મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી, જાણો લોકો કોને CM તરીકે જોવા માંગે છે, કયા ગઠબંધનને છે ટેકો?
Maharashtra Assembly Election 2024 Survey : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા કરાયેલા સરવેએ શિવસેનાના વડા અને રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે તેમજ નાયબ મુખ્યમંત્રી અજિત પવારની ચિંતા વધારી દીધી છે. સરવેમાં સામેલ 48 ટકા લોકોએ મુખ્યમંત્રી તરીકે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની પસંદગી કરી છે. એક મીડિયા ગ્રૂપ દ્વારા કરાયેલા સરવે દરમિયાન જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે, મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી કોણ બનશે, તો લોકોએ ગડકરીને પસંદ કર્યા હતા.
18.8 ટકા લોકોની પસંદગી ફડણવીસ
સરવે દરમિયાન જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે, તમે ભાજપ તરફથી કોને મુખ્યમંત્રી બનાવવા ઈચ્છો છો, તો 47.7 ટકા લોકોએ નીતિન ગડકરી (Nitin Gadkari)નું નામ આપ્યું હતું. જ્યારે 18.8 ટકા લોકો નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)ને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે. જ્યારે રાજ્યના 6.3 ટકા લોકો વિનોદ તાવડે (Vinod Tawde)ને, પાંચ ટકા લોકો પંકજા મુંડે (Pankaja Munde)ને અને 2.8 ટકા લોકો સુધીર મુનગંટીવાર (Sudhir Mungantiwar)ને પસંદ કર્યા છે.
માત્ર 14.5 ટકા લોકોની પસંદગી એકનાથ શિંદે
આ ઉપરાંત તમામ પક્ષોની વાત કરીએ તો 22.4 ટકા લોકો શિવસેના યુબીટીના વડા ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) અને 22.4 લોકો દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે. આ સરવેની સૌથી ચોંકાવનારી વાત મુખ્યમંત્રી શિંદે (Eknath Shinde) અને અજિત પવાર (Ajit Pawar)ને લઈને છે. સરવેમાં શિંદેને માત્ર 14.5 ટકા લોકોએ જ્યારે અજિત પવારને માત્ર 5.3 લોકોએ પસંદ કર્યા છે. 6.8 ટકા લોકો સુપ્રિયા સુલે (Supriya Sule)ને અને 4.7 ટકા લોકો નાના પટોલે (Nana Patole)ને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે.
લોકોની પહેલી પસંદ ‘મહા વિકાસ આઘાડી’
બીજી તરફ જ્યારે લોકોને એમ પૂછવામાં આવ્યું કે, તમે કયા ગઠબંધનને વધુ પસંદ કરો છો? તો 48.7 ટકા લોકોએ મહા વિકાસ આઘાડી (MVA)ને અને 33.1 ટકા લોકોએ મહાયુતિ ગઠબંધન (MahaYuti Alliance)ને સમર્થન આપ્યું હતું. જ્યારે 4.1 ટકા લોકોએ કોઈપણ પક્ષને પસંદ કર્યા ન હતા. આ ઉપરાંત લોકોને પૂછાયું કે, એમવીએમાં જવાથી કયા પક્ષને સૌથી વધુ ફાયદો થયો છે? તો 37.1 ટકા લોકોએ કોંગ્રેસ (Congress)નું નામ આપ્યું હતું, 30.8 ટકા લોકોએ કહ્યું કે બંને ગઠબંધનને એકસરખો ફાયદો થયો છે. જ્યારે 18.5 ટકા લોકોએ કહ્યું કે, શરદ પવાર (Sharad Pawar)ની પાર્ટી NCPને ફાયદો થયો છે. સૌથી ઓછો 13.6 ટકા ફાયદો ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુબીટી (Shiv Sena UBT)ને થયો છે.