'ભાજપ અને RSS નથી ઇચ્છતા કે દેશમાં બાબા સાહેબનું બંધારણ ચાલે...', નાગપુરથી ખડગેના આકરા પ્રહાર
Maharashtra Assembly Election : આગામી 20 નવેમ્બરે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. આ દરમિયાન ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ રાજ્યમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. વિવિધ રાજકીય પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલુ થઇ ચૂક્યો છે. હવે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આરએસએસના ગઢ નાગપુરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા આરએસએસ અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, 'વડાપ્રધાન મોદીએ બે પગ લગાવી લીધા છે. જોકે, તેમના બંને પગ નકલી છે, જેમાં એક પગ TDP અને બીજો પગ JDU છે.'
RSS ના ગઢ પરથી વડાપ્રધાન પર કર્યા પ્રહાર
ખડગેએ આરએસએસના ગઢ નાગપુરથી વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, 'પીએમ મોદીએ બે પગ લગાવી લીધા છે. જોકે, તેમના બંને પગ નકલી છે, જેમાં એક પગ TDP છે અને બીજો પગ JDU છે. જો તમે આ બંને પગ કાઢી નાખો, તો તે ચાલી શકશે નહીં. ભાજપ અને આરએસએસ નથી ઈચ્છતા કે આ દેશમાં બાબા સાહેબનું બંધારણ ચાલે. જો બંધારણને કંઈ થશે તો આરએસએસ અને પીએમ મોદી જવાબદાર હશે કારણ કે તેમની વિચારધારા એ જ કહે છે.'
બાબા સાહેબ આંબેડકરનો કર્યો ઉલ્લેખ
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, 'નાગપુર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનું કાર્યસ્થળ છે. તેથી જ ગરીબ અને દલિત લોકો અહીં આવે છે, બાબા સાહેબને નમન કરે છે, મહાત્મા ફુલે જીને નમન કરે છે, છત્રપતિ શિવાજી મહારાજને યાદ કરે છે. આ બધાને યાદ કરવાનો એક જ હેતુ છે કે આ લોકોએ સમાજલક્ષી કાર્યો કરી પોતાની ઓળખ બનાવી છે, તેમણે આ દેશને સમાનતાની વિચારધારા આપી છે.'
નાગપુરના લોકોએ બાબા સાહેબને હિંમત આપી
ખડગેએ કહ્યું કે, 'નાગપુરના લોકોએ બાબા સાહેબ આંબેડકરને હિંમત આપી. કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધી 10-15 વર્ષ પહેલા ઘણા લોકો બાબા સાહેબ વિશે વાત કરતા ન હતા. બંધારણ પ્રત્યે નફરત હતી. તેઓ કહેતા હતા કે બાબા સાહેબનું બંધારણ આપણા માટે સારું નથી, જો બંધારણ બનાવવું જોઈએ તો મનુસ્મૃતિ મુજબ બનાવવું જોઈએ.'
RSS કાર્યાલયોમાં બાબા સાહેબનો ફોટો નથી
વડાપ્રધાન પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, "મોદી નાગપુર આવે છે, ત્યારે તેમની સભાઓમાં બાબા સાહેબનો ફોટો દેખાય છે. આ જ વસ્તુ તમે 11 વર્ષ પહેલા કેમ ન કરી? તમે તમારા કાર્યાલયોમાં બાબા સાહેબનો ફોટો કેમ ન લગાવ્યો? શું ક્યારેય આરએસએસના કાર્યાલયોમાં બાબા સાહેબનો ફોટો લાગ્યો છે? શું ક્યારેય તેમણે તેમના કાર્યાલયોમાં તિરંગો ફરકાવ્યો છે? નહીં, તે લોકો ઇચ્છતા જ નથી કે બાબા સાહેબનું બંધારણ આ દેશમાં ચાલે.'