‘હું શિવાજીના ચરણોમાં નમન કરી માફી માંગુ છું’ શિવાજીની મૂર્તિ પડી જવા મુદ્દે બોલ્યા વડાપ્રધાન
PM Modi In Palghar : થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રના સિંધુદુર્ઘમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડી ગયા બાદ ભારે રાજકીય હોબાળો મચ્યો હતો. ત્યારે મહારાષ્ટ્રમાં એક જનસભા ગજવી રહેલા વડાપ્રધાન મોદીએ શિવાજીની મૂર્તિ પડી જવા મુદ્દે માફી માંગે છે.
વડાપ્રધાન મોદીએ શું કહ્યું?
મહારાષ્ટ્રના પાલઘરમાં વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને શિલાન્યાસ કરવા પહોંચેલા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જ્યારે મને વડાપ્રધાનનો ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો હતો, ત્યારે પહેલા હું રાયગઢમાં છત્રપતિ શિવાજી મહારાજના ત્યાં ગયો હતો. થોડા દિવસો પહેલા સિંધુદુર્ગમાં જે કંઈ પણ થયું, શિવાજી માત્ર એક નામ નથી, તે માત્ર એક રાજા નથી, શિવાજી આપણા માટે આરાધ્ય છે. હું શિવજીના ચરણોમાં નમન કરું છું અને માફી માંગુ છું.
વડાપ્રધાન મહારાષ્ટ્રમાં વિવિધ વિકાસકારોનું ખાતમુહૂર્ત-શિલાન્યાસ કર્યો
આ પહેલા વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રના પાલઘરમાં વાઢવણ પોર્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ અંદાજે 76,000 કરોડ રૂપિયા છે. મોદીએ લગભગ રૂપિયા 1560 કરોડના મૂલ્યની 218 મત્સ્યઉદ્યોગ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, મહારાષ્ટ્ર માટે મોટા નિર્ણયો લેવાયા છે. વાઢવણ પોર્ટનો આજે શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ દેશનું સૌથી મોટું કન્ટેનર પોર્ટ હશે.
આ પણ વાંચો : હરિયાણામાં પણ ભાજપનું કોકડું ગુંચવાયું! પહેલી યાદી અટવાઈ, જાણો કેમ થઈ રહ્યો છે વિલંબ
હું 100 વખત પ્રતિમાના પગે પડી માફી માગવા તૈયાર: શિંદે
મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ધરાશાયી થવાનો મુદ્દે ભારે હોબાળો અને વિવાદ થયા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, હું 100 વખત શિવાજી મહારાજની પ્રતિમાના પગે પડીને માફી માગવા માટે તૈયાર છુ. મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજ પૂજનીય છે અને તેમને રાજકારણથી દૂર રાખવા જોઈએ.’
અજીત પવારે પણ માંગી માફી
સિંધુદુર્ગમાં સ્થિત આ મૂર્તિ પડવા મુદ્દે નાયબ મુખ્યમંત્રી અજીત પવારે પણ દુ:ખ વ્યક્ત કર્યુ હતું. તેમણે કહ્યું હતું કે, હું મહારાષ્ટ્રની 13 કરોડ જનતાની આ મુદ્દે માફી માગું છું. મહારાજ શિવાજીની પ્રતિમા ધરાશાયી થવી અમારા માટે એક આઘાત જેવું છે. આ મામલે દોષિત ઠેકેદારોને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હોવાને નાતે હું માફી માગું છું. મારુ વચન છે કે ભવિષ્યમાં હવે રાજ્યમાં આવી કોઈ ઘટના થવા દેવાશે નહીં.
સરકાર આના કરતાં પણ મોટી શિવાજીની પ્રતિમા લગાવશે : ફડણવીસ
ભાજપ નેતા અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ આ મુદ્દે દુ:ખ વ્યક્ત કર્યુ છે. તેમણે કહ્યું કે મહારાજની પ્રતિમાનું નિર્માણ ભારતીય નૌસેનાની દેખરેખમાં થયુ હતું. આમાં રાજ્ય સરકારની કોઈ ભૂમિકા નહોતી. રાજ્ય સરકાર આના કરતાં પણ મોટી શિવાજીની પ્રતિમા લગાવશે અને તેમના સન્માનને અકબંધ રાખવામાં આવશે.
મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજ એક ભાવનાત્મક પાસું
મહારાષ્ટ્રના રાજકારણ અને સમાજમાં શિવાજી મહારાજ એક ભાવનાત્મક પાસું છે. કોઈ પણ દળ કે નેતા તેમના સન્માનની સાથે જ રાજકારણ કરી શકે છે. દરમિયાન તેમની પ્રતિમા ધરાશાયી થવી એક સંવેદનશીલ મુદ્દો છે. જો ચૂંટણી સુધી આ મુદ્દો ખેંચાયો તો પછી એનડીએ ગઠબંધનને તેનું નુકસાન થઈ શકે છે.