શિંદે સાથે દગો! ચૂંટણી પહેલાના વાયદાથી ભાજપ ફરી ગયાનો દાવો, શિંદે કઈ વાત પર નિઃશબ્દ થયા?
Maharastra CM News | મહારાષ્ટ્રમાં સરકાર રચવાની ફોર્મ્યુલા લગભગ નિશ્ચિત જણાય છે. જો કે મુખ્યમંત્રી સહિત અન્ય પદો પર કોણ હશે તે અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. દરમિયાન, એવા અહેવાલો છે કે શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતૃત્વને તેમને માત્ર 6 મહિના માટે મુખ્યમંત્રી બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે ભાજપે આ પ્રસ્તાવ ફગાવી દીધો હતો.
શિંદેએ શું માગ કરી હતી?
એક અહેવાલમાં વરિષ્ઠ નેતાના હવાલાથી કહેવામાં આવ્યું છે કે ભાજપે 6 મહિના સુધી સીએમ બનવાના શિંદેના વિચારને નકારી કાઢ્યો હતો. પાર્ટીએ કહ્યું કે આ એક ખોટો દાખલો બેસાડશે. 6 મહિના માટે સીએમની નિમણૂક કરવાની કોઈ વ્યવસ્થા નથી. આ એક ખોટો નિર્ણય હશે અને વહીવટીતંત્ર પર તેની નકારાત્મક અસર પડશે. અહેવાલ મુજબ, શિંદે અને અન્ય નેતાઓ 28 નવેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા.
શું વાયદો કર્યો હતો ભાજપે?
અહેવાલ અનુસાર વરિષ્ઠ રાજનેતાએ એમ પણ કહ્યું કે બેઠકમાં શિંદેએ ભાજપને લોકસભા ચૂંટણી પછી આપેલા તેમના જૂના કથિત વચનની પણ યાદ અપાવી કે, જો ગઠબંધનને બહુમતી મળશે તો તેમને ફરીથી મુખ્યમંત્રી બનાવવામાં આવશે. અહેવાલ મુજબ તેમની આ વાતને સીધી ફગાવી દેવામાં આવી હતી અને ભાજપે સ્પષ્ટ કહ્યું હતું કે બહુમતીની નજીક પહોંચી ગયા પછી ભાજપ માટે આવો નિર્ણય લેવો ખોટો સાબિત થશે.
શિંદે કઈ વાત પર ચૂપ થઈ ગયા!
વરિષ્ઠ નેતાએ કહ્યું કે શિંદેને એમ પણ કહેવાયું કે તે ખુદને ભાજપના અધ્યક્ષ સ્થાને રાખીને જુએ. બેઠકમાં શિંદેને ભાજપે સવાલ કર્યો કે જો તમે સ્પષ્ટ બહુમત પ્રાપ્ત કરી લીધો હોત તો શું મુખ્યમંત્રી પદનો દાવો છોડી દીધો હોત. તેના પર શિંદે ચૂપ થઈ ગયા. ઉલ્લેખનીય છે કે બુધવારે એટલે કે આજે ભાજપની બેઠક યોજાશે જેમાં ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરાશે.