રાહુલ ગાંધીના ગુસ્સા બાદ MVAમાં ખળભળાટ: પવાર-ઠાકરે ટેન્શનમાં, કોંગ્રેસ નેતાઓ ખુશ
Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને હવે માત્ર થોડા દિવસોની વાર છે, ત્યારે મહા વિકાસ અઘાડી(MVA)ના સાથી પક્ષો કોંગ્રેસ, શિવસેના યુબીટી અને શરદ પવારની એનસીપી વચ્ચે બેઠક વહેંચણી મુદ્દે ભારે ઘમાસાણ જોવા મળી રહ્યું છે. શીટ શેરિંગ મામલે કોંગ્રેસ ચૂંટણી સમિતિ(CEC)ની બેઠક પણ યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુસ્સામાં જોવા મળ્યા છે.
બેઠક વહેંચણી મુદ્દે રાહુલ ગાંધી નારાજ
આ પહેલા એમવીએના ત્રણેય પક્ષો વચ્ચે 85-85-85વાળો ફોર્મ્યુલાનો નિર્ણય કરાયો હતો, જો કે કોંગ્રેસે 85ના બદેલ 99 બેઠકો પર ઉમેદવારો ઉતારતા શિવસેના યુબીટી (Shiv Sena UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) અને NCPના વડા શરદ પવાર (Sharad Pawar)ની ચિંતા વધારી દીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ એકતરફ ચૂંટણી નજીક આવી ગઈ છે અને બીજીતરફ એમવીએના નેતાઓ હજુ સુધી બેઠક વહેંચણી અંગે પોતાનું વલણ સ્પષ્ટ ન કરી શકતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) નારાજ થયા છે અને તેઓ કોંગ્રેસ ચૂંટણી સમિતિની બેઠક અધવચ્ચે જ છોડીને જતા રહ્યા છે.
ત્રણે પક્ષો વચ્ચે 85નો ફોર્મ્યુલા તૂટ્યો
મળતા અહેવાલો મુજબ મહાવિકાસ અઘાડીના સાથી પક્ષો વચ્ચે અત્યાર સુધી 85-85-85 બેઠકો વહેંચણીનો નિર્ણય કરાયો હતો, જોકે કોંગ્રેસે ફોર્મ્યુલાથી ઉપરવટ જઈ 99 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધી છે, જ્યારે શિવસેના યુબીટીએ 87 બેઠકો પર અને શરદ પવારની એનસીપીએ 76 બેઠકો પર પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે.
રાહુલ ગાંધી ગુસ્સે થતા ખળભળાટ
રાહુલ ગાંધી નારાજ થતા કોંગ્રેસ સહિત એમવીએમાં પણ ખળભળાટ મચ્યો છે. એમવીએમાં બેઠક વહેંચણીનો ફોર્મ્યૂલા સતત બદલાઈ રહ્યો છે. કોંગ્રેસે 85-85 ફોર્મ્યુલામાંથી ઉપર જઈ 99 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે, જેના કારણે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેની પાર્ટી પણ ટેન્શનમાં આવી ગઈ છે. કોંગ્રેસની આ ગેમથી બંને પક્ષોની મૂંઝવણ વધી ગઈ છે.
અગાઉ કેટલી બેઠકો પર સહમતિ થઈ હતી ?
વાસ્તવમાં એમવીએના ત્રણેય પક્ષોએ 85–85-85 બેઠકો પર ઉમેદવારો ઉતારવાનો નિર્ણય કર્યો હતો, જોકે પછી 95 બેઠકો પર સહમતિ થઈ હતી. અત્યાર સુધીમાં કોંગ્રેસે 95 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે, જ્યારે એનસીપી 76 અને શિવસેનાએ 87 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. એવું કહેવાય છે કે, કેટલીક બેઠકો પર હજુ પણ પેચ ફસાયો છે.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં કુલ 288 વિધાનસભા બેઠકો છે. રાજ્યમાં હાલ એકનાથ શિંદેવાળી મહાયુતિ સરકારમાં છે. રાજ્યમાં એક જ તબક્કામાં 20 નવેમ્બરે મતદાન યોજાશે, જ્યારે 23 નવેમ્બરે પરિણામ જાહેર કરાશે.