મહારાષ્ટ્રમાં નવી અફવા: રાષ્ટ્રપતિ શાસન લાવવાની તૈયારી, NDAને આ યોજનાનો લાભ મળે તેવો ઈરાદો

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
maharashtra assembly Elections

Image: IANS



Maharashtra Assembly Election 2024 Date: કેન્દ્રીય ચૂંટણી પંચે ગત તા. 16 ઓગસ્ટે હરિયાણા તથા જમ્મુ અને કાશ્મીરની ચૂંટણી સાથે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી જાહેર ન કરતાં લોકોને આશ્ચર્ય પમાડ્યું હતું. પરંતુ હવે એ લગભગ નક્કી મનાય છે કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી દિવાળી પછી જ યોજાશે. બીજી તરફ રાજકીય વર્તુળોમાં એવી પણ અફવા વહેતી થઈ છે કે તા. 26 નવેમ્બરે વિધાનસભાની મુદ્દત પૂર્ણ થયા બાદ થોડા સમય માટે રાષ્ટ્રપતિ શાસન લદવામાં આવી શકે છે અને આગામી ડિસેમ્બરમાં જ ચૂંટણી યોજાય તેવું પણ બની શકે છે.

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે તેવી શક્યતા

હરિયાણાની ચૂંટણી જાહેર કરતી વખતે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે એમ કહ્યું હતું કે વિધાનસભાની મુદ્દત પૂર્ણ થાય તે પછી છ મહિના સુધીમાં ચૂંટણી કરાવવા માટે ચૂંટણી પંચ અધિકાર ધરાવે છે. આ નિવેદનનું અર્થઘટન એવું થઈ રહ્યું છે કે કદાચ મહારાષ્ટ્ર વિધાનસભાની તા. 26 નવેમ્બરની મુદ્દત પૂરી થવા દેવાશે. તે પછી થોડા સમય માટે રાષ્ટ્રપતિ શાસન લાદી દેવાશે. દરમિયાન ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે આથી મહારાષ્ટ્ર અને ઝારખંડ બંનેની વિધાનસભા ચૂંટણી ડિસેમ્બર અંત સુધીમાં યોજી દેવાય તેવું શક્ય બની શકે છે.

મહારાષ્ટ્રમાં ચૂંટણી વિલંબ પાછળ કારણ

ચૂંટણી પંચે મહારાષ્ટ્રમાં ચૂંટણી ઠેલવા માટે ચોમાસુ, ગણપતિ તથા દિવાળી સહિતના તહેવારો અને શ્રાદ્ધપક્ષસહિતનાં કારણો ટાંક્યાં હતાં. બીજી તરફ હરિયાણા અને જમ્મુ તથા કાશ્મીર વિધાનસભાની ચૂંટણીઓ માટે ચોથી ઓક્ટોબરે મત ગણતરી યોજવાનું જાહેર થયું છે. એવું મનાય છે કે હરિયાણામાં નવી સરકાર રચાઈ જાય તે પછી જ મહારાષ્ટ્ર વિધાનસભા માટે તારીખોની જાહેરાત થઈ શકે છે. એ સંદર્ભમાં પણ ડિસેમ્બર માસમાં ચૂંટણી યોજાવાની અટકળો વધારે વ્યાપક બની છે.

આ પણ વાંચોઃ Us Election: રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં બાજી પલટાઈ, નવા સર્વેમાં ટ્રમ્પ કરતાં આગળ નીકળ્યા કમલા હેરિસ

મહાયુતિનું ફોકસ લાડલી બહેન યોજના

રાજકીય ચર્ચાઓ ચૂંટણીમાં ભાજપ, શિવસેના તથા એનસીપીના ધબડકા બાદ શાસક પક્ષ મહાયુતિનો બહુ મોટો મદાર લાડકી બહેન યોજના પર છે. આ યોજના હેઠળ મહિલાઓને દર મહિને 1500 રુપિયા બેન્કમાં જમા કરવાનું શરુ થઈ ગયું છે. અને સીએમ શિંદેએ તો વચન આપ્યું છે કે જો તેમની સરકાર ફરી સત્તા પર આવશે તો આ રકમ દર મહિને ૧૫૦૦થી વધારીને ૩૦૦૦ રુપિયા કરી દેવાશે. મધ્યપ્રદેશમાં આ જ પ્રકારની લાડલી બહેન યોજનાથી ભાજપને સળંગ એક પછી એક ચૂંટણીઓમાં ફાયદો મળ્યો છે અને તેનું પુનરાવર્તન મહારાષ્ટ્રમાં પણ થશે તેવી શિંદે સરકારને આશા છે. 

યોજનાનો યોગ્ય અમલ હજી બાકી

જોકે, આ યોજનાનો ઉતાવળે અમલ કરવા જતાં અનેક ગરબડો રહી ગઈ છે. હજુ અનેક લાયક મહિલાઓની અરજીઓનું પ્રોસેસિંગ થઈ રહ્યું છે. કેટલીય  મહિલાઓના બેન્ક ખાતાં આધાર સાથે લિંક નહિ થયાં હોવાથી વેરિફિકેશન બાકી હોવાથી આ યોજનાના પૈસા ખાતામાં જમા થયા નથી. શિંદ્દે સરકારે તમામ મ્યુનિસિપાલિટીઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનો તથા જિલ્લા પરિષદોના પદાધિકારીઓ પર આ યોજનામાં મહત્તમ મહિલાઓ નોંધણી કરાવે તે માટે દબાણ વધાર્યું છે. જોકે, યોજનાના અમલમાં રહી ગયેલી ત્રૂટિઓ નિવારાય અને મહિલાઓને સાતત્યપૂર્ણ રીતે એકથી વધુ હપ્તા મળતા થઈ જાય અને તેમને આ યોજના ચાલુ રહેશે અને પૈસા આવતા રહેશે તેવો વિશ્વાસ બંધાય તેમાં થોડો સમય લાગે તેમ છે. લાડકી બહિન યોજનાનો ધાર્યો રાજકીય લાભ મેળવવા માટે તેનો માહોલ બને તેમાં હજુ બેથી ત્રણ મહિનાનો સમય લાગશે તેવો સરકારને અંદાજ છે.

મહારાષ્ટ્રમાં નવી અફવા: રાષ્ટ્રપતિ શાસન લાવવાની તૈયારી, NDAને આ યોજનાનો લાભ મળે તેવો ઈરાદો 2 - image



Google NewsGoogle News