મહારાષ્ટ્રમાં કાકા-ભત્રીજા ફરી એકજૂટ થશે? જાણો મંદિરમાં કોણે કરી 'પ્રાર્થના', ઘણાની આવી જ ઇચ્છા
Sharad-Ajit Pawar Reunion?: મહારાષ્ટ્રના રાજકારણમાં શું 360 ડિગ્રી ફરી જશે? જુલાઈ 2023માં અજિત પવારે એનસીપીના 40 ધારાસભ્યો સાથે પોતાના કાકા શરદ પવારની સામે બળવાનો ઝંડો ઊંચો કરતાં ભાજપ નેતૃત્ત્વવાળી એનડીએ સરકારનો ભાગ બની ગયા હતા. ત્યારબાદ લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં કાકા-ભત્રીજાની વચ્ચે રાજકીય વર્ચસ્વની લડાઈ ચર્ચામાં રહી. હવે દોઢ વર્ષ બાદ શરદ પવાર અને અજિત પવારના એકજૂટ થવાની કામના કરવામાં આવી રહી છે. રાજકીય વાદવિવાદ ભૂલીને કાકા-ભત્રીજાનું હવે સાથે આવવું અઘરું છે, પરંતુ અશક્ય નથી.
અજિત પવારની માતાએ કરી પ્રાર્થના
વર્ષ 2025ના પહેલાં જ દિવસે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારની માતા આશા પવારે મંદિર નગર પંઢરપુરમાં વિઠ્ઠલ-રુક્મિણી મંદિરમાં જઈને દર્શન કર્યા. આ દરમિયાન શરદ પવાર અને અજિત પવારના એકજૂટ થવાની કામના કરી છે. આશા પવારે ખુદ પત્રકારોને કહ્યું કે, અજિત અને તેમના કાકા શરદ પવારનું પુનઃમિલન થવું જોઈએ. અજિત પવારની માતા જ નહીં પરંતુ, એનસીપીના તમામ નેતા ઇચ્છે છે કે, પવાર પરિવાર ફરી એકસાથે આવી જાય. પરંતુ સવાલ હવે એ ઊભો થઈ રહ્યો છે કે, શું કાકા-ભત્રીજા સાથે આવશે?
આ પણ વાંચોઃ શરમ કે ગર્વની વાત: પોલીસના નાક નીચે SMCના દરોડા, 2024માં રૂ. 22.52 કરોડનો દારૂ જપ્ત
અજિત પવારની માતાએ શું કહ્યું?
વિઠ્ઠલ-રુક્મિણી મંદિરમાં દર્શન કર્યા બાદ મીડિયા સાથે વાત કરતાં આશા પવારે કહ્યું કે, અજિત અને શરદ પવાર ફરી એકજૂટ થઈ જાય તેવી પ્રાર્થના કરી છે. અમે તમામ ઇચ્છીએ છીએ કે, પવાર પરિવારના આંતરિક મતભેદ જલ્દી ખતમ થઈ જાય. મને આશા છે કે, પાંડુરંગ મારી પ્રાર્થનાઓનો જવાબ આપશે. શરદ પવાર અને અજત પવારે પોતાના મતભેદ ભૂલીને ફરી સાથે આવવું જોઈએ. આ સિવાય અજિત પવારની પણ તમામ ઇચ્છાઓ પૂરી થાય તેવી કામના કરું છું.
આ નેતાઓ પણ કાકા-ભત્રીજાને સાથે જોવા ઇચ્છે છે
અજિત પવારની માતા એકલા નથી, જે ઇચ્છે છે કે કાકા-ભત્રીજા ફરી સાથે આવી જાય. પરંતુ, એનસીપીના તમામ નેતાઓની પણ આ જ ઇચ્છા છે. અજિત પવાર જૂથના નેતા પ્રફૂલ પટેલ પણ ઇચ્છે છે કે, શરદ પવાર અને અજિત પવાર એક સાથે આવી જાય. પટેલે કહ્યું કે, શરદ પવાર અમારા માટે હંમેશા દેવતા રહ્યા છે, ભલે અમારા રાજકીય રસ્તા અલગ થઈ ગયા હોય, પરંતુ અમે તેમનું ખૂબ જ સન્માન કરીએ છીએ અને કરતાં રહીશું. જો પવાર એકસાથે આવી જાય તો અમને ખુશી થશે અને આ સારી વાત છે. હું પોતે પણ પવાર પરિવારનો સભ્ય છું અને કાકા-ભત્રીજા એક થશે તો મને ખુશી થશે.
આ પણ વાંચોઃ બનાસકાંઠાના વિભાજન બાદ શિહોરીમાં સજ્જડ બંધ, થરાદમાં ઉજવણી, ધારાસભ્યોના વિરોધના સૂર
આ સિવાય એનસીપી ધારાસભ્ય નરહરિ જિરવાલ પણ ઇચ્છે છે કે, શરદ પવાર અને અજિત પવાર એક થઈ જાય. તેઓએ કહ્યું કે, 2023માં શરદ પવારનો સાથ છોડીને જવું અજીબ લાગ્યું, આ હું જ નહીં ઘણાં લોકો અનુભવી રહ્યા છે. હવે હું પણ તેમને મળવા જઉં તો એકસાથે આવવાનો આગ્રહ કરીશ. પવાર સાહેબ સમાજના વિભિન્ન વર્ગોને લઈને સતત કામ કરી રહ્યા છે.
કોણ છે રસ્તાનો કાંટો?
એનસીપી પ્રવક્તા અમોલ મિટકરીએ આ વિશે વાત કરતાં કહ્યું કે, કાકા-ભત્રીજાની જોડી એકસાથે આવી શકે છે, પરંતુ શરદ પવારના સહયોગી ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડ અને શરદ પવારના પૌત્ર રોહિત પવાર જેવા અમુક એનસીપી(એસપી)ના નેતા અડચણ ઊભી કરી શકે છે. આ લોકો ક્યારેય નહીં ઇચ્છે કે, બંને સાથે આવી જાય. પરંતુ, આશા તાઈની પ્રાર્થના એનસીપીના બંને સમૂહોના દરેક કાર્યકર્તાની પ્રાર્થના છે. અમને બધાને લાગે છે કે, અમારે સાથે આવવું જોઈએ.
વળી, શરદ પવાર જૂથના જિતેન્દ્ર આવ્હાડે કહ્યું કે, આ વિશે કોઈપણ નિર્ણય લેવો મારા વિશેષાધિકારમાં નથી. શરદ પવારે પોતે આ વિષય પર નિર્ણય લેવાનો રહેશે. જો આશા પવાર કહી રહ્યા છે કે, પવાર પરિવારે એકસાથે આવવું જોઈએ તો હું શું કહી શકું? આ તેમનો પારિવારિક મામલો છે. તેઓએ નિર્ણય લેવો પડશે, મને લાગે છે કે તેનાથી કોઈ ફરક નથી પડતો. એનસીપી સહયોગી ભાજપનું પણ કહેવું છે કે, તેમને કોઈ સમસ્યા નથી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ પણ કહ્યું કે, જો બંને પવાર એકસાથે આવી રહ્યા છે, તો ભાજપને વાંધો ઉઠાવવાનું કોઈ કારણ નથી.