મહારાષ્ટ્ર ચૂંટણી: મહાયુતિમાં બેઠક વહેંચણીનું કામ સફળતાપૂર્વક પૂર્ણ, જાણો કોને કેટલી બેઠકો મળી
Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. આજે (29 ઓક્ટોબર) ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. બેઠક વહેંચણીના મુદ્દાની વાત કરતીએ તો ભાજપ, મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેના અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારની એનસીપીએ સમજદારી દાખવી સફળતાપૂર્વક આ મુદ્દો પાર પાડી દીધો છે. ત્રણેય પક્ષોમાંથી ભાજપને સૌથી વધુ બેઠકો મળી છે, ત્યારબાદ શિવસેનાને સૌથી વધુ બેઠકો મળી છે. મહાયુતિના બંને પક્ષોએ લોકસભામાં નબળું પ્રદર્શન કરનાર એનસીપી પર મોટો વિશ્વાસ રાખ્યો છે અને તેને પણ સારી એવી બેઠકો આપવામાં આવી છે.
મહાયુતિમાં કયા પક્ષને કેટલી બેઠકો અપાઈ
મહારાષ્ટ્રમાં ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ રાજ્યમાં સૌથી મોટો મુદ્દે બેઠક વહેંચણીનો ચગ્યો હતો, જોકે મહાયુતિના સાથી પક્ષો આ મુદ્દો શાંતિપૂર્ણ ઉકેલવામાં સફળ થયા છે. બેઠક વહેંચણીના ફોર્મ્યુલા મુજબ રાજ્યની કુલ 288 બેઠકોમાંથી ભાજપને 148, શિવસેનાને 85 અને એનસીપીને 51 બેઠકો પર ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે.
ત્રણે સાથી પક્ષોએ ચાર-ચાર વખત યાદી જાહેર કરી
ભાજપે પહેલા 99, પછી 22, ત્યારબાદ 25 અને અંતે બે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા, જ્યારે શિવસેનાએ પહેલા 45, પછી 20, ત્યારબાદ 13 અને અંતે સાત ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. આ ઉપરાંત સાથી પક્ષ એનસીપીએ પહેલા 38, પછી 07, ત્યારબાદ 04 અને અંતે બે ઉમેદવારોને ટિકિટ આપી હતી.
આ પણ વાંચો : 'નહીં તો તૂટી જશે ગઠબંધન...' કોંગ્રેસના નિર્ણયથી ભડકેલા સંજય રાઉતની ચેતવણી
રાજ્યમાં 20 નવેમ્બરે મતદાન, 23મીએ પરિણામ
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં કુલ 288 વિધાનસભા બેઠકો છે. રાજ્યમાં હાલ એકનાથ શિંદેવાળી મહાયુતિ સરકારમાં છે. રાજ્યમાં મુખ્ય બે ગઠબંધન વચ્ચે સીધી સ્પર્ધા છે. એક મહાયુતિનું ગઠબંધન છે, જેમાં ભાજપ, મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેના અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારની એનસીપી સામેલ છે. જ્યારે વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડીમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુબીટી, શરદ પવારની એનસીપી અને કોંગ્રેસ સાથી પક્ષો છે. રાજ્યમાં એક જ તબક્કામાં 20 નવેમ્બરે મતદાન યોજાશે, જ્યારે 23 નવેમ્બરે પરિણામ જાહેર કરાશે.