શિંદેનો આશ્ચર્યજનક નિર્ણય, શિવસેનાનો ગઢ કહેવાતી આ પાંચ બેઠકો આપી દેતા ભાજપને પડી મોજ
Maharashtra BJP Candidates List 2024 : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મહાયુતિમાં ઉમેદવારોની જાહેરાતના મામલે ભાજપે બાજી મારી લીધી છે. પાર્ટીએ રવિવારે (20 ઓક્ટોબર) તેના 99 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. એવી ઘણી બેઠકો છે, જ્યાં શિવસેનાએ ગત વખતે ચૂંટણી લડી હતી. આ વખતે આ બેઠકો એકનાથ શિંદેની શિવસેનાને આપવી પડી હતી.
ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં એવી પાંચ બેઠકો છે, જેના પર શિવસેના વર્ષોથી લડી રહી છે. હવે જો શિવસેના યુબીટી તેના ઉમેદવારો ઉભા કરશે તો ભાજપ અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે સીધો મુકાબલો થશે.
ભાજપે આ પાંચ બેઠક પર ઉમેદવારો ઉતાર્યા
ભાજપે શિવસેનાની ધુલે શહેર, દેવળી, અચલપુર, નાલાસોપારા, ઉરણ એમ પાંચ વિધાનસભા બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા છે, ત્યારે 2019 માં શિવસેનાના હિલાલ માલી ધુલે શહેરથી ઉમેદવાર હતા, જ્યારે આ વખતે ભાજપે અનુપ અગ્રવાલને આ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. અચલપુરથી સુનિતા ફિસ્કે શિવસેનાના ઉમેદવાર હતા, જ્યારે હવે ભાજપે અતુલ તાયડેને ઉમેદવાર બનાવ્યાં. બીજી તરફ, દેવળી 2024ની બેઠક માટે ભાજપે રાજેશ બકાનેને ઊભા રાખ્યા.
આ પણ વાંચો : જમ્મુ કાશ્મીરમાં ફરી આતંકી હુમલો, આડેધડ ફાયરિંગમાં ત્રણ શ્રમિકના મોત, પાંચને ઈજા
નાલાસોપારા વિધાનસભા બેઠક 2019માં શિવસેનાના પ્રદીપ શર્મા ઉમેદવાર હતા, જ્યાર હવે આ વખતે ભાજપના રાજન નાઈક અહીંથી ચૂંટણી લડશે. ઉરણ બેઠક પર 2019માં શિવસેનાના મનોહર ભોઈર ઉમેદવાર હતા, જેમાં હવે ભાજપે મહેશ બાલ્દીને ઉમેદવાર જાહેર કર્યા છે. રસપ્રદ વાત એ છે કે, નાલાસોપારામાં ભાજપના કોઈ ધારાસભ્ય કે ભાજપ સમર્થિત અપક્ષ ધારાસભ્ય ચૂંટાયા ન હોવા છતાં, ભાજપે આ મતવિસ્તારમાં પોતાનો ઉમેદવાર ઉતાર્યો છે.
તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને મહાયુતિમાં અત્યારસુધીમાં ફક્ત ભાજપે જ પોતાના ઉમેદવારના નામની ઘોષણા કરી છે. જેમાં હજુ એકનાથ શિંદેની શિવસેના અને અજીત પવારની એનસીપીના ઉમેદવારોની યાદી જાહેર કરાઈ નથી.