શિંદેસેના જ અસલી શિવસેના સાબિત થઈ! ઉદ્ધવ ઠાકરે કરતાં ત્રણ ગણી બેઠકો જીતી
Maharashtra Assembly election result 2024 : છેલ્લા બે-ત્રણ વર્ષથી મહારાષ્ટ્રના રાજકારણમાં અસલી અને નકલી પક્ષ કોણ? તેણે લઈને ઘણો વિવાદ અને ચર્ચા ચાલી રહી હતી. રાજ્યના મુખ્ય પક્ષો વચ્ચેના આંતરિક ઝઘડાનું નાટક, ચૂંટણી ચિહ્નને લઈને વિવાદ અને જનતાનો વિશ્વાસ કયા પક્ષ ઉપર છે. તે અંગેની તકરાર વિધાનસભાની ચૂંટણીના સમયે ચરમસીમાએ પહોંચી ગઈ હતી. પરંતુ આજે આવેલા મહારાષ્ટ્ર વિધાનસભાના પરિણામો પછી એ સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ ગયું છે કે જનતાએ શિંદેસેનાને અસલી શિવસેના માની એકનાથ શિંદેને પોતાના નેતા પસંદ કર્યા છે.
ચૂંટણી પરિણામો અહીં જુઓ
રાજકીય વારસો મહારાષ્ટ્રમાં એક મોટો પ્રશ્ન
શિવસેનાનો પારિવારિક રાજકીય વારસો મહારાષ્ટ્રમાં એક મોટો પ્રશ્ન બની ગયો હતો. જ્યારે પક્ષનું વિભાજન થયા પછી પક્ષનું નામ અને પ્રતીક પર અનેક વિવાદો ઊભા થયા હતા. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના જૂથ અને એકનાથ શિંદેની આગેવાની હેઠળના જૂથે 'ધનુષ અને તીર'ના ચૂંટણી ચિહ્ન પર પોતાનો દાવો કર્યો હતો. ચૂંટણી પંચે મોટી સંખ્યામાં ધારાસભ્યોનું સમર્થન આપવાના આધારે શિંદે જૂથને ચિહ્ન સોંપ્યું હતું. આ નિર્ણયથી બાળ ઠાકરેના રાજકીય વારસાને આગળ ધપાવનારા ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો પડ્યો હતો. મજબૂર થઈને તેમણે પોતાના પક્ષ માટે નવું ચિહ્ન 'મશાલ' હેઠળ ચૂંટણી લડી હતી. બીજી તરફ શિંદે જૂથ ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના ગઠબંધનનો ભાગ બનીને રાજ્યમાં સત્તા પર આવ્યો હતો.
કાકા અને ભત્રીજા વચ્ચેની લડાઈ
શિવસેના બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)માં પણ અસલી અને નકલીને લઈને લડાઈ જોવા મળી હતી. શરદ પવારને NCPના સર્વેસર્વા માનવામાં આવે છે. તેમની અને તેમના ભત્રીજા અજિત પવાર વચ્ચે પક્ષના નામ અને ચૂંટણી ચિહ્ન ઘડિયાળને લઈને વિવાદ થયો હતો. અહીં પણ પક્ષનું નામ અને ચૂંટણી ચિહ્ન અજિત પવાર જૂથને મળ્યું હતું. શરદ પવારે 'વોર ટ્રમ્પેટ' ચિહ્ન પર ચૂંટણી લડવી પડી હતી. મરાઠીમાં તેને ‘તુતારી’ કહે છે.
એકનાથ શિંદે ફરીથી કિંગમેકર
આ જ રીતે શિવસેનાના બંને જૂથો પણ લોકોમાં પોતાની ઓળખ સ્થાપિત કરવા માટે સંઘર્ષ કરતા જોવા મળી રહ્યા છે. વલણો અનુસાર શિંદે જૂથ 55 બેઠકો પર આગળ છે, જ્યારે ઉદ્ધવ જૂથ 20 બેઠકો પર આગળ છે. પરિણામના વલણોને જોતાં સ્પષ્ટ છે કે જનતાનો નિર્ણય શિંદેસેનાને જ અસલી માની છે અને તેમને જીતાડી છે. આ સિવાય તેમણે પોતાના વિરોધી એવા ઉદ્ધવ ઠાકરે કરતાં ત્રણ ગણી બેઠક પણ જીતી છે. એકનાથ શિંદે ફરીથી કિંગમેકરની ભૂમિકા જોવા મળી શકે છે. આ લડાઈ માત્ર નામ અને પ્રતીકની જ ન હતી. પરંતુ રાજકીય વિશ્વસનીયતા અને વિશ્વાસની પણ હતી. જેમાં હાલના પરિણામ અનુસાર લાગી રહ્યું છે કે જનતાએ એકનાથ શિંદેને અસલી શિવસેના માની છે.