મહારાષ્ટ્રના લોકો માટે મોટી રાહત, MVAએ બંધનો નિર્ણય પરત ખેંચ્યો, જાણો વિપક્ષોએ કેમ પાછીપાની કરી
Maharashtra Bandh News: મહારાષ્ટ્રમાં આવતી કાલે શનિવારે (24 ઑગસ્ટ) વિરોધ પક્ષો દ્વારા બોલાવવામાં આવેલા બંધને મહા વિકાસ અઘાડી (MVA) એ પાછું ખેંચી લીધું છે. શિવસેના, યુબીટી, કોંગ્રેસ, શરદ પવારની પાર્ટી, MVA દ્વારા બદલાપુરની એક શાળામાં બે છોકરીઓની જાતીય સતામણીની ઘટનાને લઈને શનિવારે મહારાષ્ટ્ર બંધનું એલાન આપ્યું છે, ત્યારે બોમ્બે હાઈકોર્ટના આદેશ પછી MVA એ મહારાષ્ટ્ર બંધને પાછું ખેંચી લીધું છે.
મહારાષ્ટ્ર બંધને પાછું લેતી વખતે ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું?
મહારાષ્ટ્ર બંધને પાછું લેતી વખતે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, 'અમે જે બંધનું એલાન કર્યું હતું, તે ભ્રષ્ટાચારના વિરોધમાં હતું. અમે હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં જઈ શકીએ છીએ. પરંતુ અત્યારે યોગ્ય સમય નથી. અમે બંધને પાછું લઈ રહ્યાં છીએ. જ્યારે આવતીકાલે MVAમાં સામેલ પક્ષો મોઢા પર કાળી પટ્ટી બાંધીને શાંતિપૂર્ણ વિરોધ કરશે. તેવામાં ફ્રીડમ ઓફ એક્સપ્રેશન છે કે નહીં તેને લઈને પ્રશ્ન થઈ રહ્યો છે. જેટલી આતુરતાથી હાઈકોર્ટે મહારાષ્ટ્ર બંધ વિરુદ્ધમાં આદેશ કર્યો છે, એટલી જ ઝડપથી અત્યાચાર અને ગુનાના કેસમાં કોર્ટ ચુકાદો આપે.'
મહારાષ્ટ્ર બંધના વિરુદ્ધમાં કોર્ટમાં અરજી કરાઈ
મહારાષ્ટ્રમાં MVAના સહયોગી દ્વારા બોલાવવામાં આવેલા બંધને લઈને વકીલ અને અરજદાર ગુણરત્ન સદાવર્તેએ કોર્ટને અપીલ કરી હતી કે આ બંધ ગેરકાયદેસર છે. જેને લઈને સુનાવણી કરતા હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો કે, કોઈપણ રાજકીય પાર્ટી બંધનું આહવાન કરી શકતી નથી અને જો આવું કરવામાં આવે તો રાજ્ય સરકાર તેના પર કાયદેસરની કાર્યવાહી કરી શકે છે. કોર્ટના આ નિર્ણય પછી શરદ પવારે બંધને પાછું ખેંચ્યું હતું.
આ પણ વાંચો : મુડા કૌભાંડ મામલે દિલ્હી પહોંચ્યા સિદ્ધારમૈયા - શિવકુમાર, કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે કરી બેઠક
આવતીકાલે MVAમાં સામેલ પક્ષો મોઢા પર કાળી પટ્ટી બાંધીને શાંતિપૂર્ણ વિરોધ કરશે
જો કે, આવતીકાલે (24 ઑગસ્ટ) વિપક્ષી પાર્ટીઓ કાળી પટ્ટી બાંધીને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરશે. આ દરમિયાન નાગપુરમાં કોંગ્રેસ ધારાસભ્ય અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા વિજય વડેટ્ટીવાર અને નાગપુર કોંગ્રેસના નેતાઓ મોઢા પર કાળી પટ્ટી બાંધીને બદલાપુરમાં છોકરીઓ પર થતા અત્યાચારનો વિરોધ કરશે.