વિનોદ તાવડે બાદ શિવસેનાના દિગ્ગજ નેતા પર કેશ ફોર નોટનો આરોપ: કારમાંથી મળ્યા કરોડો રૂપિયા
Maharashtra Assembly Elections 2024: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાનના એક દિવસ પહેલા એક પછી એક રોકડ કૌભાંડના કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા. પહેલા ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે પર પૈસાની વહેંચણીનો આરોપ લાગ્યો હતો. ત્યારપછી શરદ પવારના પૌત્ર રોહિતની કંપનીનો એક અધિકારી પૈસા વહેંચતા ઝડપાયો હતો. એવામાં વધુ એક રોકડ કૌભાંડ પ્રકાશમાં આવ્યું. ગોરેગાંવ પૂર્વ દિંડોશી વિધાનસભાથી એકનાથ શિંદે જૂથના ઉમેદવાર સંજય નિરુપમની ઈનોવા કારમાંથી કરોડો રૂપિયા મળી આવ્યા છે.
કારમાંથી કરોડો રૂપિયા મળતા કાર કબજે કરાઈ
પૈસા મળી મળેલી આ ઈનોવા કાર મંત્રી પાર્ક સોસાયટીની સામે પાર્ક કરવામાં આવી હતી. પોલીસે કાર કબજે કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ છે. આ કાર પર શિંદે જૂથના નેતાનું સ્ટીકર હતું. હાલ પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને તે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે વાહનમાંથી કોની રકમ મળી આવી હતી અને ચૂંટણી પહેલા આ રકમ કયા હેતુ માટે રાખવામાં આવી હતી.
વિનોદ તાવડે પર પૈસાની વહેંચણીનો આરોપ
આ પહેલા મંગળવારે વિનોદ તાવડે પર પૈસાની વહેંચણીનો આરોપ લાગ્યો હતો. જેનાં કારણે હોબાળો થયો હતો. હુજન વિકાસ અઘાડીના કાર્યકરોએ તાવડે પર 5 કરોડ રૂપિયા લાવીને પૈસા વહેંચવાનો આરોપ લગાવ્યો છે.
ચૂંટણી પંચે આ સમગ્ર મામલાની તપાસ કરવી જોઈએ
જો કે, વિનોદ તાવડેએ આ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે ચૂંટણી પંચે આ સમગ્ર મામલાની તપાસ કરવી જોઈએ, સીસીટીવીની તપાસ કરવી જોઈએ, ત્યારબાદ સત્ય બધાની સામે આવશે. તેમણે કહ્યું કે નાલાસોપારાના ધારાસભ્યોની બેઠક યોજાવાની હતી. આથી તેઓ આ બેઠકમાં આદર્શ આચારસંહિતા, વોટિંગ મશીન સીલ કરવાની પદ્ધતિ વગેરે સમજાવવા આવ્યા હતા.
રોહિત પવારની કંપનીનો અધિકારી ઝડપાયો
શરદ પવારના પૌત્ર રોહિત પવારની કંપની બારામતી એગ્રોના એક અધિકારી મોહિતેને પૈસા વહેંચતા ઝડપાયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે મોહિતે સતારા કર્જત જામખેડ વિધાનસભામાં મતદારોને આકર્ષવા માટે પૈસાની વહેંચણી કરી હતી. જે દરમિયાન તે ઝડપાઈ ગયો હતો. પોલીસે મોહિતે પાસેથી એક યાદી પણ મેળવી લીધી છે. આ યાદીમાં અત્યાર સુધી કેટલા લોકોને પૈસા આપવામાં આવ્યા છે અને કેટલા લોકોને આપવાના છે તેની સંપૂર્ણ માહિતી હતી.