'પૈડા-બ્રેક વગરની ગાડી એટલે મહાવિકાસ અઘાડી...' મહારાષ્ટ્રની ચૂંટણી માટે PM મોદીનો આક્રમક પ્રચાર
Image Source: Twitter
Maharashtra Election: મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી વડાપ્રધાન મોદીએ પણ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. પીએમ મોદીએ આજે મહારાષ્ટ્રના ધૂલેમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ પહેલા તો સભામાં આવેલી જનતાનો આભાર માન્યો અને ત્યારબાદ મહાવિકાસ અઘાડી પર આકરા પ્રહાર કર્યા. પીએમ મોદીએ રેલીમાં કહ્યું કે, 'મહારાષ્ટ્ર પાસેથી મેં જ્યારે પણ કંઈ માગ્યું છે, ત્યારે મહારાષ્ટ્રના લોકોએ દિલ ખોલીને મને આશીર્વાદ આપ્યા છે. '
2014ની વિધાનસભા ચૂંટણીમાં આવ્યો હતો- PM મોદી
પીએમ મોદીએ જનસભામાં કહ્યું કે, '2014ની વિધાનસભા ચૂંટણીમાં હું તમારી વચ્ચે આવ્યો હતો. મેં તમારી પાસે મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર માટે આગ્રહ કર્યો હતો. તમે મહારાષ્ટ્રમાં 15 વર્ષના લાંબા રાજકીય ચક્રને તોડીને ભાજપને અભૂતપૂર્વ જીત અપાવી. આજે હું ફરી એકવાર અહીં ધૂલેની ધરતી પર આવ્યો છું. હું ધૂલેથી જ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરી રહ્યો છું. '
MVAમાં ડ્રાઈવર સીટ માટે ઝઘડો- PM મોદી
પીએમ મોદીએ કહ્યું કે, 'કેટલાક લોકોની રાજનીતિનો આધાર માત્ર લૂંટ છે. મહાવિકાસ આઘાડીની ગાડીમાં માત્ર ડ્રાઈવર સીટ માટે જ ઝઘડો છે. તેમની કારમાં ન તો પૈડુ છે કે ન તો બ્રેક છે. તે સત્તામાં આવીને વિકાસ ઠપ કરી દે છે. અમારી યોજનાઓને MVA સહન નથી કરી શકતી. પીએમ મોદીએ કહ્યું કે અમે જનતાની સેવા કરવા માટે રાજકારણમાં છીએ. આગામી 5 વર્ષ મહારાષ્ટ્રની પ્રગતિને નવી ઊંચાઈ પર લઈ જઈશું. મહારાષ્ટ્રને જે સુશાસનની જરૂર છે તે માત્ર મહાયુતિ સરકાર જ આપી શકે છે.'
મહાયુતિનું વચનનામું શાનદાર- PM મોદી
પીએમ મોદીએ રેલીમાં આવેલા લોકોને કહ્યું કે, 'અમને બધાને, ભાજપને, મહાયુતિને, મહાયુતિના દરેક ઉમેદવારને તમારા આશીર્વાદની જરૂર છે. હું તમને વિશ્વાસ અપાવું છું કે છેલ્લા 2.5 વર્ષમાં મહારાષ્ટ્રના વિકાસને જે ગતિ મળી છે તેને રોકીશું નહીં. મહાયુતિનું વચનનામું શાનદાર છે, મહાયુતિના સંકલ્પો પર ચર્ચા થઈ રહી છે.'
આ પણ વાંચો: 'રશિયાથી ઓઈલ ખરીદી ભારતે દુનિયા પર ઉપકાર કર્યો...', મોદી સરકારના મંત્રી આવું કેમ બોલ્યા?
MVAના લોકો મહિલાઓને અપશબ્દો કહે છે
પીએમ મોદીએ રેલીમાં કહ્યું કે મહાવિકાસ અઘાડીના લોકો મહિલાઓને અપશબ્દો કહે છે. મહારાષ્ટ્રની જનતા તેમને માફ ન કરે. તેઓ મહિલાઓને સશક્ત નથી થવા દેવા માગતા. પીએમ મોદીએ આરોપ લગાવ્યો કે MVAના લોકો મહિલાઓને નીચી દેખાડે છે. તેઓ લાડલી બેહના યોજના બંધ કરી દેશે. કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ નક્કી કર્યું છે કે જો તેમને સત્તા મળશે તો તેઓ આ યોજનાને સૌથી પહેલા બંધ કરશે. આથી મહારાષ્ટ્રની દરેક મહિલાએ આ અઘાડી લોકોથી સાવધ રહેવું પડશે. તેઓ ક્યારેય નારી શક્તિને સશક્ત નથી જઈ શકતા. પીએમ મોદીએ ધુલેમાં જાહેર સભામાં કહ્યું કે વિકસિત મહારાષ્ટ્ર અને વિકસિત ભારત માટે આપણી બહેનો અને દીકરીઓનું જીવન સરળ બનાવવું અને તેમને સશક્ત બનાવવું ખૂબ જ જરૂરી છે. જ્યારે મહિલાઓ આગળ વધે છે ત્યારે આખો સમાજ ઝડપથી પ્રગતિ કરે છે. તેથી છેલ્લા 10 વર્ષમાં કેન્દ્ર સરકારે મહિલાઓને કેન્દ્રમાં રાખીને મોટા નિર્ણયો લીધા છે.
પીએમ મોદીએ કહ્યું કે, 'આખું મહારાષ્ટ્ર જોઈ રહ્યું છે કે, કોંગ્રેસ અને અઘાડીના લોકો હવે કેવી રીતે મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરવા પર ઉતરી આવ્યા છે. અભદ્ર ભાષા, કેવી-કેવી કોમેન્ટ, મહિલાઓને અપમાનિત કરવાના પ્રયાસો કરી રહ્યા છે. આઘાડી લોકોના આ કૃત્યને મહારાષ્ટ્રની કોઈ માતા અને બહેન ક્યારેય માફ નહીં કરી શકે.'
તમારા આશીર્વાદથી મહાયુતિની સરકાર બની
પીએમ મોદીએ કહ્યું કે, 'તમે મહા અઘાડીના લોકોના ધોખાથી બનેલી સરકારના 2.5 વર્ષ જોયા છે. આ લોકોએ પહેલા સરકારને લૂંટી અને પછી મહારાષ્ટ્રની જનતાને પણ લૂંટવાનું શરૂ કરી દીધું હતું. આ લોકોએ મેટ્રો પ્રોજેક્ટ ઠપ કરી દીધો. આઘાડી લોકોએ મહારાષ્ટ્રના લોકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાની દરેક યોજના પર રોક લગાવી દીધી. પછી તમારા આશીર્વાદથી અહીં મહાયુતિની સરકાર બની. મહાયુતિ સરકારે 2.5 વર્ષમાં મહારાષ્ટ્રના વિકાસના નવા રેકોર્ડ બનાવ્યા. શિંદેની કમાનમાં 2.5 વર્ષમાં મહારાષ્ટ્રને તેનું ગૌરવ અને વિકાસનો વિશ્વાસ પાછો મળ્યો છે.'
અમે આદિવાસી પરંપરાને ઓળખ આપી રહ્યા છીએ
પીએમ મોદીએ આદિવાસીઓના હિતની પણ વાત કરી. પીએમએ કહ્યું કે, 'આદિવાસી વારસાને ન્યાય મળે અને આદિવાસી યુવાનો માટે વધુ સારા ભવિષ્યના કામમાં દાયકાઓ લાગી ગયા. અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ભાજપની સરકાર આવી ત્યારે અલગ આદિવાસી મંત્રાલયની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રથમ વખત આદિવાસીઓના હિત અને સમાજની અપેક્ષાઓને મહત્વ મળ્યું. અમારી સરકારે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ પર 'આદિવાસી ગૌરવ દિવસ'ની શરૂઆત કરી. તેનો હેતુ આદિવાસી પરંપરાને ઓળખ આપવાનો છે. આ વખતે 15મી નવેમ્બરથી આવતા 1 વર્ષ સુધી આપણે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ ઉજવીશું.'
કોંગ્રેસ એક જાતિને બીજી જાતિ સાથે લડાવી રહ્યું
પીએમ મોદીએ આરોપ લગાવ્યો કે, 'કોંગ્રેસ દ્વારા એક જાતિને બીજી જાતિ સાથે લડાવવાનો ખતરનાક ખેલ ખેલવામાં આવી રહ્યો છે. અને આ ખેલ એટલા માટે ખેલાઆ રહ્યો છે કારણ કે કોંગ્રેસ ક્યારેય દલિતો, પછાત વર્ગો અને આદિવાસીઓને આગળ વધતા નથી જોઈ શકતી. આ જ કોંગ્રેસનો ઈતિહાસ છે. ભાજપે હંમેશા 'સબકા સાથ-સબકા વિકાસ'ના ઈરાદા સાથે કામ કર્યું છે. આ સંકલ્પનો પ્રમુખ હિસ્સો આપણો આદિવાસી સમાજ પણ છે. આ એ સમાજ છે જેમનો દેશની આઝાદી અને વિકાસમાં મહત્વનું યોગદાન રહ્યું છે. પરંતુ કોંગ્રેસ અને તેના સાથીઓએ ક્યારેય આદિવાસી ગૌરવ અને આદિવાસી સ્વાભિમાન પર ધ્યાન નથી આપ્યું.'
કોંગ્રેસે બાબા સાહેબ આંબેડકરનો વિરોધ કર્યો
પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, 'આઝાદીના સમયે કોંગ્રેસના સમયમાં બાબા સાહેબ આંબેડકરે શોષિત અને વંચિતોને અનામત મળે તે માટે ખૂબ પ્રયાસ કર્યા હતા. પરંતુ નેહરુજી અડગ હતા કે, દલિતો, પછાત વર્ગો અને આદિવાસીઓને કોઈપણ કિંમતે અનામત આપવામાં નહીં આવશે. બહુ મુશ્કેલીથી બાબા સાહેબ દલિતો અને પછાત વર્ગો માટે અનામતની જોગવાઈ કરી શક્યા. નેહરુજી બાદ ઈન્દિરાજી આવ્યા અને તેમણે પણ અનામત સામે આ જ વલણ ચાલુ રાખ્યું. તેમનો પણ એ જ ઉદ્દેશ્ય હતો કે SC, ST, OBCને કોઈપણ કિંમતે પ્રતિનિધિત્વ ન મળવું જોઈએ.'