મહારાષ્ટ્રમાં આચારસંહિતાનું ઉલ્લંઘન! 8678 ફરિયાદ, રોકડ સહિત 660 કરોડનો મુદ્દામાલ જપ્ત, ECએ જાહેર કર્યો ડેટા
Maharashtra Assembly Election : મહારાષ્ટ્રમાં આવતી કાલે (20 નવેમ્બરે) વિધાનસભા ચૂંટણી યોજવાની છે, ત્યારે ચૂંટણી માટે લાગુ થયેલી આચારસંહિતા દરમિયાન સમગ્ર રાજ્યમાંથી કુલ રૂ. 660.16 કરોડની રોકડ અને દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 8,678 ફરિયાદોમાંથી 8,668 ઉકેલ લાવવામાં આવ્યો છે.
CEO કાર્યાલયે આપી માહિતી
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) કાર્યાલય દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી હતી. સીઇઓ કાર્યાલયના જણાવ્યા મુજબ, 15 ઓક્ટોબરથી 18 નવેમ્બરના રોજ આદર્શ આચાર સંહિતા લાગુ થયા બાદ ચૂંટણી પંચની 'સી-વિજિલ એપ' દ્વારા સમગ્ર મહારાષ્ટ્રમાંથી 8,678 ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. જેમાંથી 8,668 ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન રાજ્ય અને કેન્દ્ર સરકારની એન્ફોર્સમેન્ટ એજન્સીઓએ રૂ. 660.16 કરોડનો ગેરકાયદે સામાન જપ્ત કર્યો હતો.
રોકડ સહિત કિંમતી મુદ્દામાલ જપ્ત કરાયો
સીઈઓ ઓફિસે જણાવ્યું હતું કે, 'જપ્ત કરવામાં આવેલી વસ્તુઓમાં રોકડ, દારૂ, નાર્કોટિક્સ ઉપરાંત કિંમતી વસ્તુઓનો સમાવેશ થાય છે. ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને પારદર્શી રહે તે માટે રાજ્યમાં આદર્શ આચારસંહિતાનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે.' નોંધનીય છે કે, રાજ્યમાં 20 નવેમ્બરે મતદાન યોજાશે અને રાજ્યની 288 વિધાનસભા બેઠકો માટે કુલ 4,136 ઉમેદવારો મેદાનમાં છે.