ગુજરાતના પાડોશી રાજ્યમાં લોકસભા ચૂંટણી લડતાં કેમ ડરી રહ્યાં છે ભાજપના દિગ્ગજો? જાણો મામલો

ભાજપે ગઈકાલે 72 ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરી

ભાજપની બીજી યાદીમાં 20 નામ મહારાષ્ટ્રના પણ સામેલ

Updated: Mar 14th, 2024


Google NewsGoogle News
ગુજરાતના પાડોશી રાજ્યમાં લોકસભા ચૂંટણી લડતાં કેમ ડરી રહ્યાં છે ભાજપના દિગ્ગજો? જાણો મામલો 1 - image


Lok Sabha Election 2024 : લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પાર્ટી છેલ્લા તબક્કાનો પ્રચાર કરી રહી છે. આ સાથે રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારની પણ જાહેરાત કરી રહ્યા છે. ભાજપે ગઈકાલે 72 ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરી હતી, અગાઉ પહેલી યાદીમાં 195 ઉમેદવારોની જાહેરાત કરી હતી. ભાજપની બીજી યાદીમાં 20 નામ મહારાષ્ટ્રના પણ સામેલ છે. જો કે મહારાષ્ટ્રના રાજકારણનો મિજાજ એવો રહ્યો છે કે રાજ્યના નેતાઓ અહીંથી દિલ્હી જવા પણ માંગતા નથી. આ જ કારણ છે કે વર્તમાન લોકસભા ચૂંટણીમાં પણ ઘણા નેતાઓ ઈચ્છે છે કે તેમને લોકસભાની ટિકિટ ન આપવામાં આવે.

ભાજપે મહારાષ્ટ્રની કેટલીક પ્રતિષ્ઠિત બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા

મહારાષ્ટ્રમાં ભાજપે નાગપુર, પૂણે, ઉત્તર મુંબઈ જેવી પ્રતિષ્ઠિત બેઠકો પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ નામમાંથી એક નામ સુધીર મુનગંટીવારનું છે, જેઓ રાજ્યના વન મંત્રી છે. તેમને વિદર્ભની ચંદ્રપુર બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તેઓ કેન્દ્રીય રાજકારણમાં આવવા માંગતા ન હતા અને તેમને માત્ર મહારાષ્ટ્રના રાજકારણમાં જ વધુ રસ છે. તેમણે એમ પણ કહ્યું કે 'હું મારી ટિકિટ કેન્સલ કરાવવાનો પ્રયાસ કરી રહ્યો છું.'

ભાજપે છ નવા અને પાંચ વર્તમાન સાંસદોને ટિકિટ આપી

પાર્ટીએ જે 20 નામ જાહેર કર્યા છે તેમાંથી છ નવા છે જ્યારે પાંચ વર્તમાન સાંસદો છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ ઓછામાં ઓછી 12 થી 15 વધુ ટિકિટોની જાહેરાત કરશે, જેમાં રાજ્યના કેટલાક નેતાઓને તક મળી શકે છે. જો કે, આ નેતાઓ પણ નથી ઈચ્છતા કે તેમને કેન્દ્રીય રાજકારણમાં મોકલવામાં આવે. આમાં આશિષ શેલાર પણ સામેલ છે જ્યારે ગિરીશ મહાજન, ચંદ્રકાંત પાટીલ અને ચંદ્રશેખર બાવનકુળેએ પણ રાહત મળી છે. આ ત્રણ નામોની ચર્ચા જ્યાંથી ચાલી રહી હતી ત્યાં હવે અન્ય નામોની જાહેરાત કરવામાં આવી છે. જોકે, આશિષ શેલાર હજુ પણ ચિંતિત છે કે તેમનું નામ ક્યાંક આ યાદીમાં આવી ન જાય.

નેતાઓ મહારાષ્ટ્રના રાજકારણમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે

નોંધનીય છે કે વનમંત્રી સુધીર મુનગંટીવારે બે દિવસ પહેલા એક જાહેરસભામાં કહ્યું હતું કે 'વિદર્ભના લાકડામાંથી જે સંસદ ભવનના દરવાજા બન્યા છે તે દરવાજામાંથી હું અંદર જવા માંગતો નથી.' જો કે ભાજપે તેમને ચંદ્રપુરથી ઉમેદવાર બનાવ્યા છે અને જો તેઓ જીતશે તો મુનગંટીવારને એ જ દરવાજામાંથી પસાર થવું પડશે. ગિરીશ મહાજનના નામની ચર્ચા રાવર બેઠક પર હતી, પરંતુ પાર્ટીએ અહીં રક્ષા ખડસે પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેઓ રાવર અને જલગાંવના જ્ઞાતિ સમીકરણોમાં બંધબેસતા ન હોવાના કારણે તેમને ટિકિટ મળી ન હતી. આ ઉપરાંત પૂણે બેઠક પર મંત્રી ચંદ્રકાંત પાટીલના નામની ચર્ચા થઈ હતી, જો કે અહીંથી પૂર્વ મેયર કુસ્તીબાજ મુરલીધર મોહોલને ટિકિટ મળતા તેમણે રાહતનો શ્વાસ લીધો હતો. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં મોટાભાગના નેતાઓ કેન્દ્રના રાજકારણ કરતા મહારાષ્ટ્રના રાજકારણમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે.

ગુજરાતના પાડોશી રાજ્યમાં લોકસભા ચૂંટણી લડતાં કેમ ડરી રહ્યાં છે ભાજપના દિગ્ગજો? જાણો મામલો 2 - image


Google NewsGoogle News