'નહીં તો તૂટી જશે ગઠબંધન...' કોંગ્રેસના નિર્ણયથી ભડકેલા સંજય રાઉતની ચેતવણી
Sanjay Raut Warn Congress : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Maharashtra Assembly Election 2024)ને હવે માત્ર થોડા દિવસો બાકી છે, ત્યારે મહા વિકાસ અઘાડી (MVA)ના સાથી પક્ષો કોંગ્રેસ, શિવસેના યુબીટી અને શરદ પવારની એનસીપી વચ્ચે બેઠક વહેંચણી (MVA Seat Sharing) મુદ્દે ભારે ઘમાસાણ જોવા મળી રહ્યું છે. કોંગ્રેસે સીટ શેરિંગની ફોર્મ્યુલાની ઉપરવટ જઈને ઉમેદવારોના નામ જાહેર કરતાં બંને સાથી પક્ષો નારાજ થયા છે. તો બીજીતરફ શિવસેના યુબીટી (Sena UBT)ના નેતા સંજય રાઉતે (Sanjay Raut) કોંગ્રેસને ચેતવણી આપતા મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં મોટી ઉથલપાથલ થવાના એંધાણ જોવા મળી રહ્યા છે.
‘...તો મહાવિકાસ અઘાડી પર આવશે સંકટ’
રાઉતે કોંગ્રેસને ચેતવણી આપી છે કે, ‘અમે સોલાપુર દક્ષિણ વિધાનસભા બેઠક પર પહેલેથી જ ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે, તેથી કોંગ્રેસ (Congress) આ બેઠક પર ઉમેદવાર ન ઉતારે.’ તેમણે આકરા શબ્દોમાં કહ્યું છે કે, જો આવા પ્રકારની હરકતો કરતાં રહેશે તો અમારા તરફથી પણ આવી જ પ્રતિક્રિયા મળશે અને આ કારણે મહા વિકાસ અઘાડી (MVA)માં સંકટ ઉભી થઈ શકે છે.
‘...તો અમે પણ ભૂલ કરીશું’
તેમણે વધુમાં કહ્યું કે, ‘કોંગ્રેસે નવી યાદીમાં સોલાપુર દક્ષિણ વિધાનસભા બેઠક પરથી દિલીપ માનેને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જોકે અમે પહેલેથી જ આ બેઠક પરથી અમારા ઉમેદાર અમર પાટિલનું નામ જાહેર કર્યું છે. હું આ બાબતને કોંગ્રેસની ટાઈપિંગ ભૂલ માનું છું અને અમારાથી પણ આવી ભૂલ થઈ શકે છે.’
‘..તો અમે રાજ્યભરમાં ઉમેદવારો ઉતારીશું’
તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘મેં સાંભળ્યું છે કે, સ્થાનિક કોંગ્રેસ નેતાને મિરાજ બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા છે, જોકે આ બેઠક સીટ શેરિંગની ફોર્મ્યૂલા મુજબ અમારા હિસ્સામાં છે. જો સાથી પક્ષો વિરુદ્ધ ઉમેદવાર ઉતારવાનું સંક્રમણ આખા રાજ્યમાં ફેલાશે, તો ગઠબંધનમાં સંકટ ઉભું થશે.
આ પણ વાંચો : રાહુલ ગાંધીના ગુસ્સા બાદ MVAમાં ખળભળાટ: પવાર-ઠાકરે ટેન્શનમાં, કોંગ્રેસ નેતાઓ ખુશ
શિવસેનાની વધુ એક બેઠકની માંગ
કોંગ્રેસ, શિવસેના યુબીટી અને શરદ પવારની NCP એમવીએ ગઠબંધનના સાથી પક્ષો છે. મુંબઈમાં વધુ બેઠકો પર ચૂંટણી લડવાની કોંગ્રેસની ઈચ્છા વિશે પૂછવામાં આવતા રાઉતે કહ્યું કે, પાર્ટી મુંબઈમાં વધુ એક બેઠક માંગી રહી છે. પરંપરાગત રીતે શિવસેના મુંબઈમાં વધુ બેઠકો પર ચૂંટણી લડતી રહી છે. જેમ વિદર્ભમાં કોંગ્રેસની જરૂર છે તેમ મુંબઈમાં શિવસેના યુબીટીની જરૂર છે. બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે (Nana Patole)એ કહ્યું કે, પાર્ટી હાઈકમાન્ડે સોલાપુર દક્ષિણ બેઠક પરથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે, તેથી અમે આ અંગે કોઈપણ ટિપ્પણી કરી શકતા નથી.