ ખુશ ન રહીં શકે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ કેન્દ્રીય કૃષિમંત્રીને મળશે અને ડુંગળી, કપાસ અને સોયાબીનના લઘુત્તમ ટેકાના ભાવની માંગણી કરશે.