મહારાષ્ટ્રમાં મહાયુતિની પ્રચંડ જીત, ભાજપ-શિવસેનામાં મુખ્યમંત્રી પદને લઈને ખેંચતાણ શરૂ
Maharashtra Assembly Election Results 2024: મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે આયોજિત વિધાનસભા ચૂંટણીમાં 288 બેઠકો પર 65%થી વધુ મતદાન થયું હતું. મહારાષ્ટ્રના ચૂંટણી વલણો પ્રમાણે ભાજપની આગેવાની ધરાવતી મહાયુતિને બહુમતી મળી ગઈ છે. ભાજપે સાથી પક્ષો સાથે મળીને 234 બેઠકની જીતનો આંકડો પાર કરી લીધો છે. મહારાષ્ટ્રમાં સત્તાધારી ગઠબંધન મહાયુતિમાં સામેલ ભાજપે 149 બેઠકો પર, એકનાથ શિંદેની શિવસેનાએ 81 બેઠક પર અને અજિત પવારના નેતૃત્વ ધરાવતી એનસીપી 59 બેઠકો પર ચૂંટણી લડી હતી. બીજી તરફ એમવીએમાં સામેલ કોંગ્રેસે 101 બેઠકો પર, શિવસેના (યુબીટી)એ 95 અને એનસીપી (શરદ પવાર)એ 86 બેઠકો પર ચૂંટણી લડી હતી. મહાયુતિમાં સામેલ ભાજપને 133, શિવસેના (શિંદે જૂથ) 57 અને એનસીપી (અજિત પવાર)ને 41 બેઠકો પર જીત મળી છે. મહાવિકાસ અઘાડીની વાત કરીએ તો, કોંગ્રેસને 15, શિવસેના (ઉદ્ધવ જૂથ) 20 અને એનસીપી (શરદ પવાર)ને 10 બેઠકો પર જીત મળી છે. આમ, મહાયુતિની સરકાર મહારાષ્ટ્રમાં બનશે તે સ્પષ્ટ થઈ ચૂક્યું છે. પરંતુ મુખ્યમંત્રી કોણ હશે તે જોવું રહ્યું.
મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધને પ્રચંડ જીત મેળવ્યા બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારે મીડિયા સામે આવી વિક્ટ્રી સાઈન દેખાડ્યા બાદ સંબોધન કર્યું હતું. તો આ સાથે વડાપ્રધાન મોદીએ પણ શુભેચ્છાઓ પાઠવી છે.
મહાયુતિએ રેકોર્ડ જીત નોંધાવી : એકનાથ શિંદે
શિવસેના (Shiv Sena) પ્રમુખ અને રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે (CM Eknath Shinde)એ કહ્યું કે, ‘મહારાષ્ટ્રની ચૂંટણીમાં મહાયુતિએ રેકોર્ડ જીત નોંધાવી છે. અમે મહારાષ્ટ્રના લોકોને આભાર માનીએ છીએ. અમે મહાવિકાસ અઘાડીની સરકાર દ્વારા લગાવાયેલા તમામ પ્રતિબંધો હટાવી દીધા. લોકોએ અમારા પર સ્નેહ વરસાવ્યો. આ ચૂંટણીની જવાબદારી લોકોએ પોતાના હાથમાં લીધી છે. અમારું લક્ષ્ય મહારાષ્ટ્રનો વિકાસ કરવાનું રહ્યું છે. મહારાષ્ટ્રની જનતાએ વિકાસ મુદ્દે મહાયુતિને સમર્થન આપ્યું છે.’
શિંદેએ કહ્યું કે, ‘અમારી સરકાર જનતાની સરકાર છે. હું વડાપ્રધાન મોદીએ અમને સહયોગ આપવા બદલ આભાર માનું છું. મહિલાઓ, બાળકો અને ખેડૂતો અમારા મહત્ત્વના કેન્દ્રમાં રહ્યા છે. અમે કૉમને મેનને સુપર મેન બનાવા ઈચ્છીએ છીએ. મારા માટે CMનું ફુલ ફૉર્મ ચીફ મિનિસ્ટર નહીં, પરંતુ કૉમન મેન છે.’
