ઉદ્ધવના નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં નવી ચર્ચા છંછેડાઈ, કોંગ્રેસ-એનસીપી વિચારતાં થઈ ગયા
Maharashtra Assembly Election: આજે ભારતીય ચૂંટણી પંચ વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવા જઈ રહ્યું છે. આયોગ બપોરે 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. જેમાં મહારાષ્ટ્ર વિધાનસભા (Vidhan sabha election) ચૂંટણીની તારીખો પણ જાહેર થાય તેવી શક્યતા છે. જો કે ચૂંટણી પંચની જાહેરાત પહેલા જ શિવસેના (UBT) નેતા ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ આજે એક મોટું નિવેદન આપી દેતા મહારાષ્ટ્રના રાજકારણમાં નવી ચર્ચા છંછેડાઈ છે.
કાર્યકરોએ સ્વાર્થથી ઉપર ઊઠવું પડશેઃ ઉદ્ધવ
મહાવિકાસ અઘાડી (MVA)ની બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે 'મહારાષ્ટ્રના ગૌરવ અને સન્માનની રક્ષા માટે મહાવિકાસ આઘાડીના કાર્યકરોએ સ્વાર્થથી ઉપર ઊઠવું પડશે. કાર્યકરોએ ફક્ત આપણા રાજ્ય વિશે જ વિચારવું પડશે.' આ ઉપરાંત ઉદ્ધવે વધુમાં કહ્યું કે 'મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી રાજ્યના સ્વાભિમાનને બચાવવાની લડાઈ હશે.'
MVA ઉમેદવારને સમર્થન આપશે
આ સિવાય બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે 'હું કોંગ્રેસ અને એનસીપી (એસપી) દ્વારા MVAના મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર કરાયેલ કોઈપણ ઉમેદવારને સમર્થન આપીશ.' ત્યારે હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું ઉદ્ધવ મહારાષ્ટ્રની આગામી ચૂંટણીમાં સીએમ ચહેરો નહીં હોય? ઉલ્લેખનીય છેકે ચૂંટણી પંચ 288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભા માટે વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરે તેવી શક્યતા છે. મહારાષ્ટ્રમાં, સત્તાધારી મહાયુતિ પાસે હાલમાં 218 બેઠકો છે અને વિપક્ષ મહાવિકાસ અઘાડી પાસે 78 બેઠકો છે.