મહાયુતિનું મહાસંકટઃ શિંદે મહારાષ્ટ્રના ‘નીતિશ’ સાબિત થશે કે ફડણવીસની જેમ જીતીને પણ હારી જશે?
Maharashtra Assembly Election Results: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં એનડીએ ગઠબંધને જોરદાર સફળતા મેળવી છે. રાજ્યની કુલ 288 બેઠકોમાંથી એનડીએને આ લખાય છે ત્યાં સુધીમાં 220 બેઠકો પર લીડ મળી છે, જેમાં ભાજપ 128 સીટ સાથે સૌથી આગળ છે. તે પછી શિંદેની પાર્ટીના 53 અને અજિત પવારની પાર્ટીના 36 ઉમેદવારો આગળ છે. દેખીતું છે કે એનડીએ જ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા જઈ રહ્યું છે, ત્યારે પ્રશ્ન એ ઊભો થયો છે કે રાજ્યના મુખ્યમંત્રી કોને બનાવાશે? એકનાથ શિંદે પોતાનું સ્થાન જાળવી રાખશે? દેવેન્દ્ર ફડણવીસને બીજી વાર મુખ્યમંત્રી બનાવાશે? અજિત પવાર તક અપાશે? કે પછી કોઈ નવો જ ચહેરો સર્વોચ્ચ સત્તા-સ્થાને બિરાજશે?
સૌથી મોટો પક્ષ ભાજપ
ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હોવાથી શું ભાજપના નેતાને જ રાજ્યના મુખ્યમંત્રી બનાવાશે? કે પછી ભાજપ મહારાષ્ટ્રમાં પણ બિહાર મોડલનું પુનરાવર્તન કરશે? વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન એનડીએએ મુખ્યમંત્રીનું નામ જાહેર કર્યું ન હોવાથી ચર્ચા તો એવીય ચાલી રહી છે કે, એકનાથ શિંદેને પણ ભાજપના દેવેન્દ્ર ફડણવીસની જેમ પાછળ ધકેલી દેવામાં આવશે અને મહારાષ્ટ્રમાં નવા ચહેરાને તક આપવામાં આવશે.
દરેક પાર્ટી પોતપોતાના નેતાને આગળ કરી રહી છે
‘હાર અનાથ હોય છે અને જીતના બાપ ઘણાં હોય છે’ એ ન્યાયે હવે વિજેતા એનડીએ ગઠબંધનના ઘટક પક્ષો પોતપોતાના નેતાને મુખ્યમંત્રી બનાવવા માટે આગળ કરવા લાગ્યા છે. શિવસેના કહી રહી છે કે તેના નેતા એકનાથ શિંદેના કાર્યકાળમાં થયેલા વિકાસ કાર્યોને લીધે જ એનડીએને પ્રચંડ જીત મળી છે. તો એનસીપીવાળા પોતાના લીડર અજિત પવારને જીતનો શ્રેય આપીને મુખ્યમંત્રી પદના દાવેદાર ગણાવી રહ્યા છે. એકલે હાથે 125નો આંકડો પાર કર્યો હોવાથી ભાજપ કહી રહ્યો છે કે રાજ્યનો નેતા તો સૌથી વધુ સફળ પાર્ટીનો નેતા જ હોવો જોઈએ. જોકે, ભાજપે હજુ પણ ફોડ નથી પાડ્યો કે તે દેવેન્દ્ર ફડણવીસને સત્તાની દોર સોંપશે કે કોઈ નવા ચહેરાને તક આપશે.
સહમતિથી નક્કી થશે મુખ્યમંત્રી
એનડીએનો પ્રત્યેક ઘટક પક્ષ પોતાના નેતાને જ સત્તાસૂત્રો સોંપાય એવી અપેક્ષા રાખી રહ્યો છે, પણ ઓફિશિયલ સ્ટેટમેન્ટ એ પ્રકારનું અપાઈ રહ્યું છે કે અમે સૌની સહમતિથી નિર્ણય લઈશું. આખરી નિર્ણય ભાજપના સંસદીય બોર્ડ અને શિવસેના-એનસીપી હાઈકમાન્ડની સંમતિથી લેવામાં આવશે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેનાના વડા એકનાથ શિંદેએ કહ્યું છે કે, ‘જે રીતે અમે એકસાથે ચૂંટણી લડ્યા છીએ તે જ રીતે નવા મુખ્યમંત્રીનો ચહેરો પણ સાથે મળીને નક્કી કરવામાં આવશે.’
ભાજપનો હાથ ઉપર છે, પણ...
ભાજપે સૌથી વધુ સીટો જીતી હોવા છતાં જરૂરી નથી કે તેની પાર્ટીના નેતા જ રાજ્યના મુખ્યમંત્રી બને, કેમ કે ભૂતકાળમાં એવું બની ચૂક્યું છે. 2019ની ચૂંટણીમાં ભાજપ અને શિવસેના (અવિભાજિત) સાથે મળીને ચૂંટણી લડ્યા હતા. ભાજપે 105, શિવસેનાને 56, એનસીપીને 54 અને કોંગ્રેસને 44 બેઠકો મળી હતી. પરિણામો બાદ મુખ્યમંત્રી કોણ બનશે એ બાબતે તણાવ સર્જાતા શિવસેના ભાજપથી અલગ થઈ ગઈ હતી. શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસ સાથે નવું ગઠબંધન (મહા વિકાસ અઘાડી) બનાવ્યું અને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં સરકારની રચના કરી. ત્રણ વર્ષ પછી શિવસેનામાં વિભાજન થયું, એકનાથ શિંદે જૂથ ભાજપમાં જોડાયું અને ઉદ્ધવ સરકાર પડી ભાંગી. એ સમયે પણ ગઠબંધનમાં સૌથી મોટી પાર્ટી હોવા છતાં ભાજપે પોતાના નેતા, પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ઉપ મુખ્યમંત્રી પદ સોંપીને શિવસેનાના એકનાથ શિંદેને નવા મુખ્યમંત્રી બનાવ્યા હતા. એટલે આ વખતે પણ ભાજપ બેકફૂટ પર રહે એવું બની શકે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં શરદ પવારની એનસીપીનો અત્યાર સુધીનો સૌથી ખરાબ દેખાવ, અજિત પવારે મારી બાજી
મહારાષ્ટ્રમાં પણ અજમાવાશે નીતિશ કુમાર મોડલ?
બિહારમાં 2020ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને જેડીયુએ સાથે મળીને ચૂંટણી લડી હતી. પરિણામો આવ્યા ત્યારે 74 બેઠકો જીતીને ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. જેડીયુને 43 જ બેઠકો મળી હોવા છતાં ભાજપે પોતાની પાર્ટીના કોઈ ચહેરાને મુખ્યમંત્રી ન બનાવીને નીતિશ કુમાર પર કળશ ઢોળ્યો હતો. 2022માં નીતિશ ભાજપને દગો દઈને NDA છોડી ગયા અને 2024 માં તેમણે ફરી ભાજપ સાથે બુચ્ચા કરી લીધા. એમની આયારામ-ગયારામ જેવી નીતિ છતાં ભાજપે 2025ની બિહાર વિધાનસભાની ચૂંટણી નીતિશ કુમારને આગળ કરીને જ લડવાની જાહેરાત કરી છે.
ત્યારે સવાલ એ થાય છે કે ભાજપે બિહારમાં જે નીતિ અપનાવી છે એ જ નીતિ મહારાષ્ટ્રમાં પણ અપનાવશે? શિંદે મહારાષ્ટ્રના ‘નીતિશ’ સાબિત થશે કે ફડણવીસની જેમ જીતીને પણ હારી જશે, એ ટૂંક સમયમાં જણાઈ જશે.