ઠાકરે VS ઠાકરે : રાજ ઠાકરેએ મોટું મન રાખ્યું હતું, પરંતુ ઉદ્ધવ ઠાકરેએ તોડી વર્ષો જૂની પરંપરા
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને લઈને તાપમાન ગરમાઈ રહ્યું છે. એકબાજુ ગઠબંધનમાં બેઠક વહેંચણીને જલ્દી અંતિમ સ્વરૂપ આપવાની તૈયારી ચાલી રહી છે. વળી, બીજી બાજુ ઉમેદવારોની જાહેરાત પણ થવા લાગી છે. સત્તાધારી મહાયુતિમાં સામેલ ભારતીય જનતા પાર્ટીએ 99, શિવસેના (શિંદે) 45 અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજીત પવાર)એ 38 બેઠકો પર ઉમેદવારની જાહેરાત કરી દીધી છે.
ઉદ્ધવ ઠાકરેએ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી
મહાવિકાસ અઘાડી (એમવી)માં સામેલ ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (યુબીટી)એ પણ ઉમેદવારોની એક યાદી જાહેર કરી દીધી છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટીએ 65 ઉમેદવારોની પોતાની પહેલી યાદી જાહેર કરી દીધી છે. આ લિસ્ટમાં ઉદ્ધવની પાર્ટીએ ઠાકરે પરિવારની એક પરંપરા તોડી દીધી છે. ઉદ્ધવ ઠાકરેએ પોતાના પિતરાઇ ભાઈ રાજ ઠાકરેના દીકરા અમિત ઠાકરે સામે પણ ઉમેદવાર ઉતારી દીધો છે.
વર્ષો જૂની પરંપરા તોડી
ગત ચૂંટણીમાં આદિત્ય ઠાકરેની ઉમેદવારીની જાહેરાત બાદ રાજ ઠાકરેએ મોટું મન દાખવીને વર્લી બેઠકથી ઉમેદવાર નહતો ઉતાર્યો. રાજ ઠાકરેએ તમામ વિરોધાભાસ છતાં આદિત્ય ઠાકરેને કોઈપણ શરત વિના સમર્થન આપ્યું હતું. ઠાકરે પરિવારની એકબીજા સામે ઉમેદવાર ન ઉતારવાની જે પરંપરા ગત ચૂંટણીમાં રાજ ઠાકરેએ શરૂ કરી હતી, ઉદ્ધવ ઠાકરેએ આ વખતે તેને તોડી દીધી છે.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા 'કાકા'ને ઝટકો, અજીત 'દાદા' પાસે જ રહેશે ઘડિયાળનું ચૂંટણી ચિહ્ન
અટકળોનો આવ્યો અંત
નોંધનીય છે કે, અમિત ઠાકરે મધ્ય મુંબઈની માહિમ બેઠકથી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે. આ બેઠક પર શિવસેના (શિંદે)એ વર્તમાન ધારાસભ્ય સરવણકરને ઉમેદવાર બનાવ્યો છે. એવી અટકળો હતી કે, ઉદ્ધવ ઠાકરેની પાર્ટી અમિતની સામે ઉમેદવાર ઉતારવાનું ટાળશે, પરંતુ આવું થયું નહીં. ઉદ્ઘવની આગેવાનીવાળી શિવસેના (યુબીટી)એ મહેશ સાવંતને ટિકિટ આપી દીધી છે.