છગન ભુજબળ અજિત પવારથી નારાજ! કેબિનેટમાં જગ્યા ન મળતા કહ્યું- ‘હું કોઈ રમકડું નથી’
Maharashtra Politics : મહારાષ્ટ્રમાં 15 ડિસેમ્બરે મંત્રીમંડળનું વિસ્તાર થયું હતું. જેમાં કુલ 39 ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા હતા. જોકે, આ મંત્રીમંડળમાં અનેક દિગ્ગજ ધારાસભ્યોની અવગણના કરાઇ હતી. જે કારણસર હવે એક પછી એક દિગ્ગજ ધારાસભ્યો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. આ દરમિયાન અજિત પવારની NCP ના દિગ્ગજ નેતા છગન ભુજબળે પણ મંત્રી મંડળમાં સ્થાન ન મળતા પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે અજિત પવાર પર પ્રહાર કરતા કહ્યું કે, 'હું તમારું રમકડું નથી.'
પરોક્ષ રીતે કર્યો કટાક્ષ
છગન ભુજબળે તાજેતરમાં મીડિયા સાથે વાતચીત કરતી વખતે અજિત પવાર પર પરોક્ષ રીતે કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે, 'મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હકિકતમાં મને રાજ્યના મંત્રીમંડળમાં સામેલ કરવાના પક્ષમાં હતા. અજિત પવાર એનસીપી માટે એવા જ નિર્ણય લે છે, જેવી રીતે ફડણવીસ ભાજપ માટે અને એકનાથ શિંદે શિવસેના માટે લે છે.'
આ પણ વાંચોઃ મહાયુતિમાં મહાસંકટ: શિંદે, પવાર અને ફડણવીસની ચિંતા વધી, નારાજ નેતાઓ નવાજૂની કરશે?
અપમાનિત અનુભવી રહ્યો છુંઃ ભુજબળ
છગન ભુજબળે કેબિનેટમાં સામેલ ન કરવા પાછળનું કારણ મરાઠા કાર્યકર મનોજ જરાંગે સાથેની તેમની મુલાકાતને ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, 'હું મનોજ જરાંગેને મળ્યો હતો, તેથી મને કેબિનેટમાંથી બહાર રાખવામાં આવ્યો છે. કેબિનેટમાં સામેલ ન થવાથી હું નારાજ નથી પરંતુ અપમાનિત અનુભવી રહ્યો છું.'
હું કોઇ રમકડું નથી: ભુજબળ
ભુજબળે પ્રહાર કરતા કહ્યું કે, 'પક્ષ તરફથી મને મે 2024માં યોજાયેલી લોકસભાની ચૂંટણી લડવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ પછીથી મને ટિકિટ જ નહોતી અપાઇ. વર્ષની શરૂઆતમાં હું રાજ્યસભામાં જવા માંગતો હતો, પણ ત્યારે મારી વાત ટાળી દેવાઇ હતી. હવે આઠ દિવસ પહેલા મને રાજ્યસભાની સીટની ઓફર કરવામાં આવી હતી જેને મેં ફગાવી દીધી હતી. તેઓએ પહેલા મારી વાત ન સાંભળી, હવે તેઓ રાજ્યસભાની સીટ આપી રહ્યા છે. મેં સ્પષ્ટ કહી દીધું કે હું તમારું કોઇ રમકડું નથી.'