મહારાષ્ટ્રથી આવ્યા વધુ એક સારા સમાચાર ! CM બાદ કેબિનેટનું કોકડું ઉકેલાયું, ફડણવીસે કરી મોટી જાહેરાત
Maharashtra CM Davendra Fadnavis Press Conference On Cabinet : ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રમાં ત્રીજી વખત મુખ્યમંત્રી બની ગયા છે. તેમણે આજે મુંબઈમાં યોજાયેલા ભવ્ય સમારંભમાં નવા મુખ્યમંત્રી તરીકેના શપથગ્રહણ કર્યા છે. તેમણે પાંચ વર્ષ બાદ ફરી સમુદ્ર બનીને રાજ્યની સત્તા સંભાળી લીધી છે. શપથગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક મોટા નેતાઓ અને બોલિવૂડ હસ્તીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદનું કોકડું ઉકેલાઈ ગયું છે અને હવે કેબિનેટના મુદ્દાનો પણ નિવેડો આવ્યો હોય, તેવું ફડણવીસના નિવેદનથી લાગી રહ્યું છે.
મારી કેબિનેટમાં મોટો ફેરફાર નહીં થાય : ફડણવીસ
દરમિયાન રાજ્યના નવા મુખ્યમંત્રી ફડણવીસે મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમવાર મીડિયાને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, ‘મહાયુતિ ગઠબંધનની સરકારમાં વિભાગોની વહેંચણી મુદ્દે સંમતિ સધાઈ ગઈ છે. મારા મંત્રીમંડળમાં બહુ ફેરફાર નહીં થાય. અમારું મહારાષ્ટ્ર હવે અટકશે નહીં. છેલ્લા અઢી વર્ષમાં મહારાષ્ટ્રે જે ગતિ પકડી છે, તે ગતિ તમામ ક્ષેત્રમાં યથાવત્ રહેશે. અમારી ભુમિકા અમારી દિશા બદલી શકે છે. મારા, શિવસેનાના પ્રમુખ એકનાથ શિંદે (Eknath Shinde) અને એનસીપીના પ્રમુખ અજિત પવાર (Ajit Pawar) વચ્ચેની સમજદારી એક જેવી હશે.’
‘અમે લાડકી બહેન યોજનાની રકમ વધારીશું’
તેમણે કહ્યું કે, ‘મેનિફેસ્ટોમાં જે વચનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેને પૂરા કરવાનું અમારું લક્ષ્ય છે. અમારી સરકાર પારદર્શી રીતે કામ કરશે. અમને મળેલા પાંચ વર્ષ બદલો (વિપક્ષ વિરુદ્ધ) લેવા માટે નથી, પરંતુ અમે કામ કરીશું. અમે લાડકી બહેન યોજના ચાલુ રાખીશું. હાલ યોજનામાં 1500 રૂપિયા મળી રહ્યા છે, જેને વધારીને 2100 કરીશું. જોકે તે પહેલા અમે આર્થિક સોર્સ મજબૂત કરીશું. અમે બજેટમાં રકમ વધારીશું. અમે કેટલીક અરજીઓની યોગ્યતા તપાસીશું. કેટલીક અરજીઓમાં વિસંગતતાઓ હોઈ શકે છે.’
‘અમે વિભાગોની વહેંચણી માટે લગભગ નિર્ણય લઈ લીધો છે’
તેમણે કહ્યું કે, ‘નવમી ડિસેમ્બરથી મુંબઈ વિધાનસભા શરુ થવાની છે, જેમાં પહેલા સ્પીકરની ચૂંટણી યોજાવાની છે. નાગપુર વિધાનસભા સત્ર પહેલા કેબિનેટનું વિસ્તરણ કરીશું. અમે વિભાગોની વહેંચણી માટે લગભગ નિર્ણય લઈ લીધો છે. નવી મહાયુતિ સરકાર હેઠળ વિભાગમાં કેટલાક ફેરફાર થશે, જોકે કોઈ મોટો ફેરફાર કરવામાં આવશે નહીં.