મહારાષ્ટ્રમાં નીતિન ગડકરીને અપાઈ મોટી જવાબદારી, વિધાનસભા ચૂંટણી જીતવા ભાજપનું ખાસ પ્લાનિંગ
Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં ભાજપ કોઈ કસર છોડવા માંગતું નથી. જેના માટે પાર્ટી કેન્દ્રીય મંત્રીઓને પણ મેદાને ઉતારવાની તૈયારીમાં છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સહિત ભાજપના કદાવર નેતાઓ વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારમાં ભાગ લેવાના છે. વિધાનસભાની ચૂંટણી વિશે વાત કરતાં મહારાષ્ટ્ર ભાજપ પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે, 'નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં મહારાષ્ટ્રમાં 21 નેતા અલગ-અલગ સમિતિઓનો ભાગ હશે અને તમામ નેતાઓને જવાબદારી પણ સોંપાઈ છે.'
ગડકરીને કરી વિનંતી
વિધાનસભાની ચૂંટણીની તૈયારી વિશે વાત કરતાં બાવનકુલે કહ્યું કે, 'મહાયુતિ માટે ભાજપે બુથ લેવલ સુધીની વ્યવસ્થા કરી છે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને અશ્વિની વૈષ્ણવ પણ મહારાષ્ટ્રના ચૂંટણી પ્રચારમાં ભાગ લેશે. અમે નીતિન ગડકરી સાથે ચૂંટણી પ્રચાર માટે તેમનો તમામ સમય આપવા વિનંતી કરી હતી, જેની સહમતિ આપી દીધી છે. મહારાષ્ટ્ર મહાયુતિમાં ભાજપ સિવાય મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાનીવાળી શિવસેના અને અજિત પવારની આગેવાનીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પણ સામેલ છે.'
આ પણ વાંચોઃ શું રાજ્યસભામાં વક્ફ બિલ પસાર કરાવી શકશે મોદી સરકાર? જાણો NDA પાસે કેટલું છે સંખ્યાબળ
સ્ટાર પ્રચારકની યાદીમાં આ નેતાઓને મળ્યું સ્થાન
થોડા સમય પહેલાં લોકસભા ચૂંટણીમાં ભાજપને મહારાષ્ટ્રમાં ઘણી બેઠકો પર નુકસાન વેઠવું પડ્યું હતું. જેને ધ્યાને લઈ વિધાનસભા ચૂંટણીમાં કમર કસી છે. થોડા અઠવાડિયામાં જ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. જોકે, ભાજપે જાહેરાત પહેલાં જ ચૂંટણી પ્રચારની તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપની સ્ટાર પ્રચારકની યાદીમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, મંત્રી સુધીર મુનગંટીવાર, ભાજપ પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે અને રાજ્યના અન્ય દિગ્ગજ નેતાઓના નામ સામેલ છે.
ગડકરી કરશે નેતૃત્વ
બાવનકુલેએ આગળ કહ્યું, 'ભાજપ તરફથી ચૂંટણી પ્રચારનું નેતૃત્વ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને સોંપાયું છે. ગડકરીને મહારાષ્ટ્રની જનતા સાથે ખૂબ જ પ્રેમ છે. તે હંમેશા અમારી કોર ટીમ અને રાજ્યના વિવિધ મુદ્દે નજર રાખનારી સંસદીય બોર્ડનો ભાગ રહ્યાં છે. આ સિવાય પૂર્વ કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવેને મુખ્ય સંયોજક બનાવવામાં આવશે.'
આ પણ વાંચોઃ VIDEO: ‘ખઈ કે પાન બનારસ વાલા...’ ગીત પર ભાજપ નેતાના જોરદાર ઠુમકા, સોશિયલ મીડિયામાં વાઇરલ
જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણીમાં નીતિન ગડકરીએ નાગપુર સીટથી કોંગ્રેસના વિવેક ઠાકોર સામે લગભગ 25 રેલીઓ કરી હતી. ગડકરી 1,37,000 વોટથી ચૂંટણી જીતી નાગપુર બેઠકથી સાંસદ બન્યા છે.