મુખ્યમંત્રી પદ અંગે ત્રણેય પક્ષ સાથે મળીને લેશે નિર્ણય : દેવેન્દ્ર ફડણવીસ
BJPના નેતા અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) કહ્યું કે, ‘મહારાષ્ટ્રમાં અમને પ્રચંડ જીત અપાવવા બદલ અમે જનતાનો આભાર માનીએ છીએ. આ જીતે વડાપ્રધાન મોદીની અંદરનો મહારાષ્ટ્ર પ્રત્યેનો વિશ્વાસ દેખાડ્યો છે. હું એટલું જ કહું છું કે, મહારાષ્ટ્રની જનતા આગળ અમે નતમસ્તક છીએ. આ જીતે અમારી જવાબદારી વધારી છે. મુખ્યમંત્રી પદ પર કોઈ વિવાદ નથી. અમિત શાહે પહેલાં જ કહી દીધુ હતુ કે, ચૂંટણી બાદ ત્રણેય પક્ષ ભેગા મળીને નિર્ણય લેશે.’
ખોટું બોલનારાને જવાબ મળ્યો : અજિત પવાર
NCPના પ્રમુખ અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે (Ajit Pawar) કહ્યું કે, ‘લડકી બહિન યોજના ગેમ ચેન્જર સાબિત થઈ છે. આ યોજનાએ અમારી મુશ્કેલી દુર કરી છે. મેં આવી જીત ક્યારેય જોઈ નથી. અમે જીતથી પ્રભાવિત નહીં થઈએ, પરંતુ આ જીતે અમારી જવાબદારી વધારી દીધી છે. અમારે જવાબદારીથી વ્યવહાર કરવું પડશે. ખોટું બોલનારાઓને જવાબ મળ્યો છે. અમારી વિરોધી પાર્ટીએ શૂન્ય થઈ ગઈ છે.’
મહારાષ્ટ્રના પરિણામો પર PM મોદીની પ્રતિક્રિયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિ (NDA)ની ભવ્ય જીત પર ખુશી વ્યક્ત કરી કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, ‘વિકાસની જીત ! સુશાસનની જીત ! આપણે એક થઈને વધુ ઊંચાઈઓ ઉપર પહોંચીશું ! એનડીએને ઐતિહાસિક જીત અપાવવા બદલ મહારાષ્ટ્રની મારી બહેનો અને ભાઈઓ, ખાસ કરીને યુવાઓ અને મહિલાઓને હાર્દિક અભિનંદન... તમારો સ્નેહ અદ્વિતીય છે. હું લોકોને આશ્વાસન આપું છું કે, અમારુ ગઠબંધન મહારાષ્ટ્રની પ્રગતિ માટે કામ કરતું રહેશે. જય મહારાષ્ટ્ર.’
આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ વધુ એક પોસ્ટ કરી એનડીએના કાર્યકર્તાઓના વખાણ કર્યા છે. તેમણે એક્સ પર લખ્યું છે કે, ‘એનડીએના પ્રજાલક્ષી પ્રયાસો સર્વત્ર ગૂંજી રહ્યા છે. હું વિવિધ પેટાચૂંટણીઓમાં એનડીએના ઉમેદવારને આશિર્વાદ આપવા બદલ વિવિધ રાજ્યોના લોકોનો આભાર માનું છું. અમે તેમના સપનાઓ અને આકાંક્ષાઓ પૂરા કરવા માટે કોઈપણ કસર નહીં છોડીએ.’
શરદ પવારનું વર્ચસ્વ ઘટ્યું
અજીત પવારની એનસીપીએ 41 બેઠકો જ્યારે શરદ પવારની એનસીપીએ 10 બેઠકો પર જીત મેળવી છે. આમ, લોકસભા જેવું પ્રદર્શન વિધાનસભામાં ન કરી શકતા શરદ પવારનું વર્ચસ્વ ઘટ્યું છે.
રાજ ઠાકરેના પુત્ર હાર્યા
મનસેના નેતા રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે માહિમ વિધાનસભા બેઠક પરથી હાર્યા છે. યુબીટીના મહેશ સાબંત ચૂંટણી જીત્યા છે. અમિત રાજ ઠાકરે 14689 મતોના માર્જિન સાથે હાર્યા છે. જ્યારે શિવસેના (યુબીટી)ના મહેશ સાવંત 1068 મતોના માર્જિન સાથે લીડ કરી રહ્યા છે.
શિવસેનાના સાંસદે મીઠાઈ વહેંચી
ચૂંટણી પરિણામોમાં મહાયુતિની જીત નિશ્ચિત થતાં સાંસદો અને કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. ઠાણેના શિવસેના સાંસદ શ્રીકાંત શિંદેના આવાસ પર મીઠાઈ વહેંચી ઉજવણી કરી હતી.
શિવસેનાએ શિંદેને ફરી CM બનાવવા કરી માગ
ભાજપે રેકોર્ડબ્રેક બેઠકો મળતાની સાથે જ ભાજપના સમર્થકોએ દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવા માગ કરી છે, ત્યારે મહાયુતિ ગઠબંધનમાં મહત્ત્વના પક્ષ શિવસેનાના કાર્યકરોએ એકનાથ શિંદેને ફરીથી મુખ્યમંત્રી બનાવવા અપીલ કરી છે. શિવસેનાના સાંસદ નરેશ મ્હસ્કેએ જણાવ્યું છે કે, 'મહારાષ્ટ્રમાં જનતાએ મહાયુતિને મત આપ્યો છે. શિવસેનાનો કાર્યકર હોવાના લીધે હું ઈચ્છું છું કે, એકનાથ શિંદેને ફરી એકવાર મહારાષ્ટ્રની કમાન સોંપવામાં આવે.'
ફડણવીસને મુખ્યમંત્રી બનાવવાની પણ માંગ
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપની પ્રચંડ જીત નિશ્ચિત થતાં સોશિયલ મીડિયા પર ભાજપના કાર્યકરો અને સમર્થકો દ્વારા દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવાની માગ ઉઠી છે. રાજ્યમાં અનેક જગ્યાઓ પર ફડણવીસ મુખ્યમંત્રી બનશે તેવા પોસ્ટરો પણ લાગ્યા છે.
સંજય રાઉત ચૂંટણી પરિણામથી નાખુશ, કંઈક ગરબડનો દાવો
મહારાષ્ટ્રમાં મહાયુતિની બહુમતી પર શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે વાંધો ઉઠાવ્યો છે કે, કંઈક ગરબડ થઈ છે. આ નિર્ણય જનતાનો હતો જ નહીં. દરેક જણ જાણે છે કે, અહીં કંઈક ખોટુ ચાલી રહ્યું છે. ભાજપે ચૂંટણી પરિણામો સાથે ચેડાં કર્યા છે. શા માટે મહાયુતિને 120થી વધુ બેઠકો જ્યારે એમવીએને 75 બેઠકો પર પણ લીડ નથી મળી.
મહારાષ્ટ્રમાં મહાયુતી અને મહાવિકાસ અઘાડી વચ્ચે હતો જંગ
મહારાષ્ટ્રમાં છેલ્લાં પાંચ વર્ષથી તડજોડ અને તોડફોડની રાજનીતિ ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં એક તરફ ભાજપ, એકનાથ શિંદેની શિવસેના તથા અજિત પવારની એનસીપીની મહાયુતિ તો બીજી તરફ કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના તથા શરદ પવારની એનસીપી ની મહાવિકાસ આઘાડી વચ્ચે મહાજંગ જોવા મળ્યો હતો. જોકે, પરિણામોમાં મહાયુતિનો વિજય થયો છે.
કયા પક્ષે કેટલી બેઠક પર લડી હતી ચૂંટણી?
મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાયુતિમાં સામેલ ભાજપે 149 બેઠકો પર ચૂંટણી લડી હતી, જ્યારે એકનાથ શિંદેની શિવસેનાએ 81 બેઠક પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા. અજિત પવારના નેતૃત્વવાળી NCPએ 59 બેઠકો પર ચૂંટણી લડી હતી. બીજી તરફ મહાવિકાસ અઘાડીમાં સામેલ કોંગ્રેસે 101 પર, શિવસેના (UBT) 95 પર અને NCP (SP)એ 86 બેઠકો પર ચૂંટણી લડી હતી. આ સિવાય બસપા અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદ-ઉલ-મુસ્લિમીન (AIMIM) સહિત નાની પાર્ટીઓએ પણ પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા.
મહારાષ્ટ્રમાં ત્રણ દાયકામાં સૌથી વધુ મતદાન થયું
મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે તમામ 288 વિધાનસભા બેઠકો માટે મતદાન થયું હતું. મહારાષ્ટ્રમાં મતદાન ત્રણ દાયકામાં સૌથી વધુ 66.05 ટકા મતદાન રહ્યું છે. ભાજપની આગેવાની હેઠળની શાસક મહાયુતિ અને વિપક્ષી મહાવિકાસ આઘાડી બંને મતદાનની આ વધેલી ટકાવારીને પોતાના માટે સકારાત્મક નિશાની ગણાવી હતી. બંને વચ્ચે તીવ્ર સંઘર્ષ હોવા છતાં મોટાભાગના એક્ઝિટ પોલમાં મહાયુતિને નજીવી સરસાઈ મળતી હોવાની આગાહી થઈ છે. આ એક્ઝિટ પોલ સાચા પડે છે કે નહીં તેના પર સૌની નજર છે.
ચૂંટણી પ્રચારમાં અજિત પવારે ભાજપથી અંતર રાખ્યું હતું
આ ચૂંટણીમાં ભાજપ, એકનાથ શિંદેની શિવસેના તથા અજિત પવારની એનસીપીએ લાડકી બહિન યોજના જેવી લ્હાણી પર મહત્તમ મદાર બાંધ્યો છે. જોકે, તેમને મરાઠા અનામત આંદોલનના પડકારનો પણ સામનો કરવો પડી રહ્યો છે. ભાજપે સમગ્ર ચૂંટણી ચર્ચાને એક દિશામા વાળવા માટે 'બટેંગે તો કટેંગે' અને 'એક હૈ તો સેફ હૈ'ના ચૂંટણી નારા આપ્યા હતા. જોકે, મહાયુતિના જ એક સાથી પક્ષ અજિત પવારની એનસીપીએ આ નારાનો વિરોધ કર્યો હતો.
મહારાષ્ટ્રમાં ગઈ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને શિવસેના એક યુતિ બનાવીને લડયાં હતા જ્યારે તેમનો મુકાબલો કોંગ્રેસ તથા એનસીપીની યુતિ સામે થયો હતો. પરંતુ, આ વખતે રાજ્યમાં બે શિવસેના અને બે એનસીપી છે અને બંનેની એક એક પાંખ સામસામી છાવણીમાં વહેંચાઈ ચૂકી હતી, જેને લઈને મુકાબલો રસપ્રદ બન્યો હતો. આ ચૂંટણી પરિણામો સાથે ઈન્ડિયા ગઠબંધનની એકતા પણ દાવ પર લાગી હતી. સાથે સાથે રાહુલ ગાંધીના વિપક્ષી નેતા તરીકેના નેતૃત્વની પણ કસોટી હતી.