મહારાષ્ટ્રમાં ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં આઠના મોત, CMએ કહ્યું- પાંચ લોકોને બચાવાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
Maharashtra Factory Blast: મહારાષ્ટ્રમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં ભંડારા ખાતે આવેલી એક ઓર્ડનન્સ ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થતાં છત ધરાશાયી થઈ હતી. આ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં આઠના મોત નીપજ્યા હોવાના અહેવાલ મળ્યા છે. જ્યારે 15થી વધુ લોકો હજુ કાટમાળ નીચે ફસાયા હોવાની જાણકારી મળી છે. ઘટનાની માહિતી મળતાં જ ફાયરબ્રિગેડ અને પોલીસ ટુકડી ઘટનાસ્થળે ધસી આવી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
દૂર દૂર સુધી વિસ્ફોટનો અવાજ સંભળાતા ફફડાટ
બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે દૂર-દૂર સુધી તેનો અવાજ સંભળાતા લોકો ફફડી ગયા હતા. ભંડારા મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં આવે છે. અહીં જવાહરનગર વિસ્તારમાં ઓર્ડિનન્સ ફેક્ટરી આવેલી છે. બ્લાસ્ટને કારણે કંપનીમાં આગ લાગી હોવાની પણ જાણકારી મળી રહી છે.
ઓર્ડનન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ અંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, ઓર્ડનન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં છત ધરાશાયી થઈ હતી. જેમાં 15થી વધુ કામદારો દટાયા છે. પ્રારંભિક માહિતીના આધારે એક કામદારનું મોત નીપજ્યું છે. જ્યારે પાંચને સુરક્ષિત બચાવવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર અને પોલીસે ઘટના સ્થળે બચાવ કામગીરી હાથ ધરી છે.
મૃત્યાંક વધવાની આશંકા
વિસ્ફોટ થવા પાછળનું કારણ હજી સુધી જાણી શકાયું નથી પરંતુ અધિકારીઓએ આ મામલે ઝડપથી તપાસ શરૂ કરી દીધી છે. બચાવ અને રાહત કર્મીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને ઈજાગ્રસ્તોને ઝડપથી સારવાર આપવામાં આવી રહી છે. વિસ્ફોટના કારણે આગ લાગવાથી મૃત્યાંક વધવાની આશંકાઓ વ્યક્ત કરાઈ છે.
વિસ્ફોટને કારણે છત ધરાશાયી
માહિતી અનુસાર વિસ્ફોટ ફેક્ટરીના આર.કે.બ્રાન્ચ સેક્શનમાં થયો હતો. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે ફેક્ટરીની છત ધરાશાયી થઇ ગઇ હતી. જેમાં લગભગ 15થી વધુ દટાઈ ગયા છે. ઘટનાસ્થળેથી 5 લોકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા છે. અન્ય બે ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમની હાલત ગંભીર છે.