મહારાષ્ટ્રમાં નવા-જૂનીના એંધાણ? મહાયુતિની આજની બંને બેઠકો રદ
Maharashtra CM News: મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવવાનો રસ્તો સાફ થઈ રહ્યો હોય તેવુ જણાઈ રહ્યું હતું. આજે સાંજે મુંબઈમાં મહાયુતિના ત્રણેય નેતાઓની બેઠકો યોજાવાની હતી, પરંતુ તે રદ થઈ હોવાના અહેવાલો મળ્યા છે. એકનાથ શિંદે સતારા જિલ્લામાં સ્થિત પોતાના વતન જવા રવાના થયા છે. તે આવતીકાલે પરત ફરશે તેવુ જણાવવામાં આવ્યું છે. અગાઉ મહાયુતિ દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે, 'શુક્રવારે મહાયુતિ નવી સરકારની રચના મુદ્દે સ્પષ્ટતા કરશે. તેમજ ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવા માટે ભાજપના ધારાસભ્યોની બેઠક આવતીકાલે શનિવારે યોજાશે.' પરંતુ આ બેઠકો રદ થઈ હોવાના અહેવાલો મળતાં મહાયુતિ ગઠબંધનમાં ફરી પાછી પદ માટે વિવાદ સર્જાયો હોવાની અટકળો લગાવાઈ રહી છે.
મીડિયા અહેવાલો અનુસાર, મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર એકનાથ શિંદે સરેન્ડર મોડમાં આવ્યા ગયા છે. તેમણે ગઈકાલે અમિત શાહ સાથેની બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવા સહમતિ આપી હતી. તેમજ અગાઉ પણ નિવેદન આપ્યું હતું કે, ‘મુખ્યમંત્રી પદ પર પીએમ મોદી અને અમિત શાહનો દરેક નિર્ણય મને માન્ય છે.’ પરંતુ અચાનક મહાયુતિની અંતિમ નિર્ણય લેવા મુદ્દેની બેઠક રદ થતાં રાજકારણમાં કંઈક નવાજુની થવાના એંધાણ મળ્યા છે.
શિંદેનું નિવેદન
અગાઉ, શિંદેએ પુનરોચ્ચાર કર્યો હતો કે મુખ્યમંત્રી પદ માટે કોઈ અવરોધો નથી અને "લાડલા ભાઈ" એ એક શીર્ષક હતું જેનો અર્થ તેમના માટે અન્ય કંઈપણ કરતાં વધુ હતો. મેં ગઈ કાલે પત્રકાર પરિષદમાં મારી ભૂમિકા સ્પષ્ટ કરી દીધી હતી કે મહાયુતિના મુખ્યમંત્રીને લઈને કોઈ વિરોધ નથી. "આ 'લાડલા ભાઈ' દિલ્હી આવી ગયા છે અને 'લાડલા ભાઈ' મારા માટે કોઈપણ પદ કરતાં મોટુ બહુમાન છે."
ગુરુવારે રાત્રે અમિત શાહ સાથે મુલાકાત લીધી
ગઈકાલે મોડી સાંજે ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર સાથે બેઠક કરી હતી. જેમાં ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા, એનસીપીના કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ પટેલ, એનસીપી સાંસદ સુનીલ તટકરે પણ ઉપસ્થિત હતા. લગભગ ત્રણ કલાક સુધી ચાલેલી બેઠક બાદ પણ મુખ્યમંત્રીના નામની સત્તાવાર જાહેરાત થઈ શકી ન હતી. બેઠક બાદ ત્રણેય એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર મોડી રાત્રે મુંબઈ પરત ફર્યા હતા. આ બેઠક અંગે કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું છે કે આ બેઠક સારી અને સકારાત્મક હતી. આ પહેલી મુલાકાત હતી. જેમાં શાહ અને જેપી નડ્ડા મળ્યા હતા. શિંદેના જણાવ્યા અનુસાર, મહાયુતિના નેતાઓ મુંબઈમાં બીજી બેઠક કરશે જેમાં સીએમના નામ પર નિર્ણય લેવામાં આવશે.