'બાળા સાહેબ જીવતા હોત તો ઉદ્ધવ ઠાકરેને ગોળી મારી દેતા...' ભાજપ નેતા નારાયણ રાણેનું વિવાદાસ્પદ નિવેદન
Maharashtra Assembly Election : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ભાજપના નેતા નારાયણ રાણેએ ચૂંટણી પ્રચાર દરમિયાન એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. નારાયણ રાણેએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, 'જો બાળા સાહેબ ઠાકરે આજે જીવતા હોત તો તેઓ ઉદ્ધવ ઠાકરેને ગોળી મારી દેતા.' જોકે, નારાયણ રાણેના આ નિવેદન બાદ ભારે હોબાળો થઇ રહ્યો છે.
બાળાસાહેબની યાદ આવી ગઇઃ રાણે
ચૂંટણી રેલી દરમિયાન ભાજપના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે પર પ્રહારો કર્યા હતા. નારાયણ રાણેએ કહ્યું, 'શિવસેના પ્રમુખનો દીકરો સભામાં આવું કહે છે કે જો તમારે સમાજમાં બકરી ઇદના પર્વની પરવાનગી ન આપવી હોય તો દિવાળીની પણ પરવાનગી ના આપો. આ સાંભળી મને બાળાસાહેબ ઠાકરે યાદ આવી ગયા. જો તેમણે આ સાંભળી લીધું હોત તો હું સાચું કહી રહ્યો છું તે ગોળી મારી દેતા.'
આ પણ વાંચોઃ CM યોગીનો નવો નારો અજિત પવારને પસંદ ના આવ્યો! ઉઠાવ્યા સવાલ, તો શિંદે જૂથે કર્યો સપોર્ટ
હિંદુત્વ સાથે સમાધાન કરી મુખ્યમંત્રી બન્યા
નારાયણ રાણેએ કહ્યું કે, 'ઉદ્ધવ ઠાકરેનું વર્તન તેમના પરિવારની ગરિમા પ્રમાણે નથી. ઉદ્ધવ હિંદુત્વ સાથે સમાધાન કરીને મુખ્યમંત્રી બન્યા હતા. પોતાના અઢી વર્ષના કાર્યકાળમાં ઉદ્ધવે માત્ર બે દિવસ કામ કર્યું હતું અને હવે ફરી એકવાર તેઓ મુખ્યમંત્રી બનવા માંગે છે. મહારાષ્ટ્રમાં આવા લોકોને સત્તા કોણ આપશે?'