Get The App

થાણે યૌનશોષણ કેસ: ભડકેલા ટોળાનો પોલીસ પર પથ્થરમારો, આરોપીની ધરપકડ, SITની રચના

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
થાણે યૌનશોષણ કેસ: ભડકેલા ટોળાનો પોલીસ પર પથ્થરમારો, આરોપીની ધરપકડ, SITની રચના 1 - image


Huge Protests In Maharashtra: મહારાષ્ટ્રમાં થાણેના બદલાપુરની એક જાણીતી શાળામાં બે બાળકી પર યૌનશોષણ થયાની ઘટના સામે આવી છે. જેને લઈને ભારે વિરોધ થઈ રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો બદલાપુર રેલવે સ્ટેશન પર દેખાવ કરી રહ્યા છે, જેના કારણે રેલ સેવા પ્રભાવિત થઈ છે. આ મામલે પોલીસે આરોપી સફાઈકર્મી અક્ષય શિંદેની ધરપકડ કરી છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પોલીસને આરોપીઓ સામે દુષ્કર્મના પ્રયાસનો આરોપ નોંધવાનો આદેશ આપ્યો છે. આ ઘટનાની તપાસ કરવા માટે SITની રચના કરી છે.

મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શું કહ્યું?

મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું, 'મેં બદલાપુરમાં બનેલી ઘટનાને ગંભીરતાથી લીધી છે. આ મામલામાં એક SITની રચના કરવામાં આવી છે અને અમે જે સ્કૂલમાં આ ઘટના બની છે તેની સામે પણ કાર્યવાહી કરવાના છીએ. અમે આ કેસને ઝડપથી આગળ ધપાવવાની પ્રક્રિયામાં છીએ અને જો દોષિત સાબિત થશે તો કોઈને બક્ષવામાં આવશે નહીં.'

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આરોપીઓને વહેલી તકે સજા કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, '10 વર્ષ પહેલા દિલ્હીમાં નિર્ભયાની ઘટના બની હતી અને દોષિતોને સજા મળી હતી, પરંતુ કેટલા સમય પછી? ન્યાયમાં વિલંબ કરનારાઓને પણ દોષિત ઠેરવવા જોઈએ. તેનું રાજનીતિકરણ ન કરવું જોઈએ.'

દેખાવના કારણે 10 ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી 

બદલાપુરની શાળામાં બાળકી પર યૌનશોષણ મામલે લોકો દ્વારા ભારે દેખવા કરવામાં આવી રહ્યો છે. જેના કારણે અત્યાર સુધીમાં 10 મેલ એક્સપ્રેસ ટ્રેનોને કર્જત-પનવેલ-થાણે સ્ટેશનને રસ્તે ડાયવર્ટ કરવામાં આવી છે. CSMT અને અંબરનાથ વચ્ચે લોકલ સામાન્ય રીતે ચાલી રહી છે. બદલાપુરથી કર્જત સુધી સેવાઓ બંધ છે.

દેખાવકારો પર લાઠીચાર્જ કર્યો

શાળામાં બાળકીઓ પર યૌનશોષણ મામલે ગુસ્સે ભરાયેલા લોકોએ બદલાપુર રેલવે સ્ટેશનના પાટા પર ઊભા રહીને વિરોધ શરૂ કર્યો હતો. ઘણી ટ્રેનો રોકી દેવામાં આવી હતી. પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે દેખાવકારો પર લાઠીચાર્જ કર્યો હતો. પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બીજી તરફ લોકોએ શાળાની અંદર ઘૂસીને પ્રદર્શન કર્યું હતું અને તોડફોડ કરી હતી. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી. 

આ પણ વાંચો: લેટરલ એન્ટ્રીથી સીધી ભરતી તાત્કાલિક ધોરણે બંધ કરો, રાજકીય હોબાળા પછી કેન્દ્રનો UPSCને આદેશ

સરકારે તપાસ માટે SITની રચના કરી

આ મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે તપાસ માટે SITની રચના કરી છે. આ દરમિયાન દેખાવકારોએ શાળામાં તોડફોડ કરી હતી અને રેલવે ટ્રેક બ્લોક કરી દીધો હતો.

પોલીસે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી 

DCP સુધાકર પઠારેએ કહ્યું કે, 'કેસ નોંધાયા બાદ સાડા ત્રણ કલાકમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે તેને પોલીસ કસ્ટડીમાં પણ મોકલી દીધો છે. શાંતિ જાળવો અને પોલીસને તપાસમાં સહકાર આપો. જો કોઈ શહેર બંધ કે દેખાવનું આયોજન કરશે, જેનાથી તપાસમાં અડચણ આવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.'

થાણે યૌનશોષણ કેસ: ભડકેલા ટોળાનો પોલીસ પર પથ્થરમારો, આરોપીની ધરપકડ, SITની રચના 2 - image


Google NewsGoogle News