CM પદ પર દાવો કરતી ઉદ્ધવ સેનાનું કોંગ્રેસ-શરદ પવાર આગળ સરેન્ડર, છેવટે માની શરદ પવારની વાત
Maharashtra Assembly Election 2024 : ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુબીટીએ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી પદ પર દાવો કર્યા બાદ પાછીપાની કરી છે. કોંગ્રેસ અને શરદ પવાર જૂથે ઠાકરેને દાવાને મહત્વ ન આપતા છેવટે પાર્ટીના નેતા સંજય રાઉતે મુખ્યમંત્રી પદ અંગે મહત્વની ટિપ્પણી કરી છે. રાઉતે કહ્યું કે, મહાવિકાસ અઘાડી (MVA)ના મુખ્યમંત્રી પદના ઉમેદવાર અંગે ચૂંટણી બાદ પણ વાતચીત થઈ શકે છે.
અમારું લક્ષ્ય વર્તમાન સરકારને હટાવવાનું : સંજય રાઉત
સંજય રાઉતે (Sanjay Raut) આજે (5 સપ્ટેમ્બર) કહ્યું કે, ‘મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે એમવીએના મુખ્યમંત્રી પદના ચહેરા અંગે ચૂંટણી બાદ પણ વાતચીત થઈ શકે છે. હાલ અમારું લક્ષ્ય રાજ્યમાંથી ભ્રષ્ટ વર્તમાન સરકારને હટાવવાનું છે.’
આ પહેલા શરદ પવારે (Sharad Pawar) ગઈકાલે (4 નવેમ્બર) કહ્યું હતું કે, હાલ એમવીએને મુખ્યમંત્રી પદ માટે ચહેરો જાહેર કરવાની કોઈ જરૂર નથી. આ અંગેનો નિર્ણય ચૂંટણી પરિણામો બાદ સંખ્યાબળના આધારે લઈ શકાય છે.
‘પવાર સાહેબ 100 ટકા સત્ય કહી રહ્યા છે’
ગઈકાલે પવારે આપેલા નિવેદન બાદ આજે સંજય રાઉતે કહ્યું કે, ‘પવાર સાહેબ 100 ટકા સત્ય કહી રહ્યા છે. આ (મહાયુતિ) ત્રણ પક્ષોની સરકાર છે અને મહારાષ્ટ્રમાં એમવીએને જ બહુમતી મળી રહી છે. અમારું પ્રથમ કામ વર્તમાન સરકારને હટાવવાનું છે. અમે પછી કોઈપણ સમયે મુખ્યમંત્રી પદ અંગે વાત કરી શકીએ છીએ.’
MVAના સાથી પક્ષો વચ્ચે કોઈપણ મતભેદ નથી : આદિત્ય ઠાકરે
રાઉતના નિવેદન બાદ એવું લાગી રહ્યું છે કે, તેમની પાર્ટીએ મુખ્યમંત્રી પદના દાવા પરથી પાછીપાની કરી છે. આ ઉપરાંત શિવસેના નેતા આદિત્ય ઠાકરે (Aaditya Thackeray)એ બુધવારે કહ્યું હતું કે, એમવીએના સાથી પક્ષો વચ્ચે મુખ્યમંત્રી પદ અંગે કોઈપણ મતભેદ નથી. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં નવેમ્બરમાં મતદાન થવાનું છે.
કોંગ્રેસ-પવાર જૂથે ઉદ્ધવ ઠાકરના નિવેદનને કોઈ મહત્ત્વ ન આપ્યું
તે વખતે ઉદ્ધવ ઠાકરે દાવો કરતા તો કરી ગયા, પરંતુ ત્યારબાદ કોંગ્રેસ (Congress) અને શરદ પવાર જૂથે તેમના નિવેદનને કોઈ મહત્ત્વ આપ્યું ન હતું. એટલું જ નહીં શરદ પવારે કહ્યું હતું કે, અમે મુખ્યમંત્રી પદના ચહેરા વગર ચૂંટણી મેદાનમાં ઉતરીશું અને અમારો ટાર્ગેટ એનડીએને સત્તા પરથી બહાર કરવાનો છે.
ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું હતું?
આ પહેલા શિવસેના યુબીટી (Shiv Sena UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) છેલ્લા એક મહિનાથી કહી રહ્યા હતા કે, મહાવિકાસ અઘાડી તરફથી મુખ્યમંત્રી પદનો ચહેરો ચૂંટણી પહેલા નક્કી કરી લેવો જોઈએ. તેમણે કહ્યું હતું કે, ગઠબંધનમાં સૌથી વધુ બેઠકો કયા પક્ષને મળી, તે આધારે મુખ્યમંત્રીનો ચહેરો નક્કી ન કરવો જોઈએ. તેમનો સ્પષ્ટ ઈશારો હતો કે, મુખ્યમંત્રી પદ પર ઉદ્ધવ સેનાનો દાવો છે અને આ માટે તેમના નેતાને ચહેરો બનાવવામાં આવે.