‘દોલત હૈ, શોહરત હૈ, લેકિન ઇજ્જત નહીં’ અજિતની NCPની સ્ટાર પ્રચારકોની યાદી જોઈ શરદ પવારે આવું કેમ કહ્યું ?
Maharashtra Assembly Election : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને ઘમસાણ શરુ થઈ ચૂક્યું છે. રાજ્યના તમામ રાજકીય પક્ષો તેમના ઉમેદવારોની યાદીઓ જાહેર કરી રહ્યા છે. આ દરમિયાન સત્તારૂઢ ગઠબંધનમાં સામેલ અજિત પવારની આગેવાની હેઠળની એનસીપીએ તેના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં અજિત પવાર, પ્રફુલ્લ પટેલ, છગન ભુજબળ સહિત 27 દિગ્ગજ નેતાઓ સામેલ છે. જો કે, આ વચ્ચે એનસીપી(એસપી)ના અધ્યક્ષ શરદ પવારે અજિત પવાર પર પ્રહાર કર્યા છે.
નવાબ મલિકનો ઉલ્લેખ કરી શરદ પવારે કર્યો પ્રહાર
એનસીપીની યાદીમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ યાદીમાં એનસીપીના દિગ્ગજ નેતા નવાબ મલિકને સામેલ કરાયા નથી. નવાબ મલિકનું નામ સ્ટાર પ્રચારકોની યાદીમાં ના હોવા પાછળ ભાજપને કારણ માનવામાં આવી રહ્યું છે. આ મામલે શરદ પવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર અજિત પવાર પર પ્રહાર કરતાં કહ્યું કે, ‘દોલત હૈ, શોહરત હૈ, લેકિન ઇજ્જત નહીં.’ નોંધનીય છે કે, નવાબ મલિક શરદ પવારના નજીકના સહયોગી માનવામાં આવતા હતા. જો કે, એનસીપીમાં ભાગલા પડ્યા બાદ તેઓ અજિત પવાર સાથે જોડાયા હતા.
એનસીપીના સ્ટાર પ્રચારકોની યાદી
એનસીપીના સ્ટાર પ્રચારકોની યાદીમાં અજિત પવાર, પ્રફુલ્લ પટેલ, સુનિલ તટકર, છગન ભુજબળ, દિલીપ વાલસે પાટીલ, ધનંજય મુંડે, હસન મુશ્રીફ, નરહરી ઝિરવાલ, અદિતિ તાઈ તટકરે, નીતિન પાટીલ, સયાજી રાવ શિંદે, અમોલ મિટકરી, જલ્લાઉદ્દીન સૈયદ, ધીરજ શર્મા, રૂપાલી તાઈ ચકણકર, ઈદ્રીસ નાયકવાડી, સૂરજ ચવ્હાણ, કલ્યાણ આખાડે, સુનિલ મેગ્રે, મહેશ શિંદે, શશિકાંત તરંગે, પ્રશાંત કદમ, ધીરજ શર્મા, સુરેખતાઈ કુમાર ઠાકરે, ઉદય કુમાર અહેર અને રાજલક્ષ્મી ભોસલે, વાસીમ બૃહાણ અને સંધ્યા સોનવણેના નામ સામેલ છે.