VIDEO: '..તો ભવિષ્યમાં દ્રૌપદી જેવી સ્થિતિ સર્જાશે', દીકરીઓના ઘટતાં જન્મદર પર અજિત પવારનો બફાટ
Ajit Pawar Controversy Comment : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે આજે પુણે જિલ્લાના ઈંદાપુરમાં તબીબોની એક સભા સંબોધી હતી, જેમાં તેમણે કન્યા ભ્રૂણ હત્યા (Feticide) મુદ્દે વાંધાજનક ટિપ્પણી કરી છે. તેમણે લિંગ ગુણોત્તર (પુરુષ-મહિલાઓની સંખ્યા)નો ઉલ્લેખ કરી કહ્યું કે, ‘જો આવી સ્થિતિ રહેશે તો ભવિષ્યમાં દ્રૌપદી જેવી સ્થિતિ સર્જાશે.’
પવારે લિંગ ગુણોત્તરની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી
પવારે લિંગ ગુણોત્તર (Gender Ratio)ની સ્થિતિનો ઉલ્લેખ કરી છોકરીઓના જન્મદરમાં ઘટાડો અને છોકરાઓના જન્મદરમાં વધારો થવા મામલે સભામાં કહ્યું કે, ‘કન્યા ભ્રૂણના કારણે કેટલાક રાજ્યોમાં લિંગ ગુણોત્તર એટલો બધો ખરાબ થઈ ગયો છે કે, ભવિષ્યમાં દ્રૌપદી વિશે વિચારવું પડી શકે છે.’ વાસ્તવમાં મહાભારતમાં વર્ણનમાં દ્રૌપદીના પાંચ પાંડવો હતા. અજિત પવારે તેનો ઉલ્લેખ કરી આ ટિપ્પણી કરી છે.
પવારે સ્ત્રીરોગ નિષ્ણાંતોની ફરિયાદોનો ઉલ્લેખ કર્યો
પવારે કેટલાક સ્ત્રીરોગ નિષ્ણાંતોની ફરિયાદોનો ઉલ્લેખ કરી કહ્યું કે, તેઓને ડિલિવરી પહેલાના પરીક્ષણમાં લિંગ નિર્ધારણને રોકવાના નામે આરોગ્ય વિભાગ તરફથી હેરાનગતિનો સામનો કરવો પડે છે. જોકે તેમણે એમ પણ કહ્યું કે, હેરાનગતિના કિસ્સાઓ સામે આવવા છતાં એવી પણ માહિતી છે કે, હોસ્પિટલોમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ થાય છે. તમે બીડની સ્થિતિ જાણો છે, જ્યાં ગેરકાયદેસર ગર્ભપાત ગેંગ ચલાવવાના આરોપમાં કેટલાક તબીબોની ધરપકડ કરવામાં આવી હતી, આવી ઘટનાઓ ન બનવી જોઈએ.
‘મારો હેતુ કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહતો’
તેમણે વધુમાં કહ્યું કે, ‘કેટલાક જિલ્લાઓમાં પુરુષ અને મહિલા ગુણોત્તર ખરાબ છે, જ્યાં 1000 પુરુષો સામે 850 મહિલાઓ છે. જો આવું જ રહેશે તો ભવિષ્યમાં કોઈએ દ્રૌપદી (એક મહિલના ઘણા પતિ હોવાના સંદર્ભમાં) વિષે વિચારવું પડી શકે છે. આવી સ્થિતી સર્જાઈ શકે છે.’ જોકે પવારે તરત જ સ્પષ્ટ કહ્યું કે, ‘મારો હેતુ દ્રૌપદીનું ઉદાહરણ આપી કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહોતો.’
અજિતના વિવાદાસ્પદ નિવેદન બાદ શરદ જૂથ ભડક્યું
શરદ જૂથના નેતા જિતેન્દ્ર આવ્હાડે (Jitendra Awhad) અજિત પવારના નિવેદનની ટીકા કરતા કહ્યું કે, તેમણે માફી માંગવી જોઈએ. તેમણે કહ્યું દ્રૌપદીનો અર્થ શું છે? અજિત પવારના મનમાંથી ઝેર બહાર આવી રહ્યું છે. તેમણે માફી માંગવી જોઈએ. ઉલ્લેખનિય છે કે, દ્રૌપદી મહાભારતનું અમર પાત્ર છે, તેમના પાંચ પતિ હતા. યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ... ધાર્મિક ઇતિહાસમાં સ્ત્રી બહુપત્નીત્વનો આ પ્રથમ કિસ્સો હતો.