VIDEO: 'બાજ કી અસલી ઉડાન બાકી...', મુખ્યમંત્રી પદની ખેંચતાણ વચ્ચે ફડણવીસની ચોંકાવનારી પોસ્ટ
Maharashtra Assembly Election Result-2024 : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની NCPના ગઠબંધનવાળી મહાયુતિએ 134 બેઠકો મેળવી પ્રચંડ જીત નોંધાવી છે. રાજ્યમાં ભાજપને 133 બેઠકો, શિવસેનાને 57 બેઠકો જ્યારે એનસીપીને 41 બેઠકો મળ્યા બાદ હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે, મુખ્યમંત્રી કોણ બનશે? શું એકનાથ શિંદે રાજ્યના મુખ્યમંત્રી રહેશે કે પછી ભાજપના દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવામાં આવશે?
ફડણવીસે વીડિયો શેર કર્યો
આ તમામ અટકળો અને ચર્ચાઓ વચ્ચે દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. તેમાં તેમનું 2019નું ભાષણ પણ સામેલ છે, વીડિયોમાં તે કહેતા જોવા મળી રહ્યા છે કે, 'મેરા પાણી ઉતરતા દેખ, કિનારે પર ઘર મત બના લેના, મૈં સમંદર હૂં લૌટ કર વાપસ આઉંગા.’ આ વીડિયો સાથે ફડણવીસે લખ્યું છે કે, ‘બાજ કી અસલી ઉડાન બાકી હૈ.’
વાશિમમાં ફડણવીસને CM બનાવવાના પોસ્ટર લાગ્યા
મહારાષ્ટ્રમાં મહાયુતિ (Mahayuti) ગઠબંધનના વાવાઝોડામાં મહા વિકાસ આઘાડી (Maha Vikas Aghadi) ગઠબંધનને મોટો ધોબીપછાડ મળ્યો છે. રાજ્યમાં મહાયુતિની ઐતિહાસિક જીત થયા બાદ વાશિમમાં ફડણવીસના પોસ્ટર લાગ્યા છે, તેમાં ફડણવીસને રાજ્યના આગામી મુખ્યમંત્રી બનાવવાનો ઉલ્લેખ કરાયો છે.
મહારાષ્ટ્રમાં મહાયુતિએ 134 બેઠકો જીતી
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાવિકાસ અઘાડી (MVA) ગઠબંધનના સાથી પક્ષો કોંગ્રેસે 19 બેઠકો, ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના યુબીટીએ 20 બેઠકો, જ્યારે શરદ પવારની પાર્ટી NCPSPએ 13 બેઠકો જીતી છે. આમ એમવીએએ કુલ 48 બેઠકો જીતી છે. ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની NCPના ગઠબંધનવાળી મહાયુતિએ 134 બેઠકો જીતી છે. રાજ્યમાં કુલ 288 વિધાનસભા બેઠકો છે, જેમાં બહુમતીનો આંકડો 144 છે.