મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપનો મોટો ગેમપ્લાન ! આ કારણે 99 ઉમેદવારોમાંથી 89 નામો કર્યા રિપિટ
Image: IANS |
Maharashtra election BJP's List Updates: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનો જંગ શરૂ થઈ ચૂક્યો છે. 20 નવેમ્બરે 288 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. તેમાંથી ભાજપે આજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરતાં 99 ઉમેદવારોને ટિકિટ ફાળવી દીધી છે. આ યાદીમાં 89 ઉમેદવારોને રિપિટ કરવામાં આવ્યા છે. જ્યારે બળવાખોરોથી પક્ષે અંતર જાળવ્યું છે.
યાદીમાં એક પણ લઘુમતી ચેહરો નહીં
આ પ્રથમ યાદીમાં દેવેન્દ્ર ફડણવીસ, ચંદ્રશેખર બાવનકુલે, રાધાકૃષ્ણ વિખે પાટીલ, ચંદ્રકાંત પાટીલ, આશિષ શેલાર, પૂર્વ કેન્દ્રીય રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવેના પુત્ર સંતોષ જેવા અગ્રણી નેતાઓ સામેલ છે. ભાજપની પ્રથમ યાદીમાં 99 નામોમાંથી 89 ટિકિટ વર્તમાન ધારાસભ્યોને જ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે, આ યાદીમાં એક પણ લઘુમતી ચહેરો સામેલ નથી. જો કે, મોટાભાગના ઉમેદવારો ઓબીસી, મરાઠા અને કેટલાક આદિવાસી સમુદાયના છે, જે વર્ષોથી ભાજપની પરંપરાગત વોટ બેન્ક છે.
ટેકચંદ સાવરકરની ટિકિટ કપાઈ
ભાજપની લાડલી બહેન યોજનાને 'વોટનો જુગાર' ગણાવનાર ટેકચંદ સાવરકરની ટિકિટ રદ્દ થઈ છે. તેમની જગ્યાએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેને કામઠી સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઃ ભાજપે જાહેર કરી 99 ઉમેદવારની પહેલી યાદી, ફડણવીસને નાગપુર સાઉથ વેસ્ટથી ટિકિટ
કેમ ધારાસભ્યોનું રિપિટેશન?
2019માં કેટલાક ધારાસભ્યોના બદલે નવા ચહેરાને ટિકિટ આપવાનુ નુકસાન ભાજપે યાદ રાખ્યું છે. જેના પગલે આ વખતે તેણે ધારાસભ્યોની લોકપ્રિયતા અને સમુદાયને ધ્યાનમાં રાખી ટિકિટ ફાળવણી કરી હોવાનું વિશ્લેષણમાં જાણવા મળ્યું છે. જેનું ઉદાહરણ ભાજપ પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે છે. જેમને ગત ચૂંટણીમાં ટિકિટ મળી ન હતી. બાવનકુલેને 2019માં ટિકિટ ન મળતાં તેલી સમુદાયના મતો વહેંચાઈ ગયા હતા. જેથી આ વખતે તેમને કામઠી બેઠક પરથી ચૂંટણી લડવાની તક આપી છે. બાવનકુલે 2004, 2009 અને 2014માં કામઠીમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે.
બળવાખોરોને દૂર રાખ્યા
આ સિવાય ભાજપે ચિંચવાડ બેઠક પરથી અશ્વિની જગતાપની ટિકિટ રદ્દ કરી છે. તેમના સ્થાને અશ્વિની જગતાપના સાળા શંકર જગતાપને ચૂંટણી લડવાની તક આપી છે. ભાજપના સ્થાનિક કાર્યકરોના વિરોધ બાદ અશ્વિની જગતાપ શરદ પવારની એનસીપીમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી હતી.
અશોક ચવ્હાણની દીકરી પર વિશ્વાસ
પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણની પુત્રી શ્રીજયા ચવ્હાણને ભોકર વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવી છે. શ્રીજયાએ પિતાના રાજકારણના વારસાને આગળ વધારતાં કોંગ્રેસ પક્ષ સાથે પોતાના રાજકારણ કારકિર્દીની શરૂઆત કરી હતી. અશોક ચવ્હાણ 38 વર્ષ સુધી કોંગ્રેસ પક્ષમાં સેવા આપ્યા બાદ હાલમાં આ વર્ષે જ ભાજપમાં જોડાયા હતા.
મુંબઈની 14 બેઠકો માટે ઉમેદવારો જાહેર
ભાજપે પ્રથમ યાદીમાં મુંબઈની કુલ 36 બેઠકોમાંથી 14 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. 2019ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે મુંબઈમાં 17 બેઠકો જીતી હતી. જો કે પ્રથમ યાદીમાં મુંબઈના ત્રણ વર્તમાન ધારાસભ્યોના નામની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ તેમાં પરાગ શાહ (ઘાટકોપર પૂર્વ), ભારતી લવેકર (વર્સોવા), સુનીલ રાણે (બોરીવલી)નો સમાવેશ કર્યો છે.