NDAમાં ભયંકર વિખવાદ: શિંદેના નેતાએ કહ્યું- અજીત પવારની બાજુમાં બેસું તો ઊલટી આવે છે

Updated: Aug 30th, 2024


Google NewsGoogle News
NDAમાં ભયંકર વિખવાદ: શિંદેના નેતાએ કહ્યું- અજીત પવારની બાજુમાં બેસું તો ઊલટી આવે છે 1 - image


Maharashtra Politics News : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે મહારાષ્ટ્રની શિંદે સરકાર અને એનડીએ અનેક પડકારોનો સામનો કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા જ રાજ્યના સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજીની પ્રતિમા તૂટી જવાના કારણે શિંદે સરકારે ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો, તો હવે શિંદે સરકારના આરોગ્ય મંત્રીએ પોતાની જ સરકારના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અંગે ચોંકાવનારું નિવેદન આપ્યું છે.

શિંદેના મંત્રીએ અજિત વિરુદ્ધ ન બોલવાનું બોલી નાખ્યું

રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે (CM Eknath Shinde)ની સરકારના આરોગ્ય મંત્રી તાનાજી સાવંતે (Tanaji Sawant) ચૂંટણી ટાણે અજિત પવાર (Ajit Pawar) અંગે જેમ-તેમ બોલીને નવો વિવાદનો મધપુડો છેડ્યો છે. એક કાર્યક્રમ દરમિયાન સાવંતે પોતાની જ સરકારનું આરોગ્ય બગડ્યું હોવાનું નિવેદન આપી કહ્યું કે, ‘હું ભલે NCP વડા અજિત પવાર સાથે કેબિનેટમાં બેસું છું, પરંતુ હું જેવો જ બહાર આવું છું, તો મને ઊલટી આવવા લાગે છે, તેને રોકી પણ શકાતું નથી. એવું નથી કે, આપણે તેને બદલી શકતા નથી, પરંતુ આપણે આપણા સિદ્ધાંતો અંગે પ્રતિબદ્ધ છીએ.’

આ પણ વાંચો : ‘હું શિવાજીના ચરણોમાં નમન કરી માફી માંગુ છું’ શિવાજીની મૂર્તિ પડી જવા મુદ્દે બોલ્યા વડાપ્રધાન

‘અફસોસની વાત છે કે, હું કંઈ કરી શકતો નથી’

તાનાજી સાવંતે એવું પણ કહ્યું કે, ‘એવું લાગે છે કે, એલર્જી ધરાવતી વ્યક્તિને ગોળીઓ લીધા બાદ ઊલટી થાય છે. મારી સાથે પણ એવી જ સ્થિતિ છે. પણ અફસોસની વાત છે કે હું કંઈ કરી શકતો નથી. હું કટ્ટર શિવસૈનિક છું. મારા જીવનમાં ક્યારે કોંગ્રેસ અને એનસીપી પ્રત્યે લાગણી ઉદભવી નથી. જ્યારે હું વિદ્યાર્થી હતો, ત્યારથી માર એકબીજા સાથે બનતું નથી. આ જ સત્ય છે. જો આજે હું તેમની સાથે કેબિનેટમાં બેસું છું તો બહાર આવ્યા બાદ મને ઊલટી થઈ જાય છે. હું તે સહન કરી શકતો નથી, પરંતુ મારે જનતા માટે મજબૂરીમાં સહન કરવું પડે છે.’

ટૂટી જશે મહાયુતિ, પડી જશે મહારાષ્ટ્ર સરકાર?

મહારાષ્ટ્રનાં રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી ઉથલપાથલ જોવા મળી રહી છે. રાજ્યમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના, શરદ પવારની એનસીપી, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીના નેતાઓ હંમેશા એકબીજા પર કંઈને કંઈક શાબ્દિક પ્રહારો કરતાં રહે છે. લોકસભા ચૂંટણી વખતે પણ બેઠકોની વહેંચણી મુદ્દે ખેંચતાણ જોવા મળી હતી. તો લોકસભા ચૂંટણી બાદ મેળ વગરની ગઠબંધન સરકાર બન્યા બાદ મલાઈદાર મંત્રાલયોનો વિવાદનો મુદ્દો ઉછળ્યો હતો. આ ઉપરાંત રાજ્યસભામાં દાવેદારી અને મુંબઈમાં એક પુલમાં તિરાડોનો અહેવાલો સામે આવ્યા હતા અને હવે શિવાજી મહારાજની મૂર્તિ તૂટવાનો વિવાદનો મધપૂડો છંછેડાયો છે. ત્યારે હવે મહારાષ્ટ્રના રાજકારણમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે, મહાયુતિ સરકાર પડવાની છે.

આ પણ વાંચો : ચૂંટણી પહેલા જ ભાજપને જોરદાર ઝટકો, પત્તું કપાતા નારાજ વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું


Google NewsGoogle News