મહારાષ્ટ્ર ચૂંટણી : ફડણવીસ પાસે 23,500 અને પત્ની પાસે માત્ર 10,000 રોકડ, એફિડેવિટમાં જાહેર કરી સંપત્તિ
Maharashtra Assembly Election : મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ દરમિયાન રાજ્યના ઉપ-મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાગપુર દક્ષિણ-પશ્ચિમ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવતી વખતે તેમણે ઉમેદવારી પત્ર સાથે દાખલ એફિડેવિટમાં પોતાની સંપત્તિની જાહેરાત કરી છે. એફિડેવિટ મુજબ ફડણવીસ પાસે 23,500 રૂપિયા રોકડ છે, જ્યારે તેમની પત્ની પાસે 10,000 રૂપિયા રોકડ છે. આ ઉપરાંત તેમણે તેમની કુલ ચલ અને અચલ સંપત્તિની પણ જાહેરાત કરી છે.
કુલ ચલ-અચલ સંપત્તિની જાહેરાત કરી
દેવેન્દ્ર ફડણવીસે એફિડેવિટમાં કુલ 13.27 કરોડ ચલ અને અચલ સંપત્તિ જાહેર કરી છે. તેમના ટેક્સ રિટર્ન ફોર્મ મુજબ, 2023-24માં તેમની કુલ આવક 79.30 લાખ રૂપિયા હતી, જ્યારે વર્ષ 2022-23માં તેમની કુલ આવક 92.48 લાખ હતી. ફડણવીસે તેમના નામ પર 56,07,867 રૂપિયાની જ્યારે પત્ની અમૃતા ફડણવીસના નામે 6,96,92,748 રૂપિયાની અને તેમની દિકરીના નામે 10,22,113 રૂપિયાની ચલ સંપત્તિ જાહેર કરી છે.
આ પણ વાંચોઃ મહાવિકાસ અઘાડીમાં બળવો ! સપાએ અલ્ટીમેટમ આપી કહ્યું, ‘પાંચ બેઠકો આપો નહીં તો...’
બેંક એકાઉન્ટમાં કેટલી રકમ જમા છે?
બેંક એકાઉન્ટમાં તેમની જમા રકમ (એફડી, નાણાકીય સંસ્થાઓ અને સહકારી સમિતિઓની જમા રકમ પણ સામેલ) 2,28,760 રૂપિયા છે, જ્યારે તેમની પત્નીના 1,43,717 રૂપિયા જમા છે. ફડણવીસ બોન્ડ, ડિબેન્ચર, શેર કે મ્યુચુઅલ ફંડમાં રોકાણ કરતા નથી, પરંતુ તેમણે રાષ્ટ્રીય બચત યોજના (NSS), પોસ્ટ બચત, વીમા પોલીસી અને નાણાકીય સાધનોમાં 20,70,607 રૂપિયાનું રોકાણ કર્યું છે. જ્યારે તેમની પત્નીએ બોન્ડ, ડિબેન્ચર, શેર કે મ્યુચુઅલ ફંડમાં કુલ 5,62,59,031 રૂપિયાનું રોકાણ કર્યું છે.
કેટલું સોનું અને અચલ સંપત્તિ ધરાવે છે?
ફડણવીસે જાહેર કર્યું છે કે તેમની પાસે રૂ. 32,85,000ની કિંમતના 450 ગ્રામ સોનાના ઘરેણાં છે, જ્યારે તેમની પત્ની પાસે રૂ. 65,70,000ની કિંમતના 900 ગ્રામ સોનાના ઘરેણાં છે. તેમના નામે 4,68,96,000 રૂપિયાની અચલ સંપત્તિ છે, જેમાં ચંદ્રપુરમાં ખેતીની જમીન, નાગપુરના ધરમપેઠમાં રહેણાંક મકાન અને અન્ય ઘણી મિલકતોનો સમાવેશ થાય છે. જ્યારે તેમની પત્ની પાસે 95,29,000 રૂપિયાની અચલ સંપત્તિ છે.
લોન અને પેન્ડિંગ કેસ અંગે માહિતી આપી
ફડણવીસે તેમની પત્ની પાસેથી 62,00,000 રૂપિયાની લોન લીધી છે અને તેમની પાસે બેંકો અથવા નાણાકીય સંસ્થાઓ પાસેથી અન્ય કોઈ લોન કે બાકી લેણાં નથી. તેમના અને તેમની પત્નીના નામે કોઈ વાહન નોંધાયેલો નથી. તેમની સામે ચાર FIR અને ચાર કેસ પેન્ડિંગ છે.