મહિલાઓને દર મહિને રૂ. 3000, સસ્તુ સિલિન્ડર... મહારાષ્ટ્રની ચૂંટણી માટે MVAનો ચૂંટણી ઢંઢેરો
Congress Maharashtra Election Manifesto: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં રાજકીય દળોએ વચનોનો પટારો ખોલવાનું શરૂ કરી દીધું છે. રવિવારે પહેલાં ભાજપે પોતાનું સંકલ્પ પત્ર રજૂ કર્યું અને થોડા કલાકો બાદ મહાવિકાસ અઘાડીએ પોતાનો ચૂંટણી ઢંઢેરો પણ રજૂ કરી દીધો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે તરફથી રજૂ કરવામાં આવેલા ચૂંટણી ઢંઢેરામાં ઘણાં વચન આપવામાં આવ્યા છે. જેમાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવું અને મહિલાઓને દર મહિને 3 હજાર રૂપિયાનું ભથ્થું સામેલ છે. સાથે જ સત્તામાં આવતા જ જાતિ જનગણના કરાવવાનો વાયદો પણ કરવામાં આવ્યો છે. મહા વિકાસ અઘાડીના ચૂંટણી ઢંઢેરાને 'મહારાષ્ટ્રનામા' નામ આપવામાં આવ્યું છે. આ અવસર પર શિવસેના (યુબીટી) નેતા સંજય રાઉત, NCP-SCP સાંસદ સુપ્રીયા સુલે, કોંગ્રેસ મહાસચિવ કેસી વેણિગોપાલ અને અન્ય નેતા હાજર રહ્યા હતાં.
મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું, 'આજે અમે મહારાષ્ટ્ર ચૂંટણી માટે ઘોષણા પત્ર રજૂ કરી રહ્યા છીએ. મહારાષ્ટ્રમાં ચૂંટણી દેશ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ચૂંટણી છે. આ ચૂંટણી દેશનું ભવિષ્ય બદલનારી ચૂંટણી છે. જો મહારાષ્ટ્રમાં એમવીએની સરકાર લાવીશું તો એક સ્થિર અને સારૂ સુશાસન મેળવી શકીશું. મહારાષ્ટ્રની પ્રગતિ અને વિકાસના 5 સ્તંભ છે. જે ખેતી અને ગ્રામીણ વિકાસ, ઉદ્યોગ અને રોજગાર, શહેરી વિકાસ, પર્યાવરણ અને જન કલ્યાણ પર આધારિત છે.'
અમે જાતિ જનગણનાનો નિર્ણય કર્યો છે
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કહ્યું, 'નોકરી ઈચ્છતા યુવાનોને 4 હજાર રૂપિયા માસિક સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. 25 લાખ રૂપિયાની સ્વાસ્થ્ય વીમા યોજના રાજસ્થાનમાં અશોક ગેહલોત તરફથી શરૂ કરવામાં આવી હતી. તેને મહારાષ્ટ્રમાં પણ લાગુ કરવામાં આવશે. અમે મફત દવા ઉપલબ્ધ કરાવવાનું પણ વચન આપીએ છીએ. અમે જાતિ જનગણનાનો નિર્ણય કર્યો છે. જાતિ જનગણનાનો હેતુ લોકોમાં ભાગલા પાડવાનો નહીં, પરંતુ સમજવાનો છે કે, વિવિધ સમુદાય કઈ સ્થિતમાં છે, જેથી તેઓને લાભ મળી શકે.'
50 ટકા આરક્ષણ સીમા દૂર કરવાની તૈયારી
મહારાષ્ટ્રમાં એમવીએ ગઠબંધન તરફથી પાંચ ગેરંટી આપવામાં આવી છે. આ હેઠળ પહેલી ગેરંટીમાં મહાલક્ષ્મી યોજના દ્વારા મહિલાઓને દર મહિને 3 હજાર રૂપિયા આપવામાં આવશે. સાથે જ, તમામ મહિલાઓને મફત બસ સેવા આપવાનું પણ વચન આપવામાં આવ્યું છે. બીજી ગેરંટી સમાનતા છે. આ હેઠળ, જાતી જનગણનાની જોગવાઈ કરવામાં આવી છે. 50 ટકા આરક્ષણને દૂર કરવાની પણ વાત કરવામાં આવી છે. ત્રીજી ગેરંટીમાં કુટુંબ રક્ષા યોજના સામેલ છે, જે હેઠળ 25 લાખ રૂપિયા સ્વાસ્થ્ય વીમા અને મફત દવા આપવાનું વચન આપવામાં આવ્યું છે. કૃષિ સમૃદ્ધિ યોજના હેઠળ ખેડૂતોનું ત્રણ લાખ સુધીનું દેવું માફ કરવામાં આવશે. સમયસર ચૂકવણી કરવા પર 50 હજાર રૂપિયાની પ્રોત્સાહન રકમ પણ આપવામાં આવશે. આ સિવાય, બેરોજગારોને દર મહિને 4 હજાર રૂપિયા આપવાનું વચન આપવામાં આવ્યું છે.