મહાયુતિની 3 કલાકની બેઠકમાં બધુ 'All is Well' પણ કોઇ નિર્ણય ન લેવાયો, હવે મુંબઈમાં નક્કી થશે CM
Maharashtra Politics: મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને લઈને હજુ સુધી સસ્પેન્સ યથાવત્ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના નામ અંગે તેમજ મંત્રીમંડળ અંગે આજે દિલ્હી સ્થિત ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની સાથે મહારાષ્ટ્રના કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદે, ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ, NCPના વડા અજિત પવાર અને અન્ય મહાયુતિ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમિત શાહના નિવાસસ્થાને બે કલાક સુધી બેઠક યોજાઈ
અહેવાલો મુજબ નેતાઓ વચ્ચે લગભગ 3 કલાક સુધી બેઠક યોજાઈ હતી, જેમાં મહારાષ્ટ્રના નવા મુખ્મયંત્રી અને મંત્રીમંડળ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રના મંત્રીમંડળમાં ભાજપના 21થી 22 ધારાસભ્યોને સામેલ કરવામાં આવી શકે છે.
કાર્યવાહક સીએમ શિંદે શું બોલ્યાં?
બેઠક બાદ મહાયુતિમાં સામેલ ત્રણેય પક્ષના દિગ્ગજો પરત મુંબઈ આવી ગયા હતા અને હવે આ મામલે મુંબઇમાં બેઠક યોજાશે જેમાં સીએમનું નામ ફાઈનલ કરાશે તેવી ચર્ચા છે. આ મામલે કાર્યવાહક સીએમ શિંદેએ કહ્યું કે શાહ સાથેની અમારી બેઠક સકારાત્મક રહી. આ પહેલી બેઠક હતાી. હવે અમે મુંબઈમાં બીજી બેઠક કરીશું જેમાં સીએમના નામ અંગે નિર્ણય લેવાશે. આ પહેલા શિંદેએ બુધવારે નિવેદને સંકેત આપી દીધા હતા કે, લગભગ નક્કી છે કે મુખ્યમંત્રી ભાજપના જ હશે. હવે બસ નામ પર મહોર લગાવવાની બાકી છે. તેને લઈને ગઈકાલે રાત્રે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના ઘરે મોટી બેઠક યોજાઈ હતી.
બેઠકમાં મહાયુતિના ત્રણેય નેતા- દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર સામેલ રહ્યા. આ સિવાય બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, પ્રફુલ પટેલ અને સુનીલ તટકરે પણ હાજર રહ્યા. અગાઉ એવા અહેવાલો સામે આવ્યા હતા કે, અમિત શાહ સાથે યોજાયેલી બેઠક બાદ મુખ્યમંત્રી નામની જાહેરાત થઈ જશે. જોકે આ અંગે હાલ કોઈ સત્તાવાર જાહેરાત કે વિગતો સામે આવી નથી.