કોંગ્રેસ- ઠાકરે સેના વચ્ચે બબાલ! સીટ વહેંચણી થાય તે પહેલાં ઉદ્ધવે ઉમેદવારનું નામ જાહેર કર્યું
Maharashtra Assembly Election: વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થતાં જ મહારાષ્ટ્રના રાજકારણમાં ચહલપહલ વધી છે. વિપક્ષ ગઠબંધન મહાવિકાસ અઘાડીના બે પ્રમુખ પક્ષ કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના (યુબીટી) વચ્ચે બેઠક ફાળવણી મુદ્દે વિવાદ સર્જાયો છે. MVA એ અત્યારસુધી કોઈ બેઠક ફાળવણીની ફોર્મ્યુલા જાહેર કરી નથી, પરંતુ બંને પક્ષ વચ્ચે મુંબઈની બાંદ્રા (પૂર્વ) બેઠક મુદ્દે વિવાદ થયો હોવાનું મીડિયા સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.
ઉદ્ધવની સેનાએ કરી જાહેરાત
ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ મુંબઈની બાંદ્રા (પૂર્વ) બેઠક માટે ઉમેદવારનું નામ જાહેર કરી દીધુ છે. વરૂણ સરદેસાઈ બાંદ્રા (પૂર્વ) વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. વરૂણ સરદેસાઈ આદિત્ય ઠાકરેના પિતરાઈ ભાઈ છે. વરૂણ સરદેસાઈએ છેલ્લા 14 વર્ષથી યુવા સેનામાં કામ કરે છે. અને આદિત્ય ઠાકરેના અંગત વ્યક્તિઓમાંના એક છે.
આ પણ વાંચોઃ શેરબજારમાં સળંગ પાંચમા દિવસે પણ કડાકો, રોકાણકારોની 7 લાખ કરોડ મૂડી ધોવાઈ
કોંગ્રેસના નેતાઓ નારાજ
શિવસેના ઠાકરે દ્વારા વરૂણ સરદેસાઈનું નામ જાહેર કર્યા બાદ હવે કોંગ્રેસના અનેક નેતા નારાજ થઈ ગયા છે. 2019ના વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પર કોંગ્રેસને સફળતા મળી હતી. 2019માં કોંગ્રેસના જીશાન સિદ્દિકી જીત્યા હતા. જે હાલ ધારાસભ્ય છે. ઠાકરે સેનાની દલીલ છે કે, શિવસેના યુબીટીએ પોતાના ગઢ ચાંદીવલીની બેઠક કોંગ્રેસ માટે છોડી છે, આથી તેઓ કોંગ્રેસના ગઢ બાંદ્રા (પૂર્વ) બેઠક પર વરૂણ સરદેસાઈને ચૂંંટણી લડાવવા માગે છે. આ વિસ્તાર મુસ્લિમ બહુમત વિસ્તાર હોવાથી કોંગ્રેસના અનેક નેતાઓ ઠાકરે સેનાની એકતરફી જાહેરાતથી નારાજ થયા છે.