'બટેંગે તો કટેંગે' મુદ્દે ભાજપમાં અંદરો-અંદર મતભેદ, કોઈએ સલાહ આપી તો કોઈએ ઊઠાવ્યાં સવાલો
Maharashtra Assembly Elections 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને રાજ્યમાં રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અમરાવતીમાં રેલી દરમિયાન ફરી 'બટેંગે તો કટેંગે'નો નારો આપ્યો છે. દેશમાં આ નારો ચર્ચાનો વિષય બન્યો છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આ નારાને અમુક નેતાઓ સમર્થન આપી રહ્યાં છે, તો અમુક તેનો વિરોધ કરતાં જોવા મળી રહ્યાં છે. જેમાં હવે એનસીપી ચીફ અજીત પવાર પણ સામેલ થઈ ગયાં છે. અજીત પવારે યોગીના આ નિવેદનનો વિરોધ કર્યો છે.
અજીત પવારે કર્યો વિરોધ
મહારાષ્ટ્ર ચૂંટણીમાં પ્રચાર દરમિયાન વડાપ્રધાન મોદીએ 'એક હૈ તો સેફ હૈ'નો નારો આપ્યો હતો. વળી, યોગી આદિત્યનાથ પણ સતત પોતાની રેલીમાં 'બટેંગે તો કટેંગે'નો નારો આપી રહ્યાં છે. પરંતુ, હવે મહાયુતિના સાથે અજીત પરવારે જ તેના પર પ્રશ્ન ઉભો કર્યો છે. આ પહેલાં અજીત પવારે કહ્યું હતું કે, મહારાષ્ટ્ર શિવાજી, આંબેડકર, શાહૂજી મહારાજની ધરતી છે.
યોગીના આ નારા પર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે કહ્યું, 'રાજ્યમાં બહારના લોકો આવીને આવી વાત બોલી રહ્યાં છે. બીજા રાજ્યના ભાજપ મુખ્યમંત્રી નક્કી કરે કે, તેઓએ શું બોલવું છે. અમે ભલે મહાયુતિમાં એકસાથે કામ કરી રહ્યા છીએ, પરંતુ અમારી પાર્ટીની વિચારધારા અલગ છે. બની શકે કે, બીજે આવું ચાલતું હોય, પરંતુ મહારાષ્ટ્રમાં આ કામ નથી કરતું.
આ હરોળમાં શિવસેના (શિંદે) નેતા સંજય નિરૂપમે યોગી આદિત્યનાથના નિવેદનનું સમર્થન કર્યું છે. તેઓએ કહ્યું, 'યોગી આદિત્યનાથ કહી રહ્યા છે કે તમે અલગ પડી જશો તો તમે નબળા પડી જશો, જો તમે એક રહેશો તો મજબૂત રહેશો. અજીત દાદા અત્યારે સમજી નથી રહ્યાં, આગળ સમજી જશે. 'બટેંગે તો કટેંગે' આ લાઇન મહારાષ્ટ્રમાં જરૂર ચાલશે. અજીત દાદાને સમજવું પડશે. મુખ્યમંત્રી યોગી કોઈ ખોટી વાત નથી કહી રહ્યાં, તેને સમજવામાં અમુક લોકોને સમય લાગી શકે છે.
JDUએ પણ કર્યા સવાલ
જેડીયુના એમએલસી ગુલામ ગૌસ (Ghulam Gaus)એ પણ નારાને લઈને સવાલ કર્યો હતો. ગુલામ ગૌસે કહ્યું, 'દેશને હવે આ પ્રકારના નારાની જરૂર નથી. અમે લોકો તો એકજૂટ છીએ. આ નારાની જરૂર એવા લોકોને છે, જેઓ એક સંપ્રદાયના નામે મત લે છે. જ્યારે દેશના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, ગૃહમંત્રી તમામ હિન્દુ છે, તો પછી હિન્દુ અસુરક્ષિત કેવી રીતે થઈ ગયા? ભાજપ આ સવાલનો જવાબ આપે.