અમને EVM પર આશંકા, લોકો પણ ખુશ નથી: ઉદ્ધવ સેનાના ધારાસભ્યોએ શપથ લેવાનો કર્યો ઇન્કાર
Maharashtra Assembly Session: મહારાષ્ટ્રમાં હવે ધારાસભ્યોના શપથ લેવા પર રાજકારણ ગરમાયું છે. શનિવારે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાવાળા ધારાસભ્યોએ શપથ લેવાનો ઇન્કાર કરી ગૃહનો બહિષ્કાર કર્યો છે. ધારાસભ્યોનું કહેવું છે કે, અમને EVM પર શંકા છે. આ જનાદેશ જનતાએ નથી આપ્યો. નોંધનીય છે કે, ચૂંટણીના પરિણામ આવ્યા બાદથી જ મહારાષ્ટ્રના રાજકારણનો પારો ગરમ છે. આ પહેલાં મહાયુતિમાં મુખ્યમંત્રી પદને લઈને ઘણાં દિવસો સુધી બેઠકો ચાલી હતી. મહારાષ્ટ્ર વિધાનસભાના 3 દિવસનું વિશેષ સત્ર શરુ થયું છે, જેમાં નવનિયુક્ત ધારાસભ્યો શપથ ગ્રહણ કરશે. મહારાષ્ટ્રમાં નવા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને એકનાથ શિંદે સભ્યરૂપે શપથ લઈ ચૂક્યા છે.
ધારાસભ્યોએ શપથ લેવાનો ઇન્કાર કર્યો
ગૃહની કાર્યવાહી સવારે 11 વાગ્યે શરુ થઈ હતી. આ પહેલાં વિધાનસભાના પ્રોટેમ સ્પીકરનારૂપે કાલિદાસ કોલંબરકરને પસંદ કરવામાં આવ્યા હતાં. જેઓએ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને શપથ લેવડાવ્યા હતા. ત્યારબાદ ધારાસભ્યોને શપથ લેવડાવવાની પ્રક્રિયા શરુ થઈ. પરંતુ, શિવસેના (યુબીટી) અને MVAના અન્ય ધારાસભ્યોએ શપથ લેવાનો ઇન્કાર કરી દીધો.
આદિત્ય ઠાકરેએ આપ્યું નિવેદન
આદિત્ય ઠાકરેએ જણાવ્યું કે, અમને EVM પર શંકા છે. આ જનતાનો જનાદેશ નથી, તેથી અમે ગૃહમાંથી વૉકઆઉટ કર્યું અને શપથ નથી લીધી. અમારી પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યો શપથ નહીં લે. જો જનતાનો જનાદેશ મળ્યો હોત તો અમે ખુશી વ્યક્ત કરત. પરંતુ, આ જીત બાદ મહારાષ્ટ્રમાં ક્યાંય જશ્નનો માહોલ જોવા નથી મળ્યો. અમને EVM પર શંકા છે.
અજિત પવારનો વળતો પ્રહાર
વળી, બીજી બાજુ અજિત પવારે વળતો પ્રહાર કરતાં કહ્યું કે, ઈવીએમના કારણે વિપક્ષે વૉકઆઉટ કર્યું છે. પરંતુ, તેનાથી કંઈ નહીં થાય. જો વિપક્ષને EVMને લઈને વાંધો છે, તો ચૂંટણી પંચનો દરવાજો ખખડાવવો જોઈએ. કોર્ટનો વિકલ્પ પણ છે તેમની પાસે. પરંતુ, વૉકઆઉટ કરીને શું થશે?
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં સરકાર બન્યા પછી પણ ખેંચતાણ! ભાજપે શિંદેને આપ્યા ત્રણ વિકલ્પ
જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી માટેનું મતદાન થયું હતું. 23 નવેમ્બરે પરિણામોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 288 બેઠકોમાંથી મહાયુતિને 230 બેઠકો પર જીત મળી. ત્યારબાદ 5 ડિસેમ્બરે દેવેન્દ્ર ફડણવીસે નવી સરકારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.