નવાબ મલિકની અજિત પવારની ટીમમાં એન્ટ્રી, દેવેન્દ્ર ફડણવીસને પડ્યો વાંધો, પત્ર લખી કહ્યું, ‘...તેમને ગઠબંધનમાં સામેલ કરવા યોગ્ય નથી’
જામીન પર બહાર આવેલા નવાબ મલિકની વિધાનસભામાં 2 વર્ષ બાદ એન્ટ્રી, અજિત જૂથના ધારાસભ્યો સાથે કરી મુલાકાત
મલિક મામલે ફડણવીસે વાંધો ઉઠાવી અજિતને પત્ર લખી કહ્યું, ‘સત્તા આવે અને જાય, પણ સત્તાથી મોટો દેશ મહત્વપૂર્ણ’
મુંબઈ, તા.07 નવેમ્બર-2023, ગુરુવાર
મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી નવી ચર્ચાઓએ જોર પકડ્યું છે અને તે ચર્ચા છે નવાબ મલિકની... મની લોન્ડ્રિંગ મામલે 18 મહિના જેલમાં રહેલા મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી નવાબની અજિત પવારની ટીમમાં એન્ટ્રી થતાં ફરી મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. મલિકે પવારની ટીમમાં સામેલ કરાયા હોવાના અહેવાલો આવ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસને વાંધો પડ્યો છે. ફડણવીસે આ મુદ્દાને ગંભીરતાથી લઈને અજિત પવારને પત્ર પણ લખ્યો છે અને મલિક અંગે મોટી વાત કહી છે.
‘સત્તા આવે અને જાય, પણ સત્તાથી મોટો દેશ મહત્વપૂર્ણ’
મની લોન્ડ્રિંગ મામલે 18 મહિના જેલમાં રહેલા મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી નવાબ મલીક (Nawab Malik) અજિત પવાર (Ajit Pawar)ના નેતૃત્વવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) જૂથમાં સામેલ થવાના અહેવાલો છે, જે મામલે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) વાંધો ઉઠાવ્યો છે. તેમણે અજિત પવારને પત્ર લખી કહ્યું કે, નવા મલિકને ગઠબંધનમાં સામેલ કરવા યોગ્ય નથી. ફડણવીસે પત્રમાં લખ્યું કે, નવાબ મલિક પર જે આરોપો છે, તે જોતા તેમને ગઠબંધનમાં સામેલ કરવા યોગ્ય નથી. તેમને તમારી સાથે ગઠબંધનમાં લેવા યોગ્ય નથી, તેવું મારું માનવું છે, સત્તા આવે અને જાય, પણ સત્તાથી મોટો દેશ મહત્વપૂર્ણ છે.
सत्ता येते आणि जाते.
— Devendra Fadnavis (@Dev_Fadnavis) December 7, 2023
पण सत्तेपेक्षा देश महत्वाचा… pic.twitter.com/WDzm3Pjo3f
‘અમારી તેમની સાથે કોઈપણ દુશ્મનાવટ કે ફરિયાદ નથી’
ફડણવીસે કહ્યું કે, નવાબ મલિક આજે વિધાનસભામાં આવ્યા અને કામકાજમાં ભાગ લીધો... વિધાનસભાના સભ્ય હોવાના કારણે તેમને આ અધિકાર છે... હું સ્પષ્ટ જણાવું છું કે, અમારી તેમની સાથે કોઈપણ દુશ્મનાવટ કે ફરિયાદ નથી, પરંતુ તેમના પરના આરોપોને લીધે તેમને ગઠબંધનમાં સામેલ કરવા યોગ્ય નથી. સત્તા આવે છે અને જાય છે, પરંતુ સત્તાથી મહત્વપૂર્ણ દેશ છે. જો તેમના પર લાગેલા આરોપો સાબિત ન થાય તો આપણે તેમનું સ્વાગત કરવું જોઈએ, પરંતુ મારી સ્પષ્ટ સલાહ છે કે, આવા આરોપોના કારણે તેમને મહાગઠબંધનમાં લેવા યોગ્ય નથી. મને આશા છે કે, તમે મારી લાગણીઓ પર ધ્યાન આપશો.
અજિત પવારને મલિકને ફોન, ‘નાગપુરમાં આપનું સ્વાગત છે’
ઉલ્લેખનિય છે કે, નવાબ મલિકે ફેબ્રુઆરી 2022થી ઓગસ્ટ 2023 સુધી જેલમાં હતા અને ત્યારબાદ આરોગ્યના આધારે જામીન પર છે. અગાઉ અજિત પવારે પત્રકારોને જણાવ્યું હતું કે, તેમણે મલિકને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, નાગપુરમાં આપનું સ્વાગત છે. તેમણે એમ પણ કહ્યું કે, એક વરિષ્ઠ નેતા છે, જે આવા કેસો પર પોતાના નિર્ણય લેવામાં સક્ષમ છે.
મલિકે વિધાનસભામાં ઘણા નેતાઓ સાથે મુલાકાત કરી
ગુરુવારે સવારે નવાબ મલિક વિધાનસભા સત્રમાં સામેલ થવા નાગપુર પહોંચ્યા અને તેમણે અજિત પવાર જુથના ઘણા નેતાઓ સાથે વિધાનસભા પરિસરમાં મુલાકાત કરી. આ દરમિયાન તેમણે ઘણા ધારાસભ્યો સાથે મુલાકાત કરી અને તેમને હાથ પણ મિલાવતા નજરે પડ્યા, તેઓ લગભગ 2 વર્ષ બાદ ગૃહમાં આવ્યા છે